- GSTનું A to Z - હર્ષ કિશોર
- કોર્ટના મતે જ્યારે amalgamation ની સ્કીમ મંજૂર થતાં કંપનીનું અસ્તિત્વ જ રહેતું નથી તેથી કંપની તરફે આકારણીની કાર્યવાહીમાં ભાગ લેવામાં આવ્યો હોય તો પણ તે બાબત કાયદા વિરુદ્ધ જઈ શકે નહીં
સરકારની રજૂઆત : પ્રતીક સુરેન્દ્રનકુમાર શાહ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એસ.સી.એ નંબર ૨૪૮૯ અને ૨૪૯૬ of ૨૦૨૪ ના કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે કંપની વિસર્જિત થયેલ હતી તે હકીકતની અધિકારીએ નોંધ લીધી છે. પરંતુ કંપનીને બજાવવામાં આવેલ કારણદર્શક નોટિસના પ્રત્યુતરમાં કમ્પની તરફથી કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા. જીએસટીની કલમ ૨૯(૩) ની જોગવાઈઓ અનુસાર કાયદા હેઠળ નંબર રદ થયેલ હોવા છતાં તેનાથી કાયદા હેઠળનો વેરો અને બીજા માંગણા ચૂકવવાની વ્યક્તિની જવાબદારીને કોઈ અસર થાય નહીં અને તેથી તેમની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશ યોગ્ય છે. કંપની દ્વારા નોંધણી નંબર રદ કરવા માટેની અરજી સ્ટેટજીએસટી ડિપાર્ટમેન્ટને ઓનલાઇન રીતે કરવામાં આવેલ જે એક સ્વૈચ્છિક નોંધણી નંબર રદની અરજી હતી કે જેના આધારે સ્ટેટજીએસટીના અધિકારી દ્વારા કંપનીનો નોંધણી નંબર કરવામાં આવેલ છે. નોંધણી નંબર રદની જોગવાઈમાં ખાસ કરીને કલમ ૨૯(૩) અનુસાર નોંધણી નંબર રદ થવાના કારણસર કોઈ વ્યક્તિની કાયદા હેઠળની નોંધણી નંબર રદ થયેલ તારીખ પહેલાના સમયની જવાબદારીમાં કોઈ અસર થતી નથી, પછી આવી જવાબદારી નોંધણી નંબર રદ કરતા પહેલા નક્કી કરવામાં આવેલ છે કે ત્યાર પછીથી.
વધુમાં કલમ ૭૩ હેઠળ પસાર કરવામાં આદેશ સમય મર્યાદાની અંદર પસાર કરવામાં આવેલ છે અને આથી અધિકારીને આવો આદેશ પસાર કરવાની સંપૂર્ણ સત્તા છે. કારણ દર્શક નોટિસના જવાબમાં કંપની દ્વારા ફક્ત એનસીએલટીનો આદેશ રજૂ કરવામાં આવેલ જ્યારે કારણ દર્શક નોટિસ પાંચ કારણસર બજાવવામાં આવેલ હતી. નોટિસમાં ઊભા કરવામાં આવેલ મુદ્દાઓના સંદર્ભમાં કંપની તરફથી કોઈ જ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા અને તેથી પસાર કરવામાં આવેલ કલમ ૭૩ હેઠળનો આદેશ યોગ્ય છે. સૈચ્છિક લિક્વિડેશન અંગેની જાણ કંપનીએ સેન્ટ્રલ જીએસટી ખાતાને કરેલ જ્યારે તેઓ સ્ટેટ જીએસટીના ક્ષેત્રાધિકારમાં પડતા હતા. જો આવી જાણ સ્ટેટ જીએસટી ખાતાને કરવામાં આવેલ હોત તો તે ખાતા દ્વારા માંગણું ઉપસ્થિત કરીને લિક્વિડેટર સમક્ષ સરકારનો દાવો રજૂ કરવામાં આવેલ હોત. નોટિસમાં જણાવવામાં આવેલ મુદ્દાઓ અંગે જ આદેશ પસાર કરવામાં આવેલ છે અને તેથી તે યોગ્ય છે.
કોર્ટનો ચુકાદો આ કેસની હકીકત છે કે કંપનીનું તારીખ ૩૦.૦૯.૨૦૨૨ ના રોજ વિસર્જન થયેલ અને આ હકીકત કંપની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશમાં નોંધવામાં આવેલ છે. અધિકારીએ આદેશમાં નોંધ કરેલ છે કે કંપની દ્વારા આપવામાં આવેલ જવાબ તપાસવામાં આવેલ છે. કંપનીએ જણાવેલ છે કે તે સ્વૈચ્છિક લિક્વિડેશનમાં ગયેલ છે અને તે અન્વયે એનસીએલટી દ્વારા ૩૦.૯.૨૨ ના રોજ આદેશ પસાર કરવામાં આવેલ છે. આમ, કંપની તારીખ ૩૦.૯.૨૨ થી ફડચામાં ગયેલ છે અને તેનું વિસર્જન થયું છે. કંપની હાલમાં અસ્તિત્વમાં નથી. કંપનીએ નોટીસનો જવાબ આપેલ છે પરંતુ કોઈ સમર્થનના કોઈ જ પુરાવા અધિકારી સમક્ષ રજુ કરેલ નથી અને તેથી વ્યાજ અને દંડ સહિત વેરો ચૂકવવા કંપની જવાબદાર છે તેવો આદેશ કંપની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ છે. કોર્ટના મતે અધિકારી દ્વારા વિસર્જિત કંપની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશ કાયદામાં ટકી શકે નહીં. કોર્ટે પોતાના ચુકાદાના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટના 'પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ નવી દિલ્હી વિરુદ્ધ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ, (૨૦૨૦) ૧૮ SCC 331 ના ચુકાદાનો આધાર લીધેલ છે. આ કેસમાં એકબીજામાં ભળી ગયેલ એટલે કે amalgamation થયેલ જેના કારણે મૂળ કંપનીનું અસ્તિત્વ રહેલ ન હતું. આમ છતાં કંપનીના નામની નોટીસ આપવામાં આવેલ. કોર્ટના મતે જ્યારે amalgamation ની સ્કીમ મંજૂર થતાં કંપનીનું અસ્તિત્વ જ રહેતું નથી તેથી કંપની તરફે આકારણીની કાર્યવાહીમાં ભાગ લેવામાં આવ્યો હોય તો પણ તે બાબત કાયદા વિરુદ્ધ જઈ શકે નહીં. જે કંપનીનું વિસર્જન થયેલ હોય તેની સામે આદેશ ન થઈ શકે તેવો સ્થાપિત સિદ્ધાંત છે. નામદાર કોર્ટે કંપની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશ રદ કરેલ છે અને ઠરાવ્યું છે કે કંપની વિરુદ્ધ વસુલાતની કાર્યવાહી પણ ચાલુ રહી શકે નહીં.
૨. મે. શ્યામા પાવર ઇન્ડિયા લિમિટેડ વિ. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ, CWP નંબર ૬૯૯૦ ૨૦૨૫ ના કેસમાં તારીખ ૧૯.૦૬.૨૦૨૫ ના રોજ આવેલ ચુકાદાની વિગતો : આપણે જાણીએ છીએ કે જીએસટી હેઠળ નોંધાયેલ વ્યક્તિ દ્વારા કાયદા હેઠળની પોતાની જવાબદારી (self-assess કરીને) પત્રકો/વેરો ભરીને સ્વીકારવામાં આવતી હોય છે. નોંધાયેલ વ્યક્તિ દ્વારા પત્રકો ભરીને સ્વીકારવામાં આવેલ જવાબદારી કાયદા મુજબ ખરી અને પૂર્ણ છે કે કેમ તે જીએસટીના અધિકારી દ્વારા ચકાસવામાં આવે છે. આ માટે જીએસટી કાયદામાં ઓડિટની જોગવાઈ કલમ ૬૫ હેઠળ કરવામાં આવેલ છે. ઓડિટની કામગીરી દરમિયાન જ્યારે અધિકારીને એમ માનવાને કારણ હોય કે જે તે નોંધાયેલ વ્યક્તિએ નિભાવેલ જવાબદારી ઉપરાંત વધુ રકમ ભરવાની તેની જવાબદારી થાય તેમ છે તો તે તરફ તે વ્યક્તિનું ધ્યાન દોરવામાં આવે છે. ઘણી વખત ઓડિટની કાર્યવાહી દરમિયાન અધિકારીના કહેવાથી તેવી વધારાની જવાબદારીની રકમ તે વ્યક્તિ દ્વારા વાંધા સાથે ભરવામાં આવતી હોય છે. આવી રીતે રકમ ભરી દીધાના કારણે ઓડિટ રિપોર્ટ મુજબ તેની વ્યક્તિને વધુ રકમ ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી નથી. આમ છતાં આવી રીતે ભરેલ વેરાની રકમ ઉપર વ્યાજ અને દંડના માંગણા ઉભા થાય. તેથી કલમ ૭૪ અનુસાર આદેશ કરતી વખતે વાંધા સાથે ભરેલ વેરાની રકમનો આદેશ કરવો પણ ફરજિયાત છે તેવો આ ચુકાદો છે. આપણે તે ચુકાદાની કેટલીક અગત્યની બાબતો જોઈએ.
વેપારી કંપની પબ્લિક લિમિટેડ કંપની છે જેનો ધંધો હાઇડ્રોલિક પ્રોજેક્ટ માટે સર્વે, ડિઝાઇન અને ટ્રાન્સમિશન લાઈન બાંધવાની સેવા આપવાનું તેમજ રૂરલ ઈલેક્ટ્રીકેશન માટે સબ સ્ટેશન બાંધવાનો છે. અધિકારી દ્વારા કંપનીને વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે કલમ ૬૫ હેઠળ ઓડિટ કરવા માટે તારીખ ૩૦.૫. ૨૨ ના રોજ જીએસટીના ફોર્મ નમુના એડીટી-વનમાં નોટિસ બજાવવામાં આવેલ હતી. કંપની દ્વારા તારીખ ૪. ૭. ૨૨ ના રોજ જવાબ કરવામાં આવેલ હતો. જેની સાથે જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. અધિકારી દ્વારા ઓડિટ મેમો આપવામાં આવ્યો જેમાં એવું અવલોકન કરવામાં આવેલ હતું કે કંપનીએ રૂપિયા એક કરોડ અગ્યાર લાખની વેરાશાખ ખોટી રીતે માંગેલ હતી. આવા ઓડિટ અંગે કંપનીએ વિગતવાર જવાબ આપ્યો. જેના જવાબમાં અધિકારી દ્વારા કંપની પાસે તેણે ખરીદેલ માલ અંગે વધારાની વિગતો અને પુરાવા માંગવામાં આવ્યા હતા. કંપનીએ પ્રત્યુતરમાં માંગવામાં આવેલ તમામ માહિતી અને પુરાવા પણ પૂરા પાડેલ હતા. ત્યારબાદ અધિકારી દ્વારા જીએસટીના નિયમ ૧૦૧(૪) અનુસાર ઓડિટમાં ધ્યાને આવેલ વિસંગતતા અંગે નોટીસ બજાવવામાં આવી હતી. અધિકારી દ્વારા કરવામાં આવેલ સતત અનુરોધના કારણે કાયદા હેઠળ બચાવના ઉપાયોનો અબાધિત રાખીને વાંધા સાથે કંપનીએ વાપરેલ રૂા. ૧ કરોડ ૧૧ લાખ ૪૫ હજાર ૧૩૪ ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ડીઆરસી-૦૩ ના ફોર્મ દ્વારા ભરીને રિવર્સ કરવામાં આવેલ હતી. આ સંજોગોમાં આખરે નક્કી થયેલ ઓડિટ રિપોર્ટ મુજબ કંપનીને વધારાનો કોઈ વેરો ભરવાનો થતો ન હતો.
પરંતુ, કંપની સામે વ્યાજ અને દંડના માંગણા માટે કલમ ૭૪ હેઠળ આદેશ થયો. કંપનીએ માંગેલ ઇનપુટ ખોટી ટેક્સ ક્રેડિટ તેણે વાંધા સાથે ચૂકવેલ હોવા છતાં તેઓએ ભરેલ વેરો કંપનીની સ્વીકારેલ જવાબદારી ગણીને તેવી ભરેલ રકમ ઉપર રૂપિયા ૧,૩૨,૩૪,૯૨૩ નું વ્યાજ અને રૂપિયા ૧.૧૧,૪૫,૧૩૪ નો ડંડ લાગતો કલમ ૭૪ હેઠળ આદેશ પસાર કરવામાં આવ્યો. આવા સંજોગોમાં કંપની દ્વારા ઓડિટ રિપોર્ટ ફાઈનલ કરતા પહેલા આક્ષેપિત ખોટી માંગેલ ઇનપુટ ટેક્સ ક્રેડીટ સામે વાંધા સાથે ભરેલ વેરાની રકમ અંગે કોઈ જ નોંધ આદેશમાં કરવામાં આવી નહી. હવે કંપનીએ વાંધા સાથે ભરેલ રકમનાં અનુસંધાને અપીલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સીસ્ટમ દ્વારા તે નકારી કઢાઈ.


