Get The App

GST ના નિયમ 86-A હેઠળ કોઈ વેપારીની ભવિષ્યની વેરા શાખ બ્લોક કરી શકાય ?

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
GST ના નિયમ 86-A હેઠળ કોઈ વેપારીની ભવિષ્યની વેરા શાખ બ્લોક કરી શકાય ? 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- વેપારી દ્વારા જેટલી વેરા શાખ ખોટી રીતે લેવામાં આવેલ હોય તેટલા પ્રમાણમાં અધિકારીના લેવલે આઇટીસી બ્લોક કરી શકાય છે.

ના. ન કરી શકાય. તાજેતરમાં આ અંગેનો નામદાર મુંબઈ હાઈકોર્ટનો Rawman Metal & Alloys Versus The Deputy Commissioner of State Tax, Thane, Case No: Writ Petition (L) No. ૧૦૯૨૮ of ૨૦૨૫ના કેસમાં તારીખ ૭.૧૦.૨૦૨૫ના રોજ ખૂબ જ મહત્વનો ચુકાદો આવેલ છે. જેની વિગતો આપણે જોઈએ.

રજૂઆત : આ કેસમાં પીટીશનર કંપની દ્વારા અધિકારીના તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૪ના આદેશને પડકારવામાં આવેલ જેમાં જીએસટીના નિયમ ૮૬-A હેઠળ પીટીશનરના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર ઉપર રૂપિયા ૧૨,૮૪,૨૭૩ની વેરા શાખ બ્લોક કરવામાં આવેલ હતી. નવાઈની વાત એ છે કે જે દિવસે વેપારીની વેરા શાખ બ્લોક કરવામાં આવેલ હતી તે દિવસે તેમના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં વેરા શાખનું બેલેન્સ ૦ (શૂન્ય) હતું. પોતાની રજૂઆતમાં પીટીશનર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના Samay Alloys India Pvt Ltd Vs State of Gujarat,  Special Civil Application No. ૧૮૦૫૯ of ૨૦૨૧ decided on ૦૩/૦૨/૨૦૨૨ તેમજ નામદાર તેલંગાના હાઇકોર્ટના Laxmi Fine Chem Vs Assistant Commissioner, Writ Petition No. ૫૨૫૬ of ૨૦૨૪ decided on ૧૮/૦૩/૨૦૨૪ અને દિલ્હી હાઇકોર્ટના Best Crop Science Pvt Ltd through Authorised Representative Vs Principal Commissioner, CGST Commissionerate, Meerut & Ors Writ Petition (c) ૧૦૯૮૦/૨૦૨૪ : Ors decided on ૨૪/૦૯/૨૦૨૪ તેમજ Karuna Rajendra Ringshia Proprietor R R Enterprises Vs Commissioner of Central Goods and Service Tax & Ors, Writ Petition (c) No. ૭૨૫૦/૨૦૨૪ decided on ૨૧/૧૦/૨૦૨૪ના ચુકાદાઓનો આધાર લીધેલ હતો. 

સરકાર પક્ષે એવી રજૂઆત કરાવવામાં આવી કે નિયમ ૮૬-A મુજબ આઇટીસી બ્લોક કરવાનું માત્ર ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં હોય તેટલી જ મર્યાદામાં બ્લોક કરવાનું જણાતું નથી. પરંતુ ખોટી રીતે ભોગવવામાં આવેલ વેરા શાખના પ્રમાણમાં એટલી રકમની તમામ વેરા શાખ બ્લોક કરી શકાય છે. વધુમાં સરકાર પક્ષે એવું પણ જણાવવામાં આવ્યું કે જો નિયમ ૮૬-Aનું કોઈ જુદુ અર્થઘટન કરવામાં આવે તો નિયમ ૮૬-Aનો હેતુ (Otiose) માર્યો જશે. કારણ કે જે લોકો ખોટી વેર શાખ લે છે તે તરત તમામ ITC વાપરીને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર ખાલી કરી નાખશે. વધુમાં તેવી દલીલ કરવામાં આવી કે લેજિસ્લેટિવ ઇન્ટેન્ટ અથવા કારોબારીનો ઇરાદો એવો છે કે જે લોકોએ ખોટી રીતે આઇટીસી લીધેલ છે તેની આઇટીસી વેરાની સુરક્ષા માટે નિયમ ૮૬-A હેઠળ બ્લોક કરવી. આ જોગવાઈને સંકુચિત રીતે ન જોવી જોઈએ. સરકાર તરફથી પોતાના સમર્થનમાં નામદાર કલકત્તા હાઇકોર્ટનો Basanta Kumar Shaw Vs Assistant Commissioner of Revenue, Commercial Taxes and State Tax, Tamluk Charge And Others (૨૦૨૩) ૧૨૦ GSTR ૮૬૪ (Cal)ના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે આ ચુકાદામાં નિયમ ૮૬-A હેઠળનું યોગ્ય અર્થઘટન થયેલ છે. જે મુજબ વેપારી દ્વારા જેટલી વેરા શાખ ખોટી રીતે લેવામાં આવેલ હોય તેટલા પ્રમાણમાં અધિકારીના લેવલે આઇટીસી બ્લોક કરી શકાય છે.

નિયમ ૮૬-એ આ મુજબ છે :

'૮૬-A. Conditions of use of amount available in electronic credit ledger.-

(૧) The Commissioner or an officer authorised by him in this behalf, not below the rank of an Assistant Commissioner, having reasons to believe that credit of input tax available in the electronic credit ledger has been fraudulently availed or is ineligible in as much as-......”

કોર્ટનું અવલોકન : નામદાર મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું કે આ નિયમ વાંચતા ધ્યાને આવે છે કે 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ અવેલેબલ ઇન ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર' પુરતી જ ITC બ્લોક કરી શકાય. આમ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવા માટે પહેલી શરત એ છે કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં બેલેન્સ હોવું જોઈએ. નિયમ ૮૬-A મુજબ બીજી શરત એ છે કે અધિકારીને માનવાને કારણ હોવું જોઈએ કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં ઉપલબ્ધ આઇટીસી, એ ખોટી રીતે મેળવવામાં આવેલ છે. ત્યારબાદ નિયમ ૮૬-Aમાં 'રિઝન્સ ટુ બી રેકોર્ડેડ ઇન રાઈટીંગ'ની વાત છે અને આઇટીસી બ્લોક કરવાની જોગવાઈ કરેલ જણાય છે. આમ, નિયમ ૮૬-A વાંચતા જણાય છે કે જે તારીખે ITC બ્લોક કરવાનો આદેશ કરવામાં આવે તે તારીખે જો ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં બેલેન્સ ૦ હોય તો નિયમ ૮૬-Aની સત્તા વાપરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. લેજિસ્લેટિવ ઇન્ટેન્ટ અથવા કારોબારીનો ઇરાદો ત્યારે જોવાનો થાય કે જ્યારે આ નિયમની જોગવાઈમાં કોઈ ક્ષતિ હોય પરંતુ અહીંયા એવું કઈ છે નહીં. જો લેજિસલેચરનો એવો ઇરાદો હોત કે ભવિષ્યની ITC પણ બ્લોક કરી શકાય તો તેવી જોગવાઈ નિયમ ૮૬-Aમાં કરવામાં આવેલ હોત. એટલે આપણે એમ કહી શકીએ કે 'available ITC' શબ્દ ન વપરાયો હોત. સરકારની જે દલીલ છે કે નિયમ ૮૬-Aનો સંકુચિત અર્થ કરવાથી તેનો હેતુ માર્યો જશે તે બાબતે ગુજરાત નામદાર ગુજરાત હાઇકોર્ટે પોતાના Samay Alloys India Pvt Ltd Vs State of Gujaratના ચુકાદાના પેરેગ્રાફ ૩૮થી ૪૪ માં સ્પષ્ટ કરેલ છે. મુખ્ય અંશો : Rule 86A is not the rule which provides for debarring the registered person from using the facility of making payment through the electronic credit ledger. In case the intention was to disallow future debits or credit in electronic credit ledger, the text of the rule would be entirely different.”

“The Rule 86A empowers the proper officer to disallow debit from the electronic credit ledger for an amount equivalent to the amount claimed to have been fraudulently availed. Accordingly, the rule provides for restriction on an amount and not on the very credit which is fraudulently availed. Accordingly, the rule can be invoked even when the credit fraudulently availed is utilised. The rule presupposes existence of such credit in the electronic credit ledger.”

નામદાર મુંબઈ હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોતાના Samay Alloys India Pvt Ltd Vs State of Gujarat ચુકાદામાં કેરલા એસજીએસટીના કમિશનર દ્વારા તારીખ ૨૪. ૫. ૨૦૧૯ના રોજ ઇશ્યુ કરવામાં આવેલ પરિપત્ર ચાર પણ ધ્યાને લીધેલ છે. આ પરિપત્ર મુજબ જો એક હેડમાં એટલે કે એસજીએસટી, સીજીએસટી કે આઈજીએસટીમાં વેરા શાખ ઓછી હોય તો બીજા હેડમાં આઇટીસી બ્લોક કરી શકાય છે. જેને આપણે 'ક્રોસ યુટીલાઈઝેશન' કહીએ છીએ. નામદાર ગુજરાત હાઇકોર્ટે તેમ પણ જણાવેલ છે કે આઇટીસી બ્લોક કરવાની બાબત એ કામ ચલાઉ પ્રકારના પગલાંમાં આવે છે. 

આ કેસમાં સરકાર જે ચુકાદા પર આધાર રાખે છે તે ચુકાદામાં નામદાર કલકત્તા કોર્ટ દ્વારા 'નેગેટિવ બ્લોકિંગ'નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. નામદાર કલકત્તા હાઇકોર્ટે વધારામાં જણાવેલ છે કે કોર્ટની ફરજ છે કે તે લેજિસ્લેટિવ ઈરાદાની પૂરી ચકાસણી કરે. આ કેસમાં મૂળ ઈરાદો ITC બ્લોક કરવાનો છે. જેનું અર્થઘટન એવું ન કરવું જોઈએ કે જેનાથી લેજિસ્લેટિવ ઈરાદો ફળીભૂત ના થાય. પરંતુ નામદાર મુંબઈ હાઇકોર્ટે આ બાબતને નામદાર કલકત્તા હાઇકોર્ટેનો 'માની લીધેલ લેજિસ્લેટિવ ઈરાદો' ગણીને નામાદાર સુપ્રીમ કોર્ટના British India General Insurance Co. Ltd Vs Captain Itbarનો ઉલ્લેખ કરેલ છે જે મુજબ ધારાગૃહે ઘડેલ કાયદામાં કોર્ટ શબ્દો ઉમેરી શકતી નથી. નામદાર મુંબઈ હાઇકોર્ટે તે સિવાય પણ અન્ય ચુકાદાઓની છણાવટ કરીને વેપારીની તરફેણમાં નિર્ણય આપેલ છે. 

છેલ્લે ઃ ઉક્ત તમામ વિગતોના આધારે કહી શકાય કે વેપારીના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં ભવિષ્યની આઇટીસીને બ્લોક ન કરી શકાય, જેને આપણે 'નેગેટિવ બ્લોકિંગ' કહીએ તેવી કાર્યવાહી જીએસટીના અધિકારી ન કરી શકે તેવો અર્થ અત્યારની સ્થિતિએ નીકળે છે.