Get The App

GST હેઠળ અપીલ તબક્કે પ્રાથમિક ભરણા અંગે કોર્ટ કેસો અને પરિપત્રોની અગત્યની વિગતો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
GST હેઠળ અપીલ તબક્કે પ્રાથમિક ભરણા અંગે કોર્ટ કેસો અને પરિપત્રોની અગત્યની વિગતો 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- પત્રક પ્રમાણે કે જીએસટી કાયદા હેઠળની કોઈપણ કાર્યવાહી હેઠળ આઉટપુટ ટેક્સ ભરવા માટે નોંધાયેલ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જમા રકમનો ઉપયોગ કરી શકશે

યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેસમાં સરકાર તરફે અપીલ તબક્કે પ્રાથમિક ભરણા અંગે માનનીય ઓરિસ્સા હાઇકોર્ટના જ્યોતિ કન્સ્ટ્રક્શન વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સના ચુકાદા Writ Petition(C) ક્રમાંક : ૨૩૫૦૮, ૨૩૦૧૧, ૨૩૫૧૩, ૨૩૫૧૪ અને ૨૩૫૨૧ ઓફ ૨૦૨૧) પરનો આધાર લેવામાં આવેલ. આ કેસમાં નામદાર ઓરિસ્સા હાઇકોર્ટે ઠરાવેલ હતું કે અપીલની પ્રિ-ડિપોઝીટની રકમ ભરવા માટે ઈલેક્ટ્રોનિક ક્રેડીટ લેજરમાં રહેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ વાપરી શકાય નહી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ  ઇનડાયરેક્ટ ટેક્સીસની જીએસટી પોલીસી વિંગ દ્વારા તારીખ ૬.૭.૨૦૨૨ ના રોજ પરિપત્ર ક્રમાંક : ૧૭૨/૦૪/૨૦૨૨ જીએસટી-થી બહાર પાડવામાં આવેલ સ્પષ્ટતાઓના કારણે તે ચુકાદાની ચર્ચા કરવાનું કોર્ટને યોગ્ય લાગેલ નહીં. આમ, મુંબઈ હાઇકોર્ટના ચુકાદાના આધારે માનનીય ગુજરાત હાઇકોર્ટે શિવ ક્રેકર્સના કેસમાં ઠરાવ્યું હતું કે પ્રથમ અપીલ માટે ભરવા પાત્ર પ્રિ-ડીપોઝીટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરીને ભરી શકાય.

સી.બી.આઈ.સી. ની સ્પષ્ટતા : તારીખ ૬.૭.૨૦૨૨ ના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જીએસટી કાયદાની કલમ ૪૯(૪) મુજબ ઇલેક્ટ્રોનિક ક્રેડિટમાં જમા રકમનો સીજીએસટી કે આઈજીએસટી કાયદા હેઠળના આઉટપુટ ટેક્સ ભરવા માટે સીજીએસટી કાયદાની કલમ ૪૯(બી) ની સાથે નિયમ ૮૮(એ) વાંચતા ઈનપુટ એક્સ ક્રેડિટ વાપરવાના ક્રમ અનુસાર ઉપયોગ કરી શકાશે. નિયમ ૮૬(૨) અનુસાર કલમ ૪૯ કે કલમ ૪૯(ચ) અથવા કલમ ૪૯(મ) મુજબની જવાબદારી નિભાવવા માટે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરી શકાશે. વળી કલમ ૨(૮૨) અનુસાર આઉટપુટ ટેક્સ એટલે કે કરપાત્ર વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ નોંધાયેલ હોય અથવા કલમ ૨૨ કે ૨૪ હેઠળ નોંધણી નંબર ધરાવવા જવાબદાર હોય તેમના દ્વારા માલ કે સેવા કે બંનેના કરપાત્ર સપ્લાય ઉપર લાગતો વેરો પણ તેમાં રિવર્સ ચાર્જ પર લાગતા વેરાનો સમાવેશ થશે નહીં. 

કાયદા અને નિયમોની આ જોગવાઈને ધ્યાને લેતા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે પત્રક પ્રમાણે કે જીએસટી કાયદા હેઠળની કોઈપણ કાર્યવાહી હેઠળ આઉટપુટ ટેક્સ ભરવા માટે નોંધાયેલ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જમા રકમનો ઉપયોગ કરી શકશે. વધુમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આઉટપુટ ટેક્સમાં રિવર્સ ચાર્જ પર ભરવા પાત્ર વેરાનો સમાવેશ થતો નથી અને તેથી રિવર્સ ચાર્જ હેઠળ ભરવા પાત્ર વેરો ચૂકવવા ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરની જમા રકમનો ઉપયોગ કરી શકાશે નહીં. એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કલમ ૪૯(૪) ની જોગવાઈ મુજબ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જમા રકમનો ઉપયોગ આઉટપુટ ટેક્સ ભરવા માટે જ કરી શકાય અને તેથી કાયદા હેઠળ ભરવા પાત્ર વ્યાજ, દંડ, ફી કે અન્ય કોઈ રકમ ચૂકવવા ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ ન થઈ શકે. આ જ રીતે જો કોઈ કરદાદાને ભૂલથી રોકડમાં રિફંડ ચૂકવવામાં આવ્યું હોય તો આવા ખોટી રીતે અપાયેલ રિફંડની રકમ ચૂકવવા માટે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરી શકાય નહીં.

કંપની વિરુદ્ધનો આદેશ : પીટીશનર કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ પબ્લિક લિમિટેડ કંપની છે કે જેનો ધંધો વિશિષ્ટ કેમિકલ્સ જેવા કે સુગંધવાળા કેમિકલ્સ, ફૂડ એનટી- ઓક્સીડન્ટ, રબર કેમિકલ્સ વગેરેનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરવાનો છે. તારીખ ૨૮ ફેબુ્રઆરી ૨૦૧૮ થી તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાનના સમયગાળામાં માલની નિકાસ પર ચૂકવેલ આઈજીએસટીનું રિફંડ કંપનીએ મેળવેલ હતું. તારીખ ૯.૧૦.૨૦૧૮ થી દાખલ કરવામાં આવેલ નિયમ ૯૬(૧૦) ના કારણે જ્યારે માલની આયાત પર કસ્ટમના નોટિફિકેશન નંબર ૭૯/ ૨૦૧૭ કસ્ટમ મુજબનો લાભ લીધેલ હોય ત્યારે આઈ જીએસટી કાયદાની કલમ ૧૬(૩)(મ) મુજબ નિકાસનું રિફંડ મળવા પાત્ર થતું ન હતું. નિયમ ૯૬(૧૦) ની કાયદેસરતા કંપનીએ માન્ય મુંબઈ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરીને પડકારેલ હતી. દરમિયાનમાં કંપનીને રૂપિયા ત્રણ કરોડ ડીઆરસી-૦૩ થી ભરવા માટે મજબૂર કરવામાં આવી. ખાતા દ્વારા કંપનીના ધંધાના સ્થળે તપાસ પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ કંપનીને ચૂકવાયેલ રિફંડની રકમ પરત મેળવવા માટે કારણ દર્શક નોટિસ બજાવવામાં આવેલ હતી. કંપની દ્વારા વિગતવાર જવાબ આપવામાં આવ્યો. પરંતુ તે ન સ્વીકારીને કંપની વિરુદ્ધ વ્યાજ અને દંડનું માંગણું ઉપસ્થિત કરતો આદેશ કરવામાં આવ્યો હતો.

પ્રિ-ડિપોઝિટની રકમ રોકડેથી ભરવા વિરુદ્ધની રીટ ઃ કંપનીએ તેની વિરુદ્ધ પસાર થયેલા આદેશને પ્રથમ અપીલ દાખલ કરીને પ્રથમ પડકારેલ. અપીલ માટે કલમ ૧૦૭(૬)(મ) અનુસાર ૧૦% લેખે ભરવા પાત્ર પ્રિ-ડીપોઝીટની ?૩.૩૬ કરોડની રકમ કંપનીએ ક્રેડિટ લેજરનો ઉપયોગ કરીને ચૂકવી દીધેલ. પ્રથમ અપીલ અધિકારીએ તારીખ ૨૫.૪.૨૦૨૩ ના પત્ર દ્વારા કંપનીને પ્રિ- ડીપોઝીટની રકમ ઇલેક્ટ્રોનિક કેશ લેઝરથી જમા કરાવવા સૂચના આપી અને તેનો પુરાવો સુનાવણી સમયે કે તે પહેલા રજૂ કરવા જણાવ્યું. પ્રથમ અપીલ અધિકારી દ્વારા પ્રિ-ડીપોઝીટની રકમ રોકડેથી ભરવા માટે આપવામાં આવેલ સૂચનાને કંપનીએ માનનીય ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરીને પડકારેલ હતી.

કોર્ટનો ચુકાદો પોતાનો અગાઉનો શિવ ક્રેકર્સનો ચુકાદો અનુસરીને નામદાર ગુજરાત હાઇકોર્ટ યશો ઇન્ડસ્ટ્રીઝના કેસમાં ઠરાવ્યું કે કલમ ૧૦૭(૬)(મ) અનુસાર પ્રથમ અપીલ માટે ભરવા પાત્ર પ્રિ- ડીપોઝીટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરીને ભરવામાં આવેલ હોય તો તે કાયદેસર છે અને પ્રિ-ડિપોઝિટની રકમ રોકડેથી ભરવા માટે પ્રથમ અપીલ અધિકારી દ્વારા આપવામાં આવેલ તારીખ ૨૫.૪.૨૦૨૩ નો પત્ર કોર્ટે રદ બાતલ કરેલ છે. આમ, કંપની દ્વારા પ્રિ-ડિપોઝિટની રકમનું ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર દ્વારા કરવામાં આવેલ ચુકવણું યોગ્ય ગણીને દાખલ કરવામાં આવેલ અપીલની ગુણદોષ ઉપર સુનાવણી કરવું જરૂરી છે તેમ કોર્ટે ઠરાવેલ છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તકરારનો અંત ઃ માનનીય ગુજરાત હાઇકોર્ટના યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેસના તારીખ ૧૭.૧૦.૨૦૨૪ ના ચુકાદા સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા માનનીય સુપ્રીમ કોર્ટે તેના તારીખ ૧૯ ૫ ૨૦૨૫ના આદેશથી માનનીય ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં દખલગીરી કરવાનો ઇનકાર કરેલ છે. આથી હવે આ તકરારનો અંત આવી ગયેલ છે અને કોઈપણ વ્યક્તિ પ્રથમ અપીલ માટે ભરવા પાત્ર પ્રિ-ડીપોઝીટની રકમ રોકડેથી કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરીને કરી શકશે.

કલમ ૯૬(૧૦) ને લગતો ચુકાદો Cosmo Films Limited vs Union Of India on 20 October, 2020 In The High Court Of Gujarat At Ahmedabad R/Special Civil Application No. 15833 of ૨૦૧૮. આ ચુકાદો જીએસટી ના નિયમો પૈકી નિયમ ૯૬ (૧૦) ને લાગુ પડે છે. આ નિયમ જાહેરનામા ક્રમાંક ઃ ૫૪/૨૦૧૮ તારીખ ૯ ઓક્ટોબર ૨૦૧૮ થી દાખલ કરવામાં આવેલ હતો. આપણે જાણીએ છીએ કે નિકાસના કિસ્સામાં વેપારી પાસે બે વિકલ્પ હોય છે ઃ એક, આઈજીએસટી ભરીને તેનું રિફંડ લેવું અને બે, લેટર ઓફ અંડરટેકિંગ અથવા બોન્ડ આપીને વેરો ભર્યા સિવાય નિકાસ કરવી.

જીએસટી કાયદા ઉપરાંત ફોરેન ટ્રેડ પોલિસીની જોગવાઈઓ મુજબ નિકાસકારોને કેટલીક વધારાની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમ કે, એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ. આ યોજના હેઠળ નિકાસ કરનાર વેપારી એકમ જ્યારે કાચા માલ/કેપિટલ ગુડ્ઝ વગેરેની આયાત કરીને તેમાંથી ઉત્પાદન કરીને નિકાસ કરે છે ત્યારે આયાત ઉપર કોઈ વેરો ના ભરે તેવી સુવિધા આપવામાં આવેલ છે. જીએસટીનો અમલ થયો ત્યારે શરૂઆતના કેટલાક સમયમાં એડવાન્સ ઓથોરાઇઝેશનની યોજનાનો લાભ નિકાસકારોને મળતો ન હતો. જો કે સામે બેઝિક કસ્ટમ ડયુટીની માફીનો લાભ વેપારીઓને મળવાનું ચાલુ રહેલ. વેપારીઓની આ મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન અને એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડઝ (EPCG) માટે રજીસ્ટ્રેશન ધરાવતા હોય તેવા એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટસ (EOU) ને કસ્ટમ્સના જાહેરનામાં ક્ર : ૭૯/૨૦૧૭ તારીખ ૧૩.૭.૨૦૧૭ થી આઈજીએસટી કાયદા હેઠળ વેરા-માફીના લાભો આપવાનું શરૂ થયેલ.