GST હેઠળ રજીસ્ટ્રેશનને સરળ બનાવવાની સાથે સાથે કરચોરીને કંટ્રોલ કરવાના સરકારના પ્રયાસો
- GSTનું A to Z - હર્ષ કિશોર
- નવા રજીસ્ટ્રેશન અથવા તેમાં ફેરફાર કરવા માટે મુખ્યત્વે વ્યક્તિ અથવા ભાગીદારો, કર્તા કે મેનેજરની ઓળખ અને ધંધાના સ્થળની ખરાઈ મહત્વની બની જાય છે. તેથી વ્યક્તિનો ફોટો, આધારકાર્ડ, PAN કાર્ડ, અથવા તો ધંધાના સ્થળની માલિકી સાબિત કરી શકે તેવા દસ્તાવેજો જરૂરી છે.
જીએસટી કર-પ્રણાલી હેઠળ આજની તારીખે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે જો કોઈ બાબત માથાના દુઃખાવા સમાન બાબત હોય તો તે છે કેટલાક લોકો દ્વારા ITC/રિફંડ માટે આચરાતી મોટાપાયાની ગેર-રીતિઓ. તમામ કામગીરી ઓન-લાઈન હોવા છતાં કેટલાક ઇસમો ખોટી ITC/રિફંડ લેવા માટે શરૂઆત ઈરાદાપૂર્વક ખોટા દસ્તાવેજો અને નોંધણી દાખલાથી કરે છે. જ્યારે કેટલાક લોકો નોંધણી દાખલો મેળવીને માલ કે સેવાના ખરેખર વ્યવહારોમાં ઉતર્યા વગર માત્ર બોગસ બીલો આપવાનું અને ITC પાસ-ઓન કરવાનું ગેરકાયદેસર કામ કરે છે. ખોટા નોંધણી દાખલા અને બોગસ બિલીંગ થકી થતી કરચોરી અટકાવવા માટે સમયાંતરે સરકાર દ્વારા નીચે મુજબના પગલા લેવામાં આવેલ છેઃ
૧. ઓન-લાઈન અને ફેસ્લેસ રજીસ્ટ્રેશન સાથે સાથે તા ૧.૧.૨૦૨૨થી રજીસ્ટ્રેશન અને રિફંડ માટે આધાર ઓથેન્ટીકેશન ફરજીયાત કરવામાં આવેલ છે.
૨. આધાર ઓથેન્ટીકેશન વગરના નવા રજીસ્ટ્રેશન માટે ગુજરાતમાં, અમદાવાદ, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, સુરત, વાપી, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને જુનાગઢ એમ કુલ ૧૨ સ્થળે SGST અને CSGSTના સંયુક્ત GST સુવિધા કેન્દ્રો શરુ કરવામાં આવેલ છે. આધાર ઓથેન્ટીકેશન ન કરનાર અરજદારે અહી રૂબરૂ હાજર રહેવું ફરજીયાત છે. હાજર રહીને ફોટો પડાવવાનો રહે છે તથા આંગળાની છાપ પણ આપવાની રહે છે તેમજ અસલ દસ્તાવેજો ચકાસણી અર્થે રજુ કરવાના રહે છે. ત્યારબાદ, ખાતાના STI/STO દ્વારા વેપારીના ધંધાના સ્થળે સ્પોટ વિઝીટ પણ કરાય છે.
૩. નિયમ ૮૬(બી) હેઠળ કેટલાક વર્ગના કરદાતાઓને મળવાપાત્ર વેરાશાખ અને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ વેરાશાખના ૯૯%થી વધુ વેરાશાખ વાપરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે આવા લોકોએ કેટલીક છૂટ-છાટો મુજબ ઓછામાં ઓછો એક ટકો વેરો રોકડેથી ભરવાનો થાય.
૪. લોખંડ અને અન્ય ભંગારમાં ખુબ મોટાપાયે કરચોરી ધ્યાને આવતા તારીખ ૧૦-૧૦-૨૦૨૪થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૬ /૨૦૨૪ તારીખ ૮- ૧૦-૨૦૨૪થી ચેપ્ટર ૭૧થી ૮૨માં પડતા ભંગાર ઉપર આરસીએમ પદ્ધતિએ વેરો નાખવાનું શરૂ કરેલ છે. ઉપરાંત તારીખ ૧૦-૧૦-૨૦૨૪થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૨૫/૨૦૨૪ તારીખ ૮-૧૦-૨૦૨૪થી ચેપ્ટર ૭૧થી ૮૨માં પડતા ભંગારને લગતા નોંધાયેલ વેપારીથી નોંધાયેલ વેપારીને થતા સપ્લાયમાં કુલ બે ટકા ટીડીએસની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.
૫. IMS પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી એક નવી ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થયેલ છે.
હવે ખરીદનાર વેપારીએ પોતાની તમામ ઇન્વોઇસ ઓન-લાઈન જોવાની રહે છે અને ચાર વર્ગમાં 'એક્સેપ્ટેડ' 'રિજેક્ટેડ' 'પેન્ડિંગ' અને 'નો- એક્શન ટેકન' પૈકી લાગુ પડતી કાર્યવાહી કરીને પોતાનું GSTR-૨B જનરેટ કરવાનું રહે છે. જેના આધારે GSTR-૩B ફાઈલ કરવાનું અને ITC લઈને વેરો ભરવાનો રહે છે.
૬. સરકારે ૨૦૨૫થી જીએસટીઆર-થ્રીબીમાં ઓટો પોપ્યુલેટ થતા વેરા અને વેરાશાખના આંકડા ફ્રીઝ કરવા અથવા બ્લોક કરવાનું શરુ કરેલ છે. તે મુજબ જીએસટીઆર-થ્રીબીના ટેબલ ૩.૨ને એપ્રિલ ૨૦૨૫થી ફ્રીઝ કરવામાં આવેલ છે એટલે કે વેપારી તે ડેટાને એડિટ કરી શકશે નહી. GSTR-૧, GSTR-૧A અને IFFમાંથી જીએસટીઆર-થ્રીબીમાં ઓટો પોપ્યુલેટ થતાં urdના આંતર-રાજ્ય વ્યવહારોનો આંકડો હવે એડિટ કરી શકાશે નહી. હવે ટેબલ ૧૨માં HSN-વિશે summaryની મેન્યુઅલ એન્ટ્રી થઇ શકશે નહી.
૭. ઈ-વે બીલ અને ઈ-ઇન્વોઇસનો વ્યાપ ધીરે-ધીરે વધારવામાં આવી રહેલ છે.
૮. B૨Cના વ્યવહારોના રીપોર્ટીંગની મર્યાદા રૂ. ૨.૫ લાખથી ઘટાડીને રૂ એક લાખ કરવામાં આવેલ છે.
મૂળ વાતઃ આપણે જાણીએ છીએ કે આમ તો જીએસટી રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા એકદમ સ્ટ્રીમ- લાઇન કરવામાં આવેલ છે.
આ માટે કાયદામાં કલમ ૨૨થી ૩૦ તેમજ નિયમો ૮થી ૨૩ હેઠળ વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવેલ છે. ઉપરાંત વેપારી પાસેથી જરૂરી માહિતી લેવા માટે તેમજ નોટિસ આપવા કે નિર્ણય લેવા અથવા તો સ્પોટ વિઝીટ માટે થઈને કુલ ૩૧ ફોર્મ પણ નિયમો સાથે રાખવામાં આવેલ છે. તેમ છતાં કેટલાક પ્રશ્નો હજી ઊભા રહે છે.
સામન્ય રીતે નવા રજીસ્ટ્રેશન અથવા તેમાં ફેરફાર કરવા માટે મુખ્યત્વે વ્યક્તિ અથવા ભાગીદારો, કર્તા કે મેનેજરની ઓળખ અને ધંધાના સ્થળની ખરાઈ મહત્વની બની જાય છે. તેથી વ્યક્તિનો ફોટો, આધારકાર્ડ, PAN કાર્ડ, અથવા તો ધંધાના સ્થળની માલિકી સાબિત કરી શકે તેવા દસ્તાવેજો જેમ કે પ્રોપર્ટી ટેક્સ, લાઈટ બીલ, વગેરે GSTનો નોંધણી દાખલો આપવા માટે અથવા તો તેમાં ફેરફાર કરવા માટે પૂરતા થઈ રહે છે. પરંતુ અલગ-અલગ પ્રકારના રજીસ્ટ્રેશન જેમ કે માલિકી પેઢી / ભાગીદારી પેઢી/LLP/Pvt Ltd/Govt department/PSU/Public ltd/SEZ/OIDAR/TDS deductor/TCS deductor/Non-resident taxable person/Casual Taxable person/e-commerce operator, વગેરે હોય અને તે સિવાય RCM વગેરે જેવા મુદ્દા ધ્યાને લેવાના હોય તેમજ જ્યારે ધંધાના સ્થળના પુરાવા રજીસ્ટ્રેશન મેળવનારના ન હોય જેમ કે જગ્યા ભાડાની હોય, સગા સંબંધી હોય વગેરે, ત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થોડીક અટપટી થવા પામે છે. ઉપરાંત કોઈ બે દસ્તાવેજો વચ્ચે વિસંગતતા ન હોય તે પણ અપેક્ષિત છે.
કોર્ટ કેસ : નોંધણી દાખલાની અરજી રિજેક્ટ કરવી અથવા તો નોંધણી દાખલો રદ કરવો તેના કારણોસર અનેક અપીલો અને કોર્ટ કેસો પણ થયેલ છે. છેલ્લા સાડા સાત વર્ષમાં જીએસટી કાયદાની તમામ ૧૭૪ કલમોને લગતા કુલ ૧૩,૧૦૦ કોર્ટ કેસ સમગ્ર દેશમાં થયેલ છે. એ પૈકી ૩૬૦ કેસો માત્ર રજીસ્ટ્રેશન (૪.૨% જેટલા) ને લગતા થયેલ છે. તેમાં સૌથી અગત્યનો નામદાર ગુજરાત હાઇકોર્ટનો રજીસ્ટ્રેશન રદ કરવાને લગતો એક landmark ચુકાદો એવો Aggarwal Dyeing And Printing Works vs State Of Gujarat order on ૨૪ February, ૨૦૨૨, R/Special leave application no. ૧૮૮૬૦ of ૨૦૨૧ તથા અન્ય ત્રણ વેપારીઓનો છે.
આ અને અન્ય સરખા પ્રકારના કેસોમાં અધિકારી કક્ષાએ vague show cause notice, non speaking orders, principles of natural justice, opportunity of being heard, reasons to believe, reasons not recorded in writing, વગેરે ઉપરાંત GST નેટવર્ક/સિસ્ટમ સમ્બંધિત પ્રશ્નો રજુ થયેલ હતા.
આ કેસમાં નામદાર હાઇકોર્ટે SGST અને CGSTના કમિશનરોને પોતાના સ્ટાફ માટે રજીસ્ટ્રેશન રદ કરવા સારું જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પૂરી પાડવા જણાવેલ હતું. તદનુસાર જીGSTના મુખ્ય કમિશનર દ્વારા તા ૧.૪.૨૦૨૩ના રોજ કારણદર્શક સુચના, ર્જે motto cancellation of registration અને technical glitches દરમ્યાન કઈ રીતે કામગીરી કરવી તેની વિગતવાર સૂચનાઓ પોતાના તાબાના અધિકારીઓને આપવામાં આવેલ હતી.
નવી માર્ગદર્શિકા : CBICને કેટલાક કિસ્સામાં એવું પણ ધ્યાને આવેલ છે કે નોંધણી નંબર માટે અરજી કરનારને અમુક અધિકારીઓ દ્વારા અરજદાર નોંધણી નંબરની અરજીમાં આપવામાં આવેલ અને કાયદા/નિયમોમાં ઠરાવેલ માહિતી ઉપરાંત વધારાના દસ્તાવેજો અને વિગતોની માંગણી કરવાને કારણે મુશ્કેલીઓ પડે છે.
અને નોંધણી અંગેનો નિર્ણય મોડો થવા પામે છે અથવા બિન-જરૂરી રજુઆતો અને વિવાદો થાય છે. ઉપરાંત સિવાય જુદા જુદા અધિકારીઓ દ્વારા નોંધણીની અરજીની ચકાસણી માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે અને વેપારી પાસેથી ખુલાસા અને માહિતી માંગવામાં આવે છે. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સની પોલીસી વિંગ દ્વારા તારીખ ૧૪-૬-૨૩ના રોજ સુચના ક્રમાંક ૩/૨૦૨૩ બહાર પાડવામાં આવેલ હતી તેમ છતાં તાજેતરમાં સુચના ક્રમાંક ૩/ ૨૦૨૫, તારીખ ૧૭-૪-૨૫ના રોજ તેમાં કેટલાક સુધારા કરીને કુલ ૮ પાનાની એવી ખાતાના અધિકારીઓ માટે નવી વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.
આ માર્ગદર્શિકામાં જગ્યાની માલિકીના પુરાવા અને જો ધંધાનું સ્થળ ભાડાની જગ્યા હોય તો ક્યાં પુરાવા લેવા, SEZ માટેના પુરાવા, વગેરે બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે અને માત્ર અનુમાનના આધારે કોઈપણ વધારાના દસ્તાવેજ કે વિગતો ન માંગવા અધિકારીઓને ખાસ જણાવવામાં આવેલ છે.