Get The App

GST કર-પ્રણાલી હેઠળ કામ ચલાઉ ટાંચ અંગેના સુપ્રીમ કોર્ટના તાજેતરના ખૂબ જ મહત્વના ચુકાદાની વિગતો

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
GST કર-પ્રણાલી હેઠળ કામ ચલાઉ ટાંચ અંગેના સુપ્રીમ કોર્ટના તાજેતરના ખૂબ જ મહત્વના ચુકાદાની વિગતો 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- સામાન્ય રીતે કોઇપણ મિલકતની હરાજી કરતા પહેલાં તે મિલકતની અપસેટ કિંમત લેન્ડ રેવન્યુ રૂલ્સ 128નીચે નક્કી કરવાની રહે છે

આપણે જાણીએ છીએ કે જીએસટી હેઠળ દરેક વેપારીએ સેલ્ફ એસેસમેન્ટ કરીને પોતે ભરવા પાત્ર વેરો, પત્રક સાથે કે તે અગાઉ ભરી દેવાનો રહે છે અને અધિકારીએ વેપારીએ કરેલ સેલ્ફ કોમ્પલાઇન્સ બરાબર છે કે નહીં તે ચકાસીને કાયદાની જોગવાઈઓ મુજબ આગળ નિર્ણય લેવાનો થાય છે. હવે જો વેપારીએ પોતાની વેરાકીય જવાબદારી યોગ્ય રીતે અદા ન કરેલ હોય તો અધિકારી જે તે વેપારી વિરુદ્ધ કાયદાની કલમ ૭૩/૭૪ કે અન્ય રીતે વેરો, વ્યાજ અને દંડ આકારીને માંગણું ઉપસ્થિત કરી શકે છે. જે વેપારી સામે અધિકારીએ માંગણું ઉપસ્થિત કરેલ હોય તે વેપારીને જો એ માન્ય હોય અને અપીલમાં ન જવું હોય તો તેને ૯૦ દિવસની મર્યાદામાં તે રકમ ભરવાની થાય છે. ત્યારબાદ પણ જો તેઓશ્રી આ વેરો/વ્યાજ/દંડ ન ભરે તો અધિકારી કલમ ૭૯ હેઠળ વસુલાતની કાર્યવાહી કરી શકે છે, જેમાં બેંક ટાંચ,થર્ડ પાર્ટી રિકવરી, પ્રોપર્ટી ટાંચ અને જમીન મહેસુલ રાહે કરી શકાય તેવી વસુલાતના અન્ય પગલાનો સમાવેશ થાય છે.

લેન્ડ રેવન્યુ કોડ,૧૮૭૯ : તેની કલમ ૧૫૦માં નીચે જણાવેલ તબક્કાથી જમીન મહેસુલની બાકી તરીકે વસુલાત કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. (૧) કલમ ૧૫૨ નીચે બાકીદારને માગણાની નોટીસ આપવાની રહે છે. 

(૨) કલમ ૧૫૩ નીચે બાકીદારની ખેતીની જમીન ટાંચ મુકવાની કાર્યવાહી.

(૩) કલમ ૧૫૪ નીચે બાકીદારની જંગમ મિલ્કત જપ્તીમાં લઇને હરાજી કરવી.

(૪) કલમ ૧૫૫ નીચે બાકીદારની સ્થાવર મિલ્કતની હરાજી કરવી. 

(૫) કલમ ૧૫૬ નીચે બાકીદારની કઇ કઇ મિલકતો જપ્તીને પાત્ર નથી.

(૬)  કલમ ૧૫૭ અને ૧૫૮ નીચે બાકીદારને પકડીને જેલમાં પુરવા.

(૭) કલમ ૧૬૮ અને ૧૭૦નીચે perishable goods ની જપ્તી અને હરાજી થઇ શકે છે. 

(૮) કલમ ૧૮૩અનુસારવેચાણમાં ઉપજેલી રકમ કઇ રીતે વહેંચવી અને ખર્ચ કેમ ગણવો.

(૯) કલમ ૨૦૦ હેઠળ ગૃહ પ્રવેશની નોટીસ. 

(૧૦) અપસેટ કિંમત : સામાન્ય રીતે કોઇપણ મિલકતની હરાજી કરતા પહેલાં તે મિલકતની અપસેટ કિંમત લેન્ડ રેવન્યુ રૂલ્સ ૧૨૮નીચે નક્કી કરવાની રહે છે.

કામ ચલાઉ ટાંચ : આવા માંગણાની રકમની સુરક્ષા માટે કેટલીક વાર વેપારીના બેંક ખાતા ઉપર કે સ્ટોક અથવા મિલકત ઉપર કલમ ૮૩ હેઠળ કામચલાઉ ટાંચ મુકવાની જોગવાઈ જીએસટી કાયદામાં છે. આ માટેના સંબંધિત નિયમો (વસુલાતના નિયમ ૧૪૨ થી ૧૪૭) અને ફોર્મ્સ (DRC-૧ થી ૨૫) પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં કલમ ૭૯ ને લગતા કુલ ૫૫ કોર્ટ કેસ થયેલ છે તેમજ કલમ ૮૩ ને લગતા આવા ૨૪૮ કેસ થયેલ છે. કામ ચલાઉ ટાંચ મૂકવા માટેની જોગવાઈ એવી છે કે જ્યારે કોઈપણ વેપારી સામે કાયદા હેઠળ કોઈ કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય એટલે કે પેન્ડિંગ હોય તે દરમિયાન સરકારી વેરાની સુરક્ષા અને સલામતી માટે મહત્તમ એક વર્ષ માટે કામચલાઉ ટાંચ મૂકી શકાય છે.એક વર્ષ બાદ આવી કામ ચલાઉ ટાંચ ફરી મુકાય? લંબાવી શકાય? રીન્યુ કરી શકાય? આપણને આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો KesariNandan Mobile Versus Office Of Assistant Commissioner Of State Tax (2), Enforcement Division – 5 lt fumbtk Civil Appeal No 9543 Of 2025 તળે તારીખ ૧૪/૦૮/૨૦૨૫ ના રોજ આવેલ છે. જેની વિગતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.

વિગતો : આ વેપારી પેઢી માલિકી પેઢી છે. વેપારીશ્રીનો મુખ્ય ધંધો ટેલીફોન સેટ, સ્માર્ટ ફોન અને અન્ય ઉપકરણો જે એચ એસ એન ૮૫૧૭ અને ૮૫૪૨માં પડે છે તેને લગતો છે. ડિપાર્ટમેન્ટ તરફથી વેપારી પેઢીને સમન્સ ઇશ્યુ કરવામાં આવેલ તેમજ સ્થળ તપાસ પણ થયેલ હતી અને બાદમાં રૂ ૧૯ કરોડ જેટલી ખોટી વેરા-શાખનો ઉપયોગ અને બીલ વગરનું વેચાણ તેમજ બોગસ બિલીંગ સહિતની કેટલીક ગંભીર ક્ષતિઓ જણાતા વેરાની સુરક્ષા માટે કુલ ચાર બેન્ક ખાતાઓ ઉપર કામ ચલાઉટાંચ કરવામાં આવેલ હતી તેમજ બે સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે વેપારીની મિલકત ટાંચ પણ કરવામાં આવેલ હતી. 

પ્રથમ ચુકાદો : આ કેસમાં અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટ તા ૨૯.૧.૨૦૨૫ના રોજ R/Special Civil Application number 16339 of 2024ની સુનાવણી દરમ્યાન અરજદારની પિટિશન કાઢી નાખેલ અને જણાવેલ હતું કે ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એક કામ ચલાઉ આદેશનો સમયગાળો પૂર્ણ થયા બાદ આવો બીજો આદેશ કરવાની સત્તા ઉપલબ્ધ છે. વેપારી પેઢીની એવી દલીલ હતી કે હાઇકોર્ટનો આ નિર્ણય યોગ્ય એટલા માટે નથી કારણ કે જીએસટી કાયદો બનાવતી વખતે ધારાસભાનો ઈરાદો જ એવો છે કે સરકારી રકમની સુરક્ષા એક વર્ષ પૂરતી કરવામાં આવે. વેપારીશ્રીએ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, ૧૯૪૪ અને કસ્ટમ્સ, એક્ટ, ૧૯૬૨ ની જોગવાઈઓનો આધાર લઈને જણાવ્યું કે તેમાં પણ કામચલાઉ ટાંચનો જે મહત્તમ બે વર્ષનો સમય ગાળો છે ત્યારબાદ તે આપોઆપ પૂર્ણ થઈ જાય છે. વેપારીશ્રીએ મેસર્સ રાધાકૃષ્ણન ઇન્ડસ્ટ્રીઝના કેસનો આધાર લીધેલ હતો. પરંતુ નામદાર હાઇકોર્ટે જણાવ્યું કે તે કેસમાં રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝને બોગસ બીલો મળેલા હતા જ્યારે અહીંયા વેપારીએ પોતે ખોટું કરેલ છે તેથી તે ચુકાદાની એનોલોજીનો લાભ તેમને મળી શકે નહીં.

સરકાર પક્ષે રજૂઆત : ડિપાર્ટમેન્ટ તરફથી એવી દલીલ કરવામાં આવી કે વેપારીશ્રી મોટાપાયે નાણાકીય ગેર-રીતિમાં સંડોવાયેલ છે અને સરકારી નાણાંને મોટા પાયે નુકસાન પહોંચાડી રહેલ છે તો જ્યારે વેપારીની આકારણી કરવામાં આવે અને ડિમાન્ડ ઉભી કરવામાં આવે ત્યારે નાણાંની વસૂલાત થઈ શકે નહીં તેથી વ્યાજબી કારણસર કામચલાઉ ટાંચ રીન્યુ કરવી જરૂરી છે નહીંતર વેપારી પોતાની મિલકતોનો નિકાલ કરી શકે છે. ડિપાર્ટમેન્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે વેપારીના ધંધાકીય વ્યવહારો શંકાસ્પદ જણાતા તેમજ બાદમાં વસુલાતની કાર્યવાહી મુશ્કેલ થવાની શક્યતાને જોતા તેમજ જીએસટી કાયદામાં કોઈ બાધ ન હોવાથી અગાઉનો કામ ચલાઉ ટાંચનો આદેશ જરૂર પડયેથી રીન્યુ કરવામાં આવેલ છે.

ચુકાદો : આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે જીએસટીના કાયદા મુજબ એક વર્ષની સમય મર્યાદા બાદ બીજો કામ ચલાઉ ટાંચનો આદેશ ન થઈ શકે. બેંચ દ્વારા નોંધવામાં આવેલ છે કે એક વર્ષ બાદ કોઈપણ કામ ચલાઉ ટાંચના આદેશનું અસ્તિત્વ રહેતું નથી. જોકે જ્યાં સુધી આદેશ અમલમાં હોય અને તેમાં કોઈ ફેરફાર કરવામાં ના આવ્યો હોય ત્યાં સુધી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. આ કેસમાં અરજદાર દ્વારા જીએસટીની કલમ ૮૩ હેઠળ તારીખ ૧૩ નવેમ્બર અને ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થયેલ કામ ચલાઉ ટાંચનો આદેશોને પડકારવામાં આવેલ હતો. વેપારીની દલીલ હતી કે ઓક્ટોબર ૨૦૨૩માં કરવામાં આવેલ કામ ચલાઉ  આદેશો ઓક્ટોબર ૨૪માં પૂર્ણ થયેલ હતા. તેથી તેને રીન્યુ ન કરી શકાય. તેમ છતાં અને અરજદારે જીએસટીના નિયમ ૧૫૯ હેઠળ વિરોધ નોંધાવેલ હોવા છતાં ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા આદેશો કરીને અગાઉના કામ ચલાઉ આદેશોને રીન્યુ કરવામાં આવેલ છે.

નામદાર સુપ્રિમ કોર્ટે વેપારીશ્રીની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ આ રીતે પુન: કામ ચલાઉ ટાંચના આદેશો ન કરી શકે અને વેપારીના જે બેંક ખાતા ઉપર ટાંચ મૂકવામાં આવેલ છે તે ઉપાડી લેવામાં આવે. 

અગત્યનું : આમ જોવા જઈએ તો GST ખાતાના અધિકારીઓએ એક વર્ષના સમયગાળામાં અન્વેષણ-સંશોધન તથા કરચોરીના પુરાવા એકઠા કરવાની તેમજ લાગુ પડતી કલમ હેઠળ આકારણીની તમામ કાર્યવાહી એક વર્ષમાં પૂર્ણ કરવી જોઈએ. ધારાસભાનો પણ એવો જ ઇરાદો લાગે છે અને તેથી જ કામ ચલાઉ ટાંચ માટે એક વર્ષનો સમય પૂરતો જણાય છે. ખરેખર તો GST ના અધિકારીઓએ માંગણું ઉપસ્થિત કરીને કાયમી ટાંચ મૂકવી જોઈએ અથવા તો વસુલાત કરી લેવી જોઈએ.