Get The App

GSTની કલમ 65 હેઠળ હાથ ધરવામાં આવતા ઓડિટને લગતા અગત્યના ચુકાદાની છણાવટ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
GSTની કલમ 65 હેઠળ હાથ ધરવામાં આવતા ઓડિટને લગતા અગત્યના ચુકાદાની છણાવટ 1 - image

- GSTનું A to Z -હર્ષ કિશોર

- જીએસટી હેઠળ ઓડિટની કાર્યવાહી ધીરે ધીરે સ્ટેબિલાઇઝ થતી જાય છે. પરંતુ અત્યારે વેપારી અને અધિકારી બંને માટે ઓડિટની કામગીરી ઘણી મહેનત માંગી લે તેવી થઈ ગઈ છે. 

- સામાન્ય રીતે જે કેસ ઓડિટ માટે પસંદ થાય તેમાં અધિકારી સૌથી પહેલા જીએસટીના ફોર્મ એડીટી-વનમાં વેપારીને કેટલીક વિગતો રજૂ કરવાનું જણાવે

હાલ જીએસટી હેઠળ વેપારીને કારણદર્શક નોટિસો અને આદેશો ઈશ્યુ થવાની મોસમ પુર બહારમાં ખીલેલ છે. કલમ ૬૫ મુજબની ઓડિટની કાર્યવાહી દરમિયાન કેટલીક વાર એવું બને કે વેપારીએ પોતે પત્રક ભરેલા હોય તે ડેટા સિસ્ટમમાં પડયો હોય અને અધિકારી દ્વારા કોઈ તફાવતના આધારે કારણદર્શક સૂચના પાઠવવામાં આવેલ હોય. પરંતુ વેપારીએ જવાબ ન કરેલો હોય અને અધિકારીએ તે વેરા શાખ અમાન્ય ગણીને આદેશ કર્યો હોય ત્યારે તાજેતરના નામદાર કર્ણાટક હાઇકોર્ટના તારીખ ૨૩.૭.૨૦૨૫ ના રોજ M/S. SRI. NANJUNDESHWARA TRADERS PROPRIETORSHIP CONCERN Writ Petition No. ૨૦૨૪૦ OF ૨૦૨૫ (T-RES)ના કેસમાં આવેલ ચુકાદામાં જણાવ્યા મુજબ જો બધો જરૂરી ડેટા અધિકારી પાસે હતો તો તેઓ પોતે વાર્ષિક પત્રકો જોઇને અને જરૂરી રીકન્સીલેશન કરીને વેપારીના કારણદર્શક નોટિસના જવાબ વગર પણ યોગ્ય નિર્ણય લઈ શક્યા હોત. તેથી આ કેસ રિમાન્ડ કરવામાં આવે છે અને વેપારીને સૂચના આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક કારણ દર્શક સૂચનાનો જવાબ રજૂ કરે. 

વિગતો : આ કેસમાં વેપારીએ કાયદાકિય જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ની વેરા શાખ ૨૦૧૯-૨૦માં લીધેલી હતી. જે રિવર્સ ચાર્જ મિકેનિઝમને લગતી હતી. આપણે જાણીએ છીએ કે જીએસટીની કલમ ૯(૩), ૯(૪) અને ૯(૫) મુજબ કેટલીક સેવાઓ અને માલ ઉપર રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઈઓ લાગુ પડે છે અને તેમાં સેવા પૂરી પાડનાર કે માલ વેચનાર દ્વારા વેરો ભરવાના બદલે સેવા કે માલ મેળવનારે પોતે સેલ્ફ-ઇન્વોઇસિન્ગ કરીને વેરો ભરવાનો થાય છે. આ કેસમાં વેપારીની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે અધિકારીએ અમારી વિરુદ્ધ આદેશ કરતા પહેલા આ બાબત ધ્યાને લીધેલ ન હતી. આ રીકન્સીલેશન એવું હતું જેમાં વેપારીનો જવાબ એટલો બધો અગત્યનો ન હતો. કારણ કે વેપારીએ ભરેલ પત્રક મુજબ તમામ દસ્તાવેજી માહિતી અધિકારી પાસેના કમ્પ્યુટર સિસ્ટમમાં ઉપલબ્ધ હતી.

આ ચુકાદાની એનોલોજી ઘણા વેપારીઓ અને સલાહકારોને ઉપયોગી થાય તેમ છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ/ કોઈ વેપારી આયાત કરે છે ત્યારે તે બીલ ઓફ એન્ટ્રી ફાઈલ કરીને કસ્ટમ ડયુટી સાથે આઈજીએસટી ભરે છે અને કેટલીક વાર એવું બને છે કે કસ્ટમના પોર્ટલ ICEGATEનો ડેટા જીએસટી નેટવર્કમાં રિફ્લેક્ટ થતો ન હોય અને તેથી જીએસટીઆર- ટુએ અથવા જીએસટીઆર-ટુ બીમાં દેખાતો ન હોય એટલે અધિકારી આઇજીએસટી ભરેલ હોવા છતાં તેના પુરાવા વેપારી પાસેથી માંગે છે અથવા વેરા શાખ નામંજૂર કરે છે. નિષ્ણાતોના મતે ખરેખર તો અધિકારી પોતે ICEGATE પોર્ટલ ઉપર જોઈને ચકાસણી કરી શકે છે કે વેપારીએ આઈજીએસટી ભરેલ છે કે નહીં. એ જ રીતે વેપારી કહે કે મેં આગલા વર્ષની ITC આ વર્ષમાં લીધેલ છે તો બંને વર્ષના પત્રકો સિસ્ટમમાં ઉપલબ્ધ છે જે અધિકારી જોઈને ખરાઈ કરી શકે છે એના માટે વેપારી પાસેથી પુરાવા માગવાનો દુરાગ્રહ કરવો કેટલે અંશે વ્યાજબી છે. એવું જ એ-e-way bills અને DGFT અને e-BRC માટે કરી શકાય.

જીએસટી હેઠળ ઓડિટની કાર્યવાહી ધીરે ધીરે સ્ટેબિલાઇઝ થતી જાય છે. પરંતુ અત્યારે વેપારી અને અધિકારી બંને માટે ઓડિટની કામગીરી ઘણી મહેનત માંગી લે તેવી થઈ ગઈ છે. વેપારી માસિક ત્રિમાસિક અને વાષક પત્રકો ભરે અને જો ટર્નઓવર એક મર્યાદાથી વધુ હોય તો રિકન્સીલેશનનું પત્રક પણ ભરે. ઇન્કમટેક્સના કાયદા માટે પણ બેલેન્સ શીટ બનાવડાવે. તમામ સેલ્સ રજીસ્ટર, પરચેઝ રજીસ્ટર, આઇટીસી રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર, વગેરે જાળવે. ત્યારબાદ અધિકારી તેનું ઓડિટ કરે તેમાં ઘણી વાર ટેક્સ ઇન્વોઇસ, ડિલીવરી ચલન, વે-બ્રિજની ચીઠ્ઠી વગેરેની જરૂર પડે અને જો ઈમ્પોર્ટ એક્સપોર્ટ હોય તો બિલ ઓફ એન્ટ્રી કે માલ રવાનગીના પુરાવા વગેરેની પણ જરૂર પડે.

સામાન્ય રીતે જે કેસ ઓડિટ માટે પસંદ થાય તેમાં અધિકારી સૌથી પહેલા જીએસટીના ફોર્મ એડીટી-વનમાં વેપારીને કેટલીક વિગતો રજૂ કરવાનું જણાવે. વેપારી વિગતો રજૂ કરે જેના આધારે ઓડિટ અધિકારી તેઓને પોતાના ઓડિટ ઓબ્ઝર્વેશન જણાવે. અધિકારી તેને જીએસટીનું ફોર્મ એડીટી-ટુ આપે અને ત્યારબાદ દર્શક સૂચના અને આદેશ પસાર થાય. આ તમામ પ્રક્રિયામાં કેટલાક અધિકારીઓ જરૂર કરતાં વધારે ખાતરી કરવા માટે વેપારી પાસેથી ઘણા બધા પુરાવા માંગી લે છે દાખલા તરીકે વેપારી એવું કહે કે અમોએ આ હવાઈ મુસાફરી ધંધા માટે કરેલ છે અથવા આ લેપટોપ ધંધા માટે લીધેલ છે તો અધિકારી કહે છે કે પુરવાર કરો કે તે ટેક્સેબલ સપ્લાય માટે જ વપરાયેલ છે. હવે લેપટોપની બાબતમાં તો અધિકારી અને વેપારી એમ બંને માટે તો એ પુરવાર કરવું ખુબ અઘરું છે.

જો વેપારી કહે કે મેં આઈ.ટી.સી રિવર્સ કરેલ છે અધિકારી પૂછશે કયા મહિનામાં? તો કહે આ મહિનામાં. અધિકારી કહેશે પુરાવા? પછી છેલ્લે કહેશે કે આના વ્યાજનું શું? વ્યાજ ભરેલ છે કે નહીં? આમ એક વખત મુદ્દા કાઢવાના બદલે ટુકડે ટુકડે મુદ્દા કાઢવામાં આવે છે. અથવા વેપારીના જવાબ ઉપરથી પેટા મુદ્દા કાઢવામાં આવે છે. જેના પરિણામે વેપારી અને અધિકારીનો બંનેનો સમય વધુ જાય છે. ખરેખર તો અધિકારી પોતે પહેલેથી એક સાથે તમામ પુરાવા માંગી લેતા હોય તો બંને પક્ષે ઘણી રાહત રહે તેવું આ ક્ષેત્રના નિષ્ણાત માને છે.

જો કે પ્રશ્ન વેપારી અને અધિકારી બંને કક્ષાએ થાય છે. એવું ન બને કે અધિકારી જ્યારે ઓડિટ ઓબ્ઝર્વેશન વેપારીને જણાવે ત્યારે કહી દે કે આપ જો કોઈ કોર્ટના રુલિંગ કે એડવાન્સ રૂલિંગ ઉપર આધાર રાખતા હોય તો તેની વિગતો જણાવજો, જો આપે આઈ.ટી.સી રિવર્સ કરેલી હોય તો તેનું વ્યાજ ભરેલ છે કે નહીં તેની વિગતો પૂરી પાડવી, જો આપે નિકાસ કરેલ હોય તો બિલ ઓફ લેડિંગની વિગતો જણાવવી, આપે આયાત કરેલ હોય તો બીલ ઓફ એન્ટ્રીની વિગતો જણાવવી. આપે કેપિટલ ગુડઝના કિસ્સામાં વેરાની રકમ કેપિટલાઈઝ કરેલ નથી તે અંગે જરૂરી આધાર પુરાવા રજુ કરશો.

સામે વેપારીએ પણ અડધી પડધી પૂર્તતા કરવાના બદલે અધિકારીએ જે પ્રશ્ન પૂછયો હોય તેને લગતી તમામ માહિતી પૂરી પાડી દેવી જોઈએ જેથી ઝડપથી નિર્ણય લઈ શકાય. વેપારીએ એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હવે વેટ કર પ્રણાલીની જેમ પ્રથમ અને દ્વિતીય અપીલ તબક્કે કેટલાક પુરાવા રજૂ કરવાની મર્યાદા આવી ગયેલ છે. 

જીએસટીના નિયમ ૧૧૨ મુજબ જ્યારે કોઈ વેપારીએ કારણદર્શક સૂચના સમયે અધિકારી સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરેલ ના હોય તો ખાસ કિસ્સા અને મંજુરી સિવાય પ્રથમ કે દ્વિતીય અપીલ તબક્કે વધારાના પુરાવા પોતાના ધંધાકીય વ્યવહારના સમર્થનમાં રજૂ કરી શકાતા નથી. તેથી શક્ય તેટલા તમામ પુરાવા ઓડિટ અને એડયુડીકેશન તબક્કે રજૂ કરી દેવા જોઈએ.

વધુમાં અધિકારી વેપારીને એવું પણ પૂછી શકે કે અગાઉના વર્ષોમાં આપના દ્વારા સમાન મુદ્દે કોઈ કાયદાકીય મુદ્દાના અનુસંધાને અપીલ કે રીટ કરવામાં આવેલ છે? કોઈ સ્ટે છે? કોઈ ડાયરેક્ટીવ છે? આપનો કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ છે? જો હા તો વિગતો પૂરી પાડવી. આવું કરવાથી અધિકારીને આ વર્ષના ઓડિટમાં ઘણું માર્ગદર્શન મળી રહે તેમ છે.

હવે કેટલાક અધિકારીઓ ઓડીટ અને GSTની અન્ય કામગીરી માટે ચેટ જીપીટીનો ઉપયોગ પણ કરતા થઈ ગયા છે. જે સારી બાબત છે પરંતુ કેસની સાચી પરિસ્થિતિ અને ઝીણામાં ઝીણી વિગતો ચેટ જીપીટી પાસે ના હોય તેથી તે જનરલ સોલ્યુશન આપે એવું બને ત્યારે અધિકારીએ પોતે થોડોક સમય કાઢીને કેસના ઊંડાણમાં જઈને કારણદર્શક સૂચના આપવી જોઈએ તેવું કેટલાક વેપારીઓની વ્યથા ધ્યાને આવેલ છે.