બજારની વાત .
Updated: Sep 17th, 2023
છત્તીસગઢનો જયુસ વેચનારો 5000 કરોડનો કૌભાંડી
છત્તીસગઢમાં એક સમયે જ્યુસ વેચતા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ બનાવીને કરોડો ઘરભેગા કર્યા એ કેસમાં ઈડી સફાળી જાગી છે. ઈડીએ રૂપિયા ૫,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં સૌરભ અને ઉપ્પલને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં પણ એ પહેલાં બંને ફરાર થઈ ગયા હતા તેથી હવે ઈડીએ બોલીવુડની સેલિબ્રિટી ફરતે ગાળિયો કસ્યો છે.
સૌરભ ચંદ્રાકરે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ દુબઈની સેવન સ્ટાર હોટલમાં પાર્ટી આપી તેમાં બોલિવૂડની ઘણી સેલિબ્રિટી હાજર હતી અને પરફોર્મ પણ કર્યું હતું. સૌરભે તેમને હાજર રહેવા અને પરફોર્મ કરવા ૪૦ કરોડ રૂપિયા આપ્યા હોવાનું કહેવાય છે. આ પૈસા મેળવનારી સેલિબ્રિટી પર હવે તવાઈ આવશે એવું લાગે છે.
વિશ્વનો સૌથી મોટો આળસુ નક્કી કરવાની સ્પર્ધા
યુરોપમાં મોંટેનેગ્રો નામે નાનકડો દેશ છે. આ દેશના બ્રેઝના નામના ગામમાં એક રસપ્રદ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધા દ્વારા 'વિશ્વનો સૌથી મોટો આળસુ' નક્કી કરાશે. આ સ્પર્ધામાં આળસુ નક્કી કરવા માટે રસપ્રદ શરત રખાઈ છે. જે વ્યક્તિ સૌથી લાંબો સમય પથારીમાં પડી રહી શકશે એ વિજેતા ગણાશે.
આળસમાં ચેમ્પિયન બનવા માગનારે બધાં કામ પથારીમાં પડયાં પડયાં કરવાનાં રહેશે. વચ્ચે થોડીવાર માટે પણ ઊઠયાં તો સ્પર્ધાની બહાર કરી દેવાય છે. દર ૮ કલાકે અપાતા ૧૦ મિનીટના ટોઈલેટ બ્રેક સિવાય ઉઠી ના શકાય.
છેલ્લા ૨૭ દિવસથી ચાલતી સ્પર્ધામાં ૭ સ્પર્ધકો ટકી ગયા છે ને તેમાંથી કોણ ચેમ્પિયન બને છે એ જોવાનું રહે છે. સ્પર્ધા જીતનારને ૧૦૦૦ યુરોનું ઈનામ મળશે.
ડાયનાનું બ્લેક શિપ સ્વેટર નવ કરોડમાં વેચાયું
બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સની ભૂતપૂર્વ પત્નિ લેડી ડાયનાનું સ્વેટર ૧૧ લાખ ડોલર (લગભગ ૯ કરોડ રૂપિયા)ની અધધધ કિંમતે વેચાયું છે. ડાયનાએ ચાર્લ્સ સાથે સગાઈ પહેલાં પોલો મેચમાં આ સ્વેટર પહેર્યું હતું. આ સ્વેટરમાં વચ્ચે એક બ્લેક શિપ એટલે કે કાળું ઘેટું છે અને તેની ચોતરફ સફેદ ઘેટાં છે. આ સ્વેટર એ વખતનાં યંગસ્ટર્સમાં ફેશનનું પ્રતિક બની ગયેલું.
ડાયનાએ ચાર્લ્સ સાથે લગ્ન પછી સ્વેટર કંપનીને સરખું કરવા પાછું મોકલેલું. કંપનીએ બદલીને નવું સ્વેટર આપેલું. જૂનું સ્વેટર કંપનીના ગોડાઉનમાં એક બોક્સમાં પડેલું હતું. આ બોક્સ કંપની માટે મોટો ખજાનો સાબિત થયું છે. કંપનીને ડાયના તરફથી લખાયેલા બે પત્રો પણ હરાજીમાં સાથે અપાયા છે.
ખેલાડીઓના પરિવારોએ કરી વર્લ્ડકપ ટીમની જાહેરાત
ન્યૂઝીલેન્ડે ભારતમાં રમાનારા વર્લ્ડકપ માટેની પોતાની ટીમની જાહેરાતમાં નવો અભિગમ અપનાવીને સૌને દંગ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પસંદ થયેલા ખેલાડીઓના પરિવારના સભ્યો દ્વારા ટીમની જાહેરાત કરાવી હતી. ખેલાડીના પરિવારમાંથી કોઈ વ્યક્તિ આવીને ખેલાડીનું નામ બોલે અને તેનો જર્સી નંબર બોલે એ પ્રયોગ લોકોને બહુ ગમ્યો છે. બોર્ડે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં ટીમના ખેલાડીઓનાં દાદા-દાદીથી માંડીને સંતાનો સુધીના પરિવારજનો જોવા મળે છે.
ભારતમાં રમાનારો વન-ડે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને તેમાં કેન વિલિયમસન કેપ્ટન હશે. ગયા વખતે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારેલી ન્યુઝીલેન્ડની ટીમનો પહેલો મુકાબલો ઇંગ્લેન્ડ સામે ૫ ઓક્ટોબરે અમદાવાદમાં જ થવાનો છે.
પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, હવે ૩ ઈંચની સેન્ડવિચ
પાકિસ્તાનની બેફામ મોંઘવારીની મલ્ટિનેશનલ કંપનીઓએ પણ નોંધ લેવા માંડી છે અને અમેરિકાની જાણીતી ફાસ્ટ ફૂડ ચેઈને મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનીઓને રાહત આપવા ત્રણ ઈંચની સેન્ડવિચ બજારમાં મૂકી છે. સામાન્ય રીતે આ ફૂડ જોઈન્ટમાં ૬ ઇંચ અને ૧૨-ઇંચની સેન્ડવિચ મળે છે પણ પાકિસ્તાનમાં વધતી મોંઘવારીના કારણે ધંધો બેસવા માંડતાં પહેલીવાર સેન્ડવિચનું મિની વર્ઝન લોન્ચ કરવું પડયું છે. જો કે આ સેન્ડવિચ પણ પાકિસ્તાનીઓને પરવડશે કે કેમ તેમાં શંકા છે કેમ કે તેની કિંમત ૩૬૦ પાકિસ્તાની રૂપિયા છે. પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ખાદ્ય ફુગાવો વધીને ૪૦ ટકા પર પહોંચી ગયો છે. તેમાં કોઈ રાહત મળે એવા અણસાર નથી તેથી બીજાં પણ આવાં આશ્ચર્યો જોવા મળશે.