- GSTનું A to Z - હર્ષ કિશોર
- વેપારી સામે કોઈપણ આકરા પગલાં લેતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જીએસટીના કાયદા અને નિયમો મુજબ તમામ જરૂરી નોટીસો વેપારીને બજી જાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે.
શીર્ષક સંદર્ભે તાજેતરમાં નામદાર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ Sri J Ramesh Chand Vs Union Of Indiaના કેસ નંબર Writ Petition No. 9890 OF 2023 (T-Res) માં આવેલ ૧૦૯ પેજના ચુકાદાની વિગતો જાણીએ.
વેપારી પેઢીનો મુખ્ય ધંધો ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ અને ફૂટવેરના ટ્રેડિંગને લગતો છે. આ પેઢીએ તારીખ ૧.૭.૨૦૧૭ થી અમલી એવો જીએસટી નંબર મેળવેલ છે. વેપારીના રહેઠાણના સ્થળે તારીખ ૨૩.૩.૨૦૨૩ના રોજ ઓચિંતિ સ્થળ તપાસ કરવામાં આવેલ હતી અને લેપટોપ સહિત કેટલીક જંગમાં વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ હતી. જે બાદમાં તારીખ ૨૮.૩.૨૦૨૩ના રોજ વેપારીના ધંધાના સ્થળે ઓચિંતી સ્થળ તપાસ હાથ ધરવામાં આવેલા અને તારીખ ૩.૫.૨૦૨૩ સુધીમાં વેપારીશ્રીને ધરપકડનો ડર બતાવીને DRC-3 થકી કુલ રુપિયા ૧૦ કરોડ જેટલી રકમ ભરાવવામાં આવેલ.
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે પિટિશન ફાઈલ થઈ ત્યાં સુધી GST ના સરકારી અધિકારીઓ દ્વારા વેપારીને કાયદેસરની કોઈ નોટીસ ઈશ્યુ થયેલ નહીં. નામદાર કોર્ટમાં પિટિશન ફાઈલ થયા બાદ વેપારીને DRC-1A અને DRC-1 ઈશ્યુ કરવામાં આવેલ. વેપારીએ કોર્ટમાં એવી રજૂઆત કરી કે તેમણે કોઈ રકમ સ્વૈચ્છિક રીતે ભરેલ નથી. ડિપાર્ટમેન્ટ દ્વારા DRC-3 ના અનુસંધાને નિયમસર DRC-4 માં આજદિન સુધી પહોંચ પણ ઈશ્યુ કરવામાં આવેલ નથી. સરકાર પક્ષે એવી રજુઆત કરવામાં આવી કે વેપારીશ્રીએ પોતે સ્વૈચ્છિક રીતે સેલ્ફ એસેસમેન્ટ કરીને રુપિયા ૧૦ કરોડ ભરેલ છે અને તે કાયદેસર પ્રક્રિયા થકી થયેલ છે તેથી તેમની પિટિશન ડિસમિસ કરવી જોઈએ. વેપારી તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે અમે સ્વૈચ્છિકપણે પેમેન્ટ કરેલ નથી અને અમારી પાસેથી દબાણપૂર્વક પેમેન્ટ કરાવવામાં આવેલ છે જે ખાતાકીય સુચના ક્રમાંક એક ૨૦૨૨-૨૩ તારીખ ૨૫.૫.૨૦૨૨ની વિરુધ્ધમાં છે. વેપારીશ્રીએ નીચે મુજબના ૧૦ કેસોનો આધાર લીધેલ હતો :
(i) Mahavir singh vs. Assistant Commissioner; (2024) 163 taxmann.com 543 (Del);
(ii) Lovelesh Singhal vs. Commr, Delhi GST; (2023) 157 taxmann.com 611 (Del);
(iii) Parsvnath traders vs. pr. Commr, CGST; (2023) 153 taxmann.com 361 (P&H);
(iv) Samyak Metals Pvt.Ltd. vs. UOI; (2023) 151 taxmann. com 225 (P&H);
(v) Modern insecticides Ltd. and Anr. vs. Commr. CGST and Anr; (2023) 153 taxmann.com 548 (P&H);
(vi) Shree Ganesh Molasses Trading co. vs. Supdt., office of the commr.; (2023) 148 taxmann.com 36 (Guj.);
(vii) Union of India vs. Bundl Technologies Pvt. Ltd; (2022) 136 taxmann.com 112 (kar.) WP No. 9890 of 2023
(viii) Bundl Technologies Pvt. Ltd. vs. UOI; WP No. 4467/2021 dated 14.09.2021;
(ix) Vallabh Textiles vs. SIO & Ors; (2022) 145 taxmann.com 596 (Delhi);
(x) Bhumi Associates vs. UOI; (2021) 124 taxmann.com 429 (Gujarat.).
નામદાર કર્ણાટક હાઈકોર્ટે તા ૨૭.૦૨.૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા Radhika Agarwal v Union of india & others (writ Petition (Criminal) N0. 336 of 2018) સહિત ધરપકડની વિરુધ્ધમાં થયેલ કુલ ૨૯૭ કેસોમાં કસ્ટમ્સ, જીએસટી તેમજ બંધારણના અનુચ્છેદ ૨૪૬-એ અંગે કેટલાક અગત્યના અવલોકનો કરવામાં આવેલ તે ધ્યાને લીધેલ.
નામદાર કર્ણાટક હાઈકોર્ટે નોધેલ કે રેકોર્ડ ઉપર DRC-3 માં માત્ર રકમ લખેલ છે. અન્ય કોઈ વિગતો જણાવવામાં આવેલ નથી. તમામ હકીકતો અને ચુકાદાઓની છણાવટ કર્યા પછી નામદાર કોર્ટ વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ છે અને તેઓને રુપિયા ૧૦ કરોડની રકમ ૬%ના વ્યાજે પરત કરવાનો હુકમ કરેલ છે. જોકે ડિપાર્ટમેન્ટ તરફથી ઈશ્યુ કરવામાં આવેલ નોટિસોના અનુસંધાને કાર્યવાહી ચાલુ રાખી શકાશે તેવું પણ જણાવેલ છે.
અધિકારીઓએ ધ્યાને રાખવા જેવી બાબતો ઃ
૧. તપાસ દરમ્યાન વેરો ભરાવવાનો આગ્રહ ન કરવો. SOPનું પાલન કરવું. જરૂરી નોટિસો આપીને વેરાની સુરક્ષા માટે કલમ-૮૩ મુજબ કામચલાઉ ટાંચ મુકવી.
૨. વેપારી સામે કોઈપણ આકરા પગલાં લેતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જીએસટીના કાયદા અને નિયમો મુજબ તમામ જરૂરી નોટીસો વેપારીને બજી જાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે અને જરૂર પડયે તેની રુબરુ સુનાવણી કરીને પુરાવા ફાઈલે રાખીને વ્યવસ્થિત નોટિંગ કરવાનું રહે છે. કારણ કે રીઝન ટુ બીલીવ અને રિઝન્સ રેકોર્ડેડ બહુ જ અગત્યના થઈ જાય છે. વેપારીશ્રીએ કઈ રીતે ખોટુ કરેલ છે તે નોંધવુ અને તમામ પુરાવા ફાઈલે રાખવા અથવા આપણે જે દસ્તાવેજો ઉપર આધાર રાખતા હોઈએ તેની નકલ વેપારીશ્રીને કારણદર્શક સૂચના સાથે પાઠવીને તેમનો પ્રત્યુત્તર મેળવવો રહ્યો.
૩. બની શકે કે વેપારીએ ખોટુ કરેલ હોય પરંતુ અધિકારીએ પ્રોસિજરલ ભૂલો ન કરવી જોઈએ નહીંતર વેપારીને બિનજરુરી રીતે દલીલો કરવાનું રજૂઆત કરવાનું કે સમય મળવાનું બહાનું મળી જાય છે.
૪. D.K.Basu v. State of West Bengal 1997 (1) SCC 416 ના ચુકાદા થકી સુપ્રીમ કોર્ટે કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપેલ હતી. આ મુદ્દા આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જેમ કે,
- આરોપીની ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ ધરપકડ કરતી વખતે એક એરેસ્ટ મેમો તૈયાર કરવાનો રહે છે. આવા મેમો ઉપર ઓછામાં ઓછા એક સાક્ષી પંચે સહી કરવાની રહે છે. આ સાક્ષી આરોપીના કુટુંબના કોઈ સભ્ય હોઈ શકે છે અથવા તો સ્થાનિક કક્ષાએ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ હોઈ શકે છે. આવા રેસ્ટ મેમો ઉપર આરોપીની પણ કાઉન્ટર સાઈન મેળવવી ફરજિયાત છે.
- જે વ્યક્તિની ધરપકડ થયેલ છે અથવા તેને ડીટેઈન કરવામાં આવેલ છે અને પોલીસ કસ્ટડીમાં અથવા પોલીસ સ્ટેશનમાં તેની ઉલટ તપાસ થઈ રહેલ છે અથવા તે લોકઅપમાં છે તો તેને ઓછામાં ઓછા એક વ્યક્તિ અથવા સંબંધી અથવા જાણીતી વ્યક્તિને શક્ય તેટલું વહેલું ધરપકડ બાબતે ઈન્ફોર્મ કરવાનું રહે છે અને જણાવવાનું રહે છે કે ફલાણા ફલાણા વ્યક્તિની ધરપકડ થયેલ છે અને હાલ તે આ જગ્યાએ છે અને ક્ષેમકુશળ છે. જો એરેસ્ટ મેમોમાં સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિ આરોપીના પરિચિત/સંબંધી હોય તો આવી કાર્યવાહી કરવાની ફરજીયાત રહેતી નથી.
- ધરપકડ સમયે આરોપીના શરીર ઉપર નાની કે મોટી કોઈ ઈજા હોય તો તેની ચકાસણી થઈ જાય અને તે વિગતો રેકોર્ડ થાય અને ઈન્સ્પેક્શન મેમો ઉપર આરોપી અને પોલીસ ઓફિસર એમ બંને દ્વારા સહી કરવાની રહે.
- ૪૮ કલાકની અંદર ધરપકડ થયેલ વ્યક્તિની તબીબી ચકાસણી કરાવવી રહી.
૫. સીઆરપીસીની કલમ ૫૦(૧) મુજબ ધરપકડના કારણે પોલીસે નોધેલા હોવા જોઈએ અને ધરપકડ થયેલ હોય તે વ્યક્તિને તે સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ જો કે હવેના કેટલાક ચુકાદા મુજબ અને CBIC ની માર્ગદર્શિકા મુજબ ધરપકડના કારણોની લેખિત નકલ ગુનેગારને પૂરી પાડવાની રહે છે.
૬. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મહિલા ગુનેગારની ધરપકડ મહિલા પોલીસ અધિકારી કરે તે જરૂરી છે અને સૂર્યાસ્ત પછી તેમજ સૂર્યોદય પહેલા મહિલાની ધરપકડ કરવાનું ટાળવુ જોઈએ.
૭. ભારતીય બંધારણનો અનુચ્છેદ ૨૨ અને ફોજદારી કાર્યરીતિ સંહિતા-૧૯૭૩ની કલમ41 (BNSS-2023 ની કલમ ૧૮૭૩૫)ની જોગવાઈ મુજબ વોરંટ વગર કોઈપણ વ્યક્તિની ધરપકડ થયેલ હોય તો તેને ૨૪ કલાકથી વધુ સમય માટે ડીટેન ન કરી શકાય તેવી જોગવાઈ અમલમાં હતી. ૨૪ કલાકની આ સમય મર્યાદામાં મુસાફરી માટેના સમયની ગણતરી કરવામાં આવતી ન હતી.
જીએસટી કાયદા હેઠળ cognizable and non-cognizable offences એટલે શું ? જીએસટી એક વિશેષ કાયદો છે. આ કાયદાની કલમ ૧૩૨માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુના માલ અથવા સેવા ને લગતા હોય અને તેમાં કરચોરી થયેલ હોય અથવા તો ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલી હોય અથવા ખોટી રીતે રિફંડ મેળવવામાં આવેલ હોય અને તેવા ગુનાની રકમ રુ.૫ કરોડથી વધુ હોય તેવા ગુના કોગ્રિઝેબલ અને નોન-બેલેબલ ગણવામાં આવશે. જીએસટી કાયદા હેઠળ અન્ય ગુના નોન-કોગ્રિઝેબલ અને બેલેબલ ગણવાના રહે છે.


