- GSTનું A to Z - હર્ષ કિશોર
- જાહેર માહિતી અધિકારી માહિતી આપવાનું અમુક જ કારણોસર નકારી શકે છે જેમ કે RTI ની કલમ ૮ હેઠળ જ્યારે માહિતી આપવાથી દેશની સુરક્ષાને નુકશાન થતું હોય
આપણે જાણીએ છીએ કે GST ના નોંધાયેલ વેપારીએ કરેલ ધંધાકીય વ્યવહારોની જેવી કે માલ/સેવાના ખરીદ-વેચાણ, ITC, ભરવાપાત્ર વેરો, વગેરેની વિગતો માસિક કે ત્રિમાસિક ધોરણે સેલ્ફ એસેસ કરીને પત્રક સ્વરૂપે ફાઈલ કરીને સરકારને જણાવવાની હોય છે. શું આ પત્રક જાહેર દસ્તાવેજ ગણાય કે ન ગણાય ? તે અંગેનો મહત્વનો ચુકાદો તાજેતરમાં નામદાર મુંબઈ હાઈકોર્ટે Adarsh vs The State of Maharashtra & Others, Writ Petition No. 11135 of 2025ના કેસમાં તા Oct. 14, 2025 ના રોજ આપેલ છે.
વિગતો : આ કેસમાં અરજદાર દ્વારા જાહેર માહિતી અધિકારી સમક્ષ તારીખ ૧૩.૨.૨૦૨૩ ના રોજ માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ કુલ છ વેપારીઓની વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૩ સુધીની વેટ અને જીએસટીના પત્રકોની વિગતો માંગવા માટે અરજી કરવામાં આવેલ હતી. માહિતી માંગવાના અનુસંધાને સંબંધિત જાહેર માહિતી અધિકારી દ્વારા જાહેર માહિતી અધિકાર અધિનિયમની કલમ ૧૧ હેઠળ ત્રાહિત પક્ષની માહિતીના અનુસંધાને આ છ વેપારી પેઢીઓને પૂછવામાં આવેલ કે આપની પત્રકોને લગતી માહિતી અરજદારને પૂરી પાડવી કે કેમ ? આ છ વેપારીઓએ તે વિગતો અરજદારને પૂરી પાડવાની ના પાડેલ હતી. તેથી સંબંધિત જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારની અરજી નકારવામાં આવેલ હતી. અરજદારે માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૧૯(૩) હેઠળ પ્રથમ અપીલ ફાઈલ કરેલ હતી. જે પણ રિજેક્ટ થયેલ. ત્યારબાદ તેઓશ્રીએ રાજ્ય માહિતી આયોગ સમક્ષ દ્વિતીય અપીલ ફાઈલ કરેલ. જે પણ રિજેક્ટ થયેલ હતી અને તેથી તેઓશ્રીએ નામદાર મુંબઈ હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશન કરેલ અને જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી અને રાજ્ય માહિતી આયોગના આદેશોને પડકારેલ.
રજૂઆત : નામદાર મુંબઈ હાઈકોર્ટ સમક્ષ પીટીશનર દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે આ તમામ છ વેપારી પેઢીઓ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર સાથે કામ કરે છે અને દસ્તાવેજમાં ચેડાં કરીને તેઓએ ટેન્ડર મેળવેલ છે અને મોટાપાયે જાહેર નાણાંની ગેરરીતિ કરેલ છે તેથી અમોને આ માહિતી મળવી જોઈએ કારણ કે તેમાં જાહેર હિત સમાયેલું છે. આ કેસમાં ખરેખર તો જાહેર માહિતી અધિકારીશ્રીએ સંબંધિત વેપારીઓને પૂછવાની જરૂર ન હતી અને ેસીધેસીધી અરજદારને માહિતી આપવાની થતી હતી.
અરજદારના વકીલ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી કે વેટ અને જીએસટીના પત્રકો, એ જાહેર દસ્તાવેજો છે અને તે ખાનગી ગણીને કોઈને પુરા ન પાડવાનો નિર્ણય ન લઈ શકાય. નામદાર મુંબઈ હાઈકોર્ટે ચુકાદા દરમિયાન નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના Central Public Information Officer, Supreme Court of India V/s. Subhash Chandra Agarwal< (2020) 5 SSC 481 ના ચુકાદાની ચર્ચા કરેલ અને જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટે મુજબ માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૮(૧) (ૈ) મુજબ ત્રાહિત પક્ષની માહિતી આપતા પહેલા તેની કલમ ૧૧ ની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. કલમ ૧૧(૧) ના પરંતુક મુજબ જ્યારે ત્રાહિત પક્ષની દ્રષ્ટિએ માહિતી ગુપ્ત હોય પરંતુ જાહેર હિત વધી જતું હોય ત્યારે માહિતી આપવાનું વિચારી શકાય. નામદાર મુંબઈ હાઈકોર્ટ દ્વારા જીએસટીની કલમ ૧૫૮ ની પણ છણાવટ કરવામાં આવેલ છે અને જણાવેલ છે કે આરટીઆઈની કલમ ૮(૧)(ૈ) અને જીએસટીની કલમ ૧૫૮ એક સાથે વાંચતા જણાય છે કે કોઈપણ વેપારીની અંગત માહિતી કે જેનાથી કોઈ જાહેર હિતનો ઉદ્દેશ પૂર્ણ ના થતો હોય તેવી માહિતી આપી ન શકાય.
જીએસટીનો કાયદો, એ એક વિશેષ પ્રકારનો કાયદો છે અને તે માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ પછી અસ્તિત્વમાં આવ્યો છે અને કલમ ૧૫૮ મુજબ આવી માહિતી આરટીઆઈ હેઠળ આપી ન શકાય તેથી અરજદારની આ પિટિશન ડિસમિસ કરવામાં આવે છે.
RTI ની જોગવાઈ : જાહેર માહિતી અધિકારી માહિતી આપવાનું અમુક જ કારણોસર નકારી શકે છે જેમ કે RTI ની કલમ ૮ હેઠળ જ્યારે માહિતી આપવાથી
* દેશની સુરક્ષાને નુકશાન થતું હોય,
* કોઈ અપરાધ થવાની શક્યતા હોય,
* અદાલત દ્વારા મનાઈ કરવામાં આવી હોય,
* કોઈના જીવનને ખતરો હોય,
* અપરાધ સંબંધી તપાસમાં મુશ્કેલી ઉભી થાય કે,
* વ્યક્તિગત માહિતી હોય,
* રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત માહિતી,
* જાહેર હિત સાથે સંબંધિત નથી,
* વેપાર રહસ્યો અને બૌદ્ધિક સંપત્તિ સંબંધિત માહિતી
કલમ ૧૧ : માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૧૧(૧) : જ્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્ય જાહેર માહિતી અધિકારી, જે તે કિસ્સામાં આ કાયદા હેઠળ કરાયેલી વિનંતી ઉપર કોઈ માહિતી કે રેકર્ડ અથવા તેનો કોઈ ભાગ જાહેર કરવાની ઇચ્છા ધરાવે, જે ત્રાહિત પક્ષકાર દ્વારા પુરો પાડવામાં આવ્યો હોય અથવા તેને સંબંધિત હોય અને ત્રાહિત પક્ષકાર દ્વારા તેને ગુપ્ત તરીકે ગણવામાં આવ્યો હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્ય જાહેર માહિતી અધિકારી, જે તે કિસ્સામાં વિનંતીની રસીદથી પાંચ દિવસમાં વિનંતીના આ ત્રાહિત પક્ષકારને લેખિત નોટિસ આપશે અને એ હકીકત જણાવશે કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્ય જાહેર માહિતી અધિકારી, જે તે કિસ્સામાં માહિતી કે રેકર્ડ અથવા તેના ભાગને જાહેર કરવા ઇચ્છે છે અને આ માહિતીને જાહેર કરી શકાય કે કેમ તેના સંદર્ભે લેખિતમાં કે મૌખિક પણે રજૂઆત કરવા ત્રાહિત પક્ષકારને આમંત્રણ આપે છે તથા માહિતી જાહેર કરવાનો નિર્ણય લેતી વખતે ત્રાહિત પક્ષકારની આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે.
એવી જોગવાઈ કરી છે કે કાયદા દ્વારા સુરક્ષિત વ્યાપાર કે વાણિજ્ય રહસ્યોના કિસ્સા સિવાય આવા ત્રાહિત પક્ષકારના હિતોને કોઈ નુકસાન કે હાનિ પહોંચાડવા કરતા જાહેરાતના લીધે મહત્વ વધી જાય તો જાહેરાતને મંજૂરી આપી શકાય છે.
ઇન્કમટેક્સના રિટર્નને લગતા અગાઉના બે ચુકાદાની વિગતો નીચે મુજબ છે :
(એક) મનીષકુમાર વિરુદ્ધ જાહેર માહિતી અધિકારી, ઉઁ ૨૨૩૪/૨૦૧૦ તારીખ ૭.૪.૨૦૧૦ દિલ્હી હાઈકોર્ટ. ચુકાદામાં જણાવ્યા મુજબ વ્યક્તિની આવક અંગેના રિટર્ન અથવા સંપત્તિની ફાઈલો ઇન્કમટેક્સ કાયદા મુજબ તેમજ માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ મુજબ વ્યક્તિની અંગત માહિતી ગણાય.
(બે) ગિરીશ રામચંદ્ર દેશપાંડે વિરુદ્ધ કેન્દ્રિય માહિતી આયોગ અને બીજાઓ, એસએલપી નંબર ૨૭૭૩૪ ર્ક ૨૦૧૨ તારીખ ૩.૧૦.૨૦૧૨, સુપ્રીમ કોર્ટ, જાહેર સેવકને અપાયેલ યાદી, ઠપકો, કારણદર્શક નોટિસ, ચાર્જશીટ તેમને કરવામાં આવેલ સજા, તેમના ઇન્કમટેક્સ રિટર્ન તેમના રિટર્ન ઓફ એસેટ તેમણે કરેલા ઇન્વેસ્ટમેન્ટ, વગેરે તેમની માહિતી અંગત માહિતી હોઈ કલમ ૮(૧)(ૈ) મુજબ આપી શકાય નહીં.
GST Section 158 - Disclosure of information by a public servant.
(1) All particulars contained in any statement made, return furnished or accounts or documents produced in accordande with this Act, or in any record of evidence given in the course of any proceedings under this Act (other than proceedings before a criminal court), or in any record of any proceedings under this Act shall, save as provided in sub-section (3), not be disclosed.
પેટા કલમ ૩ માં ફોજદારી કાર્યવાહી દરમિયાન કે ભ્રષ્ટાચારને લગતી કાર્યવાહી દરમિયાન અથવા ઓડિટના હેતુસર, ખાતાકીય તપાસ અને સલાહકાર વિરુદ્ધ કાર્યવાહી માટે આ માહિતી આપી શકાશે તેવું જણાવવામાં આવેલ છે.
અન્ય : ઉક્ત ચુકાદા સિવાયની વધારાની માહિતી તરીકે જાણી લઈએ કે જો કે તારીખ ૧/૧૦/૨૦૨૩ થી અમલી એવી જીએસટી કાયદામાં નવી કલમ 158A દાખલ કરવામાં આવેલ છે. Section 158A - Consent based sharing of information furnished by taxable person. આમ, તેની જોગવાઈ પણ માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની જોગવાઈઓને સુસંગત હોય તેમ જણાય છે.


