- GSTનું A to Z - હર્ષ કિશોર
- કોઈપણ આકરા પગલાં લેતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જીએસટીના કાયદા અને નિયમો મુજબ તમામ જરૂરી નોટીસો વેપારીને બજી જાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે
જીએસટીના અધિકૃત અધિકારી દ્વારા વેપારીને આપવામાં આવેલ કારણદર્શક સૂચનાથી વધારે અથવા અન્ય મુદ્દા ઉપર આદેશ ન થઈ શકે તેવો ચુકાદો તાજેતરમાં નામદાર કલકત્તા હાઇકોર્ટ દ્વારા Vedant Road Carriers Pvt. Ltd. & ANOTHER vs The Assistant Commissioner of West Bengal State Tax & OTHERS- WPA 12654 of 2025 ના કેસમાં તા ૧૪.૦૧.૨૦૨૬ ના રોજ આપવામાં આવેલ છે. આ કેસમાં પિટિશન કરનાર પેઢી માલ સામાનનું ટ્રાન્સપોર્ટ કરતી હતી અને તેઓને કુલ છ વખત સેવા પૂરી પાડવા બદલ અને ફોરવર્ડ ચાર્જ પદ્ધતિએ વેરો ભરવા અંગે કારણ દર્શક સૂચનાઓ પાઠવવામાં આવેલ હતી.
વેપારી ઉપર એવો આક્ષેપ હતો કે તેઓશ્રીએ વર્ષ ૨૦૧૮ ૧૯ માં જીએસટીઆર- થ્રીબી માં ટર્નઓવર ઓફ આઉટવર્ડ સપ્લાય ખરેખર કરતા ઓછું દર્શાવેલ હતું. પ્રથમવાર વેપારીને તારીખ ૩૧.૩. ૨૦૨૩ સુધીમાં જરૂરી પુરાવા અને દસ્તાવેજો સહિત કારણદર્શક નોટીસનો જવાબ કરવા માટેનો સમય આપવામાં આવેલ હતો.
કેસની વિગતો : વેપારીને વર્ષ ૨૦૧૭-૧૮ થી લઈને ૨૦૨૨૩ સુધીના વર્ષો માટે કુલ છ કારણ દર્શક નોટિસો બજાવવામાં આવેલ હતી તેથી વેપારી પોતાનો જવાબ સમયસર તૈયાર કરી શકેલ નહીં અને તારીખ ૩૧-૩-૨૦૨૩ ના રોજ સંબંધિત અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહેલ અને વધારાના સમયની માંગણી કરેલ હતી.
જો કે આ કેસમાં અધિકારી દ્વારા આ માંગણી નકારવામાં આવેલ હતી અને ૧૭. ૫.૨૦૨૩ ના રોજ આદેશ પસાર કરવામાં આવેલ હતો જેમાં કારણદર્શક નોટીસ સિવાયના મુદ્દાઓનો પણ સમાવેશ થતો હતો.
કારણદર્શક સૂચનામાં વેપારીએ પોતાનું ટર્નઓવર ઓફ સપ્લાય ઓછું બતાવેલ છે તેવો મુદ્દો હતો જ્યારે આદેશમાં વેપારીએ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરવા માટે વિકલ્પ આપેલ છે તેવું જણાવીને માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું હતું અને કુલ ૧૨% ના હિસાબે વેરાની ગણતરી કરવામાં આવેલ હતી.
જ્યારે પીટીશનરનું કહેવું એવું હતું કે અમો રિવર્સ ચાર મુજબ વેરો ભરવાનો વિકલ્પ આપેલ હતો. અગાઉ વેપારીએ હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરેલ જે કોર્ટ દ્વારા પ્રથમ અપીલ અધિકારી તરફ રિમાન્ડ કરવામાં આવેલ. વેપારીશ્રીએ તારીખ ૧૭. ૫. ૨૦૨૩ ના આદેશને પ્રથમ અપીલ અધિકારી સમક્ષ પડકારેલ હતો.
પ્રથમ અપીલ તબક્કે વેપારીએ જીએસટીની કલમ ૭૫(૭)નો આધાર લીધેલ અને જણાવેલ કે કારણદર્શક સૂચનાથી વધારાના મુદ્દા આદેશમાં સમાવી ન શકાય. વેપારી પેઢી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ કારણદર્શક સુચના અને આદેશની તુલનાત્મક વિગતો રજુ કરવામાં આવેલ હતી.
વેપારીએ એવી રજૂઆત કરી જો અધિકારી અન્ય મુદ્દે આદેશ પસાર કરવા માંગતા હોય તો તેઓએ અલગથી કારણદર્શક સૂચના આપવાની થતી હતી. વેપારી તરફથી વધુમાં કોર્ટને જણાવવામાં આવેલ કે પ્રથમ અપીલ અધિકારી પણ અમારા મુદ્દા સાથે સંમત થયેલ છે અને જણાવેલ છે કે આદેશ કરનાર અધિકારીએ કલમ ૭૫(૭)ની જોગવાઈઓથી વિરુદ્ધનો આદેશ કરે છે તેમ છતાં આ બાબત ટેકનિકલ પ્રકારની હોય તેમ ગણીને વેપારીની અપીલ રિજેક્ટ કરવામાં આવેલ છે.
વેપારીશ્રી દ્વારા નામદાર કલકત્તા હાઇકોર્ટના Duakem Pharma Pvt. Ltd. vs. Deputy Commissioner of Revenue (2025) 29 Centax 387 (Cal.) ના કેસનો આધાર લેવામાં આવેલ હતો. વેપારીશ્રીએ નામદાર કોર્ટનું ધ્યાન દોરેલ હતું કે અધિકારી પાસે જીએસટી બીઓ પોર્ટલમાં જે ડેટા છે તે વિશેષ પ્રકારનો ડેટા છે જે કરદાતા પાસે ઉપલબ્ધ હોતો નથી.
સરકાર પક્ષે Mayank Mineral vs. State of U.P. (2025) 174 taxmann.com 636 (Allahabad) ના ચુકાદાનો આધાર લેવામાં આવેલ હતો.
કોર્ટે છણાવટ કરતા જણાવ્યું કે એ બાબત હકીકત છે કે કારણદર્શક સૂચના અને આદેશમાં જે મુદ્દા છે તેમાં તફાવત રહેલ છે. પરંતુ જીએસટીની કલમ ૭૫ ૭ હેઠળ આવું કરી શકાય નહીં.
જીએસટી કાયદાની કલમ ૭૫(૭) આ પ્રમાણે છે : The amount of tax, interest and penalty demanded in the order shall not be in excess of the amount specified in the notice and no demand shall be confirmed on the grounds other than the grounds specified in the notice”.
કોર્ટે જણાવ્યું કે કલમ ૭૫(૭) ની જોગવાઈ નકારાત્મક મેન્ડેટ આપે છે અને કારણદર્શક સૂચના સિવાયના મુદ્દાના અનુસંધાને માંગણાની સૂચના કાઢવા ઉપર પ્રતિબંધ મૂકે છે.
આમ પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કારણ દર્શક સુચનાથી વધારાના મુદ્દા મુજબ અધિકારી દ્વારા આદેશ ન કરી શકાય અને કલમ ૭૫(૭) એ કાયદાના આવા સિદ્ધાંત માટેની સ્પષ્ટ ધારાકીય જોગવાઈ કરવામાં આવેલ છે જ. ઉપરાંત અપીલ અધિકારી દ્વારા પણ આ મુદ્દે જણાવવામાં આવેલ છે કે કારણદર્શક સૂચનાથી વધારાના મુદ્દાના અનુસંધાને આદેશ ન થઈ શકે પરંતુ તે ટેકનિકલ બાબત ગણીને વેપારીની અપીલ રિજેક્ટ કરેલ છે.
પરંતુ કોર્ટના મતે આ બાબત માત્ર ટેકનિકલ પ્રકારની નથી ખરેખર તો વેપારી ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરવા પાત્ર છે કે રિવર્સ ચાર્જ મુજબ તે ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ ના જાહેરનામાની જોગવાઈઓના અનુસંધાને ચકાસવાનું રહે. Ref: Notification No. 20/2017-Central Tax (Rate) dated August 22, 2017 [Principal notification No. 11/2017 - Central Tax (Rate), dated the 28th June, 2017] the supplies made by the petitioner under the Reverse Charge Mechanism from 10th April 2018 to 31st March 2019
તેથી અપીલ અધિકારીએ કાયદાની આ જોગવાઈને હળવાશથી લઈને માત્ર ટેકનિકલ બાબત ન ગણવી જોઈએ. વેપારીશ્રીની રજૂઆતમાં એવું પણ તથ્ય જણાય છે કે બીઓ પોર્ટલમાં જે ડેટા ઉપલબ્ધ છે તે માત્ર અધિકારીઓ જોઈ શકે છે જ્યારે વેપારી જોઈ શકતા નથી તેવા સંજોગોમાં વેપારી પક્ષે કારણદર્શક સૂચનાનો જવાબ કરવાની અસરકારક તક મળેલ જણાતી નથી. સરકાર સરકાર પક્ષે જે ચુકાદાનો આધાર લેવામાં આવેલ છે તેની હકીકતો આ કેસથી જુદી પડે છે તેથી Mayank Mineral vs. State of U.P. (2025) 174 taxmann.com 636 (Allahabad)ના ચુકાદાનો લાભ સરકારને મળવા પાત્ર થતો નથી અને આમ તારીખ ૧૭-૫-૨૦૨૩ ના રોજ અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ સેટ-અસાઇડ કરવામાં આવે છે અને સમગ્ર મામલો અધિકારીને રિમાન્ડ કરીને પુનઃ ચકાસણી કરવા જણાવવામાં આવે છે.
આ માટે વેપારીને સાંભળવાની તક આપવાની રહે અને કારણદર્શક સૂચનામાં તમામ જરૂરી વિગતો તેઓને જણાવવાની રહે જેના આધારે અધિકારી નિર્ણય લેવા માંગે છે. એવું બને કે અધિકારી દ્વારા વધારાની કારણદર્શક સૂચના આપવામાં આવે ત્યારે વેપારીએ સમય મર્યાદા જેવા મુદ્દા ઉપસ્થિત કરવાના રહેશે નહીં.
અંતે ઃ આમ તો જીએસટી કાયદા, નિયમોમાં અને એસ. ઓ. પી. માં કેટલીક બાબતનો ઉલ્લેખ હોય છે તેથી કોર્ટોના વિવિધ ચુકાદાઓના આધારે જીએસટીના અધિકારીઓએ વેરાની સુરક્ષા ધ્યાને રાખીને કામગીરી કરવાની રહે. સમયાંતરે કોર્ટના અવલોકનો અને ચુકાદાના આધારે કાયદામાં કે નિયમોમાં ફેરફાર પણ થતા હોય છે.
વેપારી સામે કોઈપણ આકરા પગલાં લેતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જીએસટીના કાયદા અને નિયમો મુજબ તમામ જરૂરી નોટીસો વેપારીને બજી જાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે અને જરૂર પડયે તેની રૂબરૂ સુનાવણી કરીને પુરાવા ફાઇલે રાખીને વ્યવસ્થિત નોટિંગ કરવાનું રહે છે. કારણ કે 'રીઝન ટુ બીલીવ' અને 'રિઝન્સ રેકોર્ડેડ' બહુ જ અગત્યના થઈ જાય છે. વેપારીએ કઈ રીતે ખોટું કરેલ છે તે નોંધવંા અને તમામ પુરાવા ફાઇલે રાખવા અથવા આપણે જે દસ્તાવેજો ઉપર આધાર રાખતા હોઈએ તેની નકલ વેપારીને કારણદર્શક સૂચના સાથે પાઠવીને તેમનો પ્રત્યુતર મેળવવો રહ્યો.


