- GSTનું A to Z - હર્ષ કિશોર
- જીએસટી કર પ્રણાલીના અમલીકરણના પ્રથમ ત્રણ વર્ષ માટે એક રાહત યોજના અમલી બનેલ છે. પરંતુ કલમ ૭૪ હેઠળ થયેલ આદેશોના અનુસંધાને આ રાહત યોજનાનો લાભ મળી શકતો નથી
સૌપ્રથમ આપણે મે. શ્યામા પાવર ઇન્ડિયા લિમિટેડ વિ. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ, CWP નંબર ૬૯૯૦ ઓફ ૨૦૨૫ ના કેસમાં તારીખ ૧૯.૦૬.૨૦૨૫ ના રોજ આવેલ ચુકાદાની વિગતો ટૂંકમાં જોઈએ તો : કંપનીએ ઓડિટના અનુસંધાને આદેશ થાય તે પહેલા રૂા. એક કરોડથી વધુની રકમ 'અન્ડર પ્રોટેસ્ટ' ભરેલ હતી.જો કે અધિકારીએ કરેલ આદેશમાં વેરાની કોઈ ડિમાન્ડ જણાવેલ ન હતી. માત્ર વ્યાજ અને દંડ આકારવામાં આવ્યો હતો. આથી કલમ ૭૪ ના આદેશ સામેની અપીલમાં કંપની ખોટી ઈનપુટ માંગવાના આરોપના કારણે તેને ભરાવવામાં આવેલ રકમને પણ પડકારવા માંગતી હતી. પરંતુ કલમ ૭૪ ના આદેશમાં ફક્ત વ્યાજ અને દંડનું જ માંગણું ઉપસ્થિત કરવામાં આવેલ હોવાના કારણે પોર્ટલ દ્વારા વેરાની રકમ માટેની અપીલ સ્વીકારવામાં આવેલ નહી.
રજૂઆત : આમ, કંપની તેના દ્વારા વાંધા સાથે ભરવામાં આવેલ રકમને લગતી ઈનપુટ ટેક્સ ક્રેડિટની તકરારને પડકારી શકતી નથી. આ સંજોગોમાં કંપની દ્વારા તેની સામે કલમ ૭૪ હેઠળ પસાર થયેલા આદેશમાં તેના દ્વારા ઓડિટની કાર્યવાહી દરમિયાન વાંધા સાથે ભરવામાં આવેલાની રકમની નોંધ ન હોવા અંગેની ભૂલને સુધારવા માટે જીએસટીની કલમ ૧૬૧ હેઠળ ભૂલ સુધારણા માટેની અરજી કરવામાં આવી હતી.સાથે સાથે કંપની દ્વારા એવી ચોક્કસ રજૂઆત કરવામાં આવી કે તેના દ્વારા સ્વેચ્છાએ ઓડિટની કાર્યવાહી દરમિયાન રકમ ભરવામાં આવેલ ન હતી અને કલમ ૭૪ ના આદેશમાં આવી ભરેલ વેરાની રકમ અંગે કોઈ ઉલ્લેખ ન હોવાના કારણે તેઓ અપીલ કરી શકતા નથી અને તેથી કલમ ૭૪ હેઠળ પસાર કરેલ આદેશનો ભૂલ સુધારણા આદેશ કરીને પોતે ઓડિટની કાર્યવાહી દરમિયાન ભરેલ વેરાની રકમનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે.
અધિકારીનો નિર્ણય : અધિકારી દ્વારા ભૂલ સુધારણા માટેની અરજી ના-મંજૂર એવા કારણસર કરવામાં આવી કે કંપનીને કલમ ૭૪ હેઠળ આદેશ કરવા માટે બજાવવામાં આવેલ નોટિસ અને તેના અનુસંધાને પસાર કરવામાં આદેશ કરવામાં આવેલા આદેશમાં કોઈ તફાવત હતો નહીં. એટલે કે રેકર્ડ પરની કોઈ ભૂલ થયેલ નથી. અહી નોંધપાત્ર બાબત એ છે કે ઉક્ત આદેશમાં જો અધિકારી દ્વારા વેરાની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવેલ હોત તો કંપની તેને અપીલ કરીને પડકારી શકે તેવી કંપનીની સ્પષ્ટ રજૂઆત અંગે આદેશમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નહી. આ સંજોગોમાં કંપની દ્વારા નામદાર હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ સમક્ષ રીટ કરીને તેની સામે પસાર કરવામાં આવેલ આદેશને પડકારવામાં આવ્યો હતો.
જવાબદારી : નામદાર હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ કોર્ટના મતે એક વખત કંપની દ્વારા વાંધા સાથે કોઈ રકમ ભરવામાં આવી હોય તો તેને તેના દ્વારા જાતે સ્વીકારેલ જવાબદારી ગણી શકાય નહીં. કારણકે વાંધા સાથે રકમ ભરવાનો અર્થ જ એવો થાય છે કે આક્ષેપ અનુસારની જવાબદારી સ્વીકાર્યા વગર તે રકમ ભરવામાં આવેલ છે અને તેમાં ગર્ભિત રીતે આદેશને પડકારવાનો હકક સમાયેલો છે. કોર્ટે બ્લેક લો ડિક્શનરીની દસમી આવૃત્તિના પાના નંબર ૧૪૧૯ ઉપર વાંધા સાથે એટલે કે અંડર પ્રોટેસ્ટની આપવામાં આવેલ વ્યાખ્યા ધ્યાનમાં લીધી કે જે મુજબ લેખિતમાં વાંધા સાથે એટલે કે તે એક ઔપચારિક નિવેદન છે કે જેમાં ડિમાંડની જવાબદારી કે કાયદેસરતા સામે રકમ ભરનારને વાંધો છે. પરંતુ ભવિષ્ય માટે રકમ પાછી વસૂલવાનો હકક અબાધિત રાખીને ભરવા સંમતિ આપવામાં આવેલ છે તે વેપારીનું સંબંધિત વેરા અધિકારીને નિવેદન છે કે અમો દ્વારા ઈચ્છા વિરુદ્ધ ભરણું કરવામાં આવેલ છે. કારણ કે કરદાતા માને છે કે આવો વેરો ગેરકાયદેસર છે.
કોર્ટનો ચુકાદો : નામદાર કોર્ટના માટે ફક્ત શંકાના આધારે કોઈ પણ ચકાસણી કર્યા વગર રૂપિયા એક કરોડથી વધુ જેટલી રકમની ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરાવીને અધિકારીએ ગંભીર ભૂલ કરેલ છે. આ અંગે નિષ્પક્ષ રીતે તપાસ કરવી જોઈતી હતી.જયારે વાંધા સાથે કોઈ રકમ ભરવામાં આવેલ હોય ત્યારે તેને સ્વૈચ્છિક રીતે ભરવામાં આવેલ રકમ ગણી શકાય અને નહીં કે અધિકારી દ્વારા તેને કંપનીની સ્વીકારેલ જવાબદારી ગણીને પછી તેના ઉપર વ્યાજ અને દંડ લગાડવામાં આવે. વિગતવાર સુનાવણીના અંતે કંપની વિરુદ્ધ વ્યાજ અને દંડ લાગતો કલમ ૭૪ હેઠળ પસાર કરવામાં આવેલ આદેશ નામદાર કોર્ટે રદ કરેલ છે અને જીએસટીના ફોર્મ DRC-07 માં તમામ ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વાપરવા બાબતે આદેશ કરવા હુકમ કરેલ છે કે જેથી કંપની તેવા આદેશને આગળ જતા અપીલ કરીને પડકારી શકે.
અન્ય એક કેસ : કલમ ૧૨૯(૧)(ચ) હેઠળ રોકવામાં આવેલ માલના અનુસંધાને તમામ વેરાની રકમ અને દંડ ભરી દીધેલ હોય તેમ છતાં ત્યારબાદ પણ અપીલ થઈ શકે છે તેવો એક ચુકાદો વેપારીશ્રી હિન્દુસ્તાન સ્ટીલ એન્ડ સિમેન્ટ વર્સીસ આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ ઓફિસર કેસ નંબર WP(C) NO. 17454 OF ૨૦૨૨ નો તાજેતરમાં તારીખ ૨૦.૭.૨૫ ના રોજ નામદાર કેરળ હાઇકોર્ટનો આવેલ છે. નામદાર કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન એ હતો કે શું એક વખત જપ્ત કરવામાં આવેલ માલના સંદર્ભે વેરો અને દંડ ભરી દઈએ તો તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે કે નહીં. રાજ્ય સરકારે આ કેસમાં રજૂઆત કરેલ કે કલમ ૧૨૯(૫) મુજબ વેરો અને દંડ ભર્યા પછી કાર્યવાહી પૂર્ણ થાય છે. તેના પછી અપીલ ન થઈ શકે. જોકે નામદાર કોર્ટે ઠરાવ્યું કે કલમ ૧૨૯(૧)(a) હેઠળ વેરો અને દંડ ભર્યા પછી પણ વેપારીનો કલમ ૧૦૭ હેઠળ અપીલ કરવાનો હકક રહે છે. સામાન્ય રીતે અપીલ ફાઇલ કરવા માટે ડિમાન્ડ હોવી જરૂરી છે.નમુના ફોર્મ DRC-07 માં જો કોઈ ડિમાન્ડ ઉપસ્થિત ન કરવામાં આવેલી હોય તો તેના આધારે કોઈપણ વેપારીનો અપીલ કરવાનો કાયદાકીય હકક છીનવી ન શકાય.
વેપારી મે. હિન્દુસ્તાન સ્ટીલ એન્ડ સિમેન્ટ અને બીએમ સ્ટીલ એજન્સી દ્વારા મોબાઈલ સ્કવોડની કાર્યવાહી દરમ્યાન તેઓનું વાહન રોકાયા બાદ સ્વૈચ્છિક રીતે વેરો ભરી દીધેલ હતો. તેઓશ્રીએ રજૂઆત કરેલ કે, કારણ કે અમોને જીએસટીનું ફોર્મ DRC-07 આપવામાં આવેલ ન હોઈ જીએસટી પોર્ટલ અમારી અપીલ સ્વીકારતું નથી. નામદાર કોર્ટને વેપારીશ્રીની રજૂઆત વાજબી જણાયેલ અને તેઓએ જીએસટીના નિયમ ૧૪૨(૫) તેમજ પરિપત્ર ૪૧/૧૫/૨૦૧૮ નો સંદર્ભ લીધેલ.તદનુસાર ડિમાન્ડની સમરી DRC-07 માં કરવાની રહે છે, ભલે પછી એમાં MOV-09 મારફતે વેપારીએ સ્વૈચ્છિક રીતે વેરો અને દંડ ભરેલ હોય.
નામદાર હાઇકોર્ટે આગળ જણાવેલ કે જીએસટીની કલમ ૧૨૯(૧)(ચ) અથવા કલમ ૧૨૯(બ) હેઠળ જામીનગીરી પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે એવું કરનારનો અપીલનો અધિકાર છીનવી શકાય નહીં.નામદાર કોર્ટે વધુમાં જણાવ્યું કે જીએસટીના પોર્ટલ કે પછી જીએસટી વિભાગની કેટલીક પ્રક્રિયાઓમાં કોઈ બાબત રહી જવા પામેલ હોય તો તેના આધારે ધારાસભાનો ઈરાદો અથવા તો બંધારણના ૨૬૫ અનુચ્છેદ હેઠળ મળેલ ગેરંટી નકારી ન શકાય. નામદાર કોર્ટે એમ પણ જણાવ્યું કે એસજીએસટીના કમિશનરે એક આંતરિક પરિપત્ર કરીને પોતાના અધિકારીઓને એક સમાન કાર્યવાહી કરવા જણાવવું જોઈએ. ઉપરાંત એક મહિનાના સમયગાળામાં આ વેપારીને અપીલ ફાઇલ કરવા દેવા માટે તમામ જરૂરી પગલાં લેવાના રહે.
હવે વાત કલમ ૭૪ હેઠળના આદેશ અને રાહત યોજનાની. આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જીએસટી હેઠળ, જીએસટી કર પ્રણાલીનાં અમલીકરણના પ્રથમ ત્રણ વર્ષ માટે એક રાહત યોજના અમલી બનેલ છે. પરંતુ કલમ ૭૪ હેઠળ થયેલ આદેશોના અનુસંધાને આ રાહત યોજનાનો લાભ મળી શકતો નથી. તારીખ ૧૦.૭.૨૫ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેસની હકીકતો ચાસ્ય બાદ 'ભવાની ટ્રેક્ટર્સ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા' નંબર ૧૩૭૮૭ ઓફ ૨૦૨૪ ના કેસમાં આદેશ કરવામાં આવેલ છે કે વેપારીશ્રીનો ઓડિટનો આદેશ કલમ ૭૪ ના બદલે કલમ ૭૩ હેઠળ કરવાનો રહે છે. જેથી જીએસટીની કલમ ૧૨૮છ હેઠળ રાહત યોજનાનો લાભ તેમને મળી શકે.


