Get The App

બજારની વાત .

Updated: Oct 1st, 2023

GS TEAM


Google News
Google News
બજારની વાત                                                                . 1 - image

બીજી સદીમાં ડૂબેલું મંદિર મળ્યું, અબજોનો ખજાનો વિવાદમાં

ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્રમાંથી પુરાતત્વવિદોને બીજી સદીમાં ડૂબી ગયેલું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. સમુદ્રમાં પડેલા તૂટેલા મંદિરમાં અંદર અને આસપાસ અબજો ડોલરનાં ઝવેરાત અને કીમતી વસ્તુઓ મળી આવતાં આ ખજાનો કોનો તે અંગે વિવાદ થયો છે. ઈજીપ્તની સરકાર તેના પર દાવો કરી રહી છે જ્યારે યુરોપિયન ઇન્સ્ટિટયૂટ ફોર અંડરવોટર આર્કિયોલોજીએ પોતે ખજાનો શોધ્યો હોવાથી તેના પર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો છે. 

ફ્રાન્સના પુરાતત્વવિદ ફ્રેન્ક ગોડિયોની આગેવાની હેઠળની ટીમે અબુકીરની ખાડીમાં થોનિસ-હેરાક્લિઓન શહેરમાં શોધી કાઢેલું આ મંદિર અમુન દેવનું છે. આ મંદિરમાં પૂજા કરવાથી સત્તા મળે એવી માન્યતાના કારણે ઈજીપ્તના શાસકો આ મંદિરમાં પૂજા કરવા આવતા અને મોંઘીદાટ ભેટ ચડાવતા હતા.

બજારની વાત                                                                . 2 - image

વૃધ્ધ પાસે ૧૦૦ કરોડથી વધુના શેર છતાં સાદું જીવન

સોશિયલ મીડિયા પર હમણાં એક વૃધ્ધનો વીડિયો વાયરલ થયો છે. માત્ર સાદો ચડ્ડો પહેરીને ફરતા આ વૃધ્ધ પાસે ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેના શેર હોવાનું કહેવાય છે. વીડિયોમાં વૃધ્ધનો ઈન્ટરવ્યૂ લેનારી વ્યક્તિ તેમને ક્યા શેરમાં કેટલું રોકાણ કર્યું છે એ પૂછે છે ને વૃધ્ધ સરળતાથી જવાબ આપે છે.

આ વૃધ્ધ પાસે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના રૂપિયા ૮૦ કરોડના, અલ્ટ્રાટેક સિમેન્ટના ૨૧ કરોડ રૂપિયા અને બીજી કંપનીઓના પણ કરોડોના શેર છે. વૃધ્ધ વીડિયોમાં કહે છે કે, દર વર્ષે અંદાજે ૬ લાખ રૂપિયાનું ડિવિડન્ડ મળે છે. આ વૃધ્ધ કોણ છે ને ક્યાં રહે છે તેની સ્પષ્ટતા કરાઈ નથી પણ ૧૦ લાખથી વધારે વ્યૂ સાથે વીડિયો લોકોને આકર્ષી રહ્યો છે.

બજારની વાત                                                                . 3 - image

લોકરમાં મૂકેલી 18 લાખની નોટો ઉધઈ ખાઈ ગઈ

 ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઉધઈના કારણે એક મહિલાએ પોતાની જીવનભરની બચતની રૂપિયા ૧૮ લાખની રકમ ગુમાવી છે. અલકા પાઠક નામની મહિલાએ મુરાદાબાદમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચના લોકરમાં ૧૮ લાખ રૂપિયા રાખ્યાં હતા. નાની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા દીકરીના લગ્ન વખતે લેવા ગયાં ત્યારે અલકાબેનના હોશ ઉડી ગયા. લોકરમાં રાખેલી ૧૮ લાખની નોટો ઉધઈ ખાઈ ગઈ હતી અને લોકરમાં માટી પડી હતી. અલકાએ લોકરમાં દાગીના પણ રાખ્યાં હતા પણ દાગીનાને કંઈ થયું નહોતું.

અલકાએ બ્રાંચ મેનેજરને જાણ કરતાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષાના કાયદાના જાણકારોના મતે, અલકા બેંક પર પોતાની નોટો માટે દાવો કરી શકે છે.

બજારની વાત                                                                . 4 - image

પરાણે ખરીદેલી ટિકિટને ૧૩ હજાર કરોડનું ઈનામ

ફ્લોરિડાના  જેક્સન વિલેનું નસીબ છૂટા પૈસા નહીં હોવાથી પરાણે ખરીદવી પડેલી લોટરીની ટિકિટે બદલી નાંખ્યું છે.  જેક્સને પબ્લિક્સ સુપરમાર્કેટમાંથી ખરીદેલી લોટરી ટિકિટને ૧.૬ બિલિયન ડોલર (૧૩,૩૧૧ કરોડ રૂપિયા)નું ઈનામ લાગ્યું છે. આ ટિકિટના નંબરની જાહેરાત  ઓગસ્ટની શરૂઆતમાં કરવામાં આવી હતી પણ જેક્સન ટિકિટ ખરીદીને ભૂલી જ ગયો હતો તેથી તેણે દાવો નહોતો કર્યો. આ ટિકિટ અંગે અખબારમાં છપાયું પછી તેણે ટિકિટ કાઢીને જોતાં તેને જંગી રકમની લોટરી લાગી હોવાની ખબર પડી.

યુએસ લોટરીનાં ઈતિહાસમાં ઈનામની જંગી રકમ જીતવામાં જેક્સન બીજા નંબરે છે.  આ પહેલા નવેમ્બર ૨૦૨૨માં એક અન્ય વ્યક્તિએ ૨.૦૪ બિલિયન ડોલરનનું ઈનામ જીત્યું હતું. જેક્સન ઈચ્છે તો ઈનામની રકમ ૩૦ વર્ષોમાં હપ્તારૂપે લઈ શકે છે કે જેથી ટેક્સ ના લાગે.

બજારની વાત                                                                . 5 - image

ડોમિનેટ્રિક્સ એરી પુરૂષોને ફટકારીને કરે છે કમાણી

સોશિયલ મીડિયા પર હમણાં એરી મેકટન્સ નામની યુવતી ચર્ચામાં છે. ઈંગ્લેન્ડના સરેના ફાર્નહેમમાં રહેતી એરી ડોમિનેટ્રિક્સ છે અને પુરુષોને રોમાન્સ દરમિયાન પીડા આપીને કમાણી કરે છે. એરી કોઈ પુરૂષ સાથે શરીર સંબંધ નથી બાંધતી પણ ગાળો ભાંડવાથી માંડીને ચામડાના હંટરથી ફટકારવા સુધીનાં કામ કરે છે. 

એરી મેક્ટન્સ સામાન્ય રીતે કલાકના ૧૫૦ પાઉન્ડ ચાર્જ કરે છે. ભારતીય રૂપિયામાં ગણો તો લગભગ ૧૫ હજાર રૂપિયાની કમાણી થાય છે. એરીને તેના ગ્રાહકો સામાન્ય રીતે બે કલાક માટે બોલાવે છે અને આ દરમિયાન કલ્પના પણ ના કરીએ એવી ચિત્રવિચિત્ર માગણીઓ કરીને પીડા ભોગવે છે. એરી આ અનોખા વ્યવસાયનો કોર્સ શરૂ કરીને નવી છોકરીઓને ટ્રેઈન પણ કરવા માગે છે.

બજારની વાત                                                                . 6 - image

વેનિસ જોવા જવું હશે તો પાંચ યુરો ફી ભરવી પડશે

દુનિયાનાં સૌથી આકર્ષક શહેરોમાં એક વેનિસ જોવાનું સપનું કરોડો લોકો જોતા હોય છે પણ હવે આ સપનુ મોંઘું પડશે કેમ કે વેનિસ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં એન્ટ્રી માટે  ૫ યુરોની ફી લેવાનું નક્કી કર્યું છે. યુનેસ્કોએ ચેતવણી આપી છે કે, વેનિસમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નહીં થાય તો તેને દુનિયાની જોખમી હેરિટેજ સાઈટ્સની યાદીમાં મૂકી દેવાશે. વેનિસની મુલાકાતે આવવા માગતાં પ્રવાસીઓએ પહેલેથી રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે.

વેનિસે પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા માટે પગલાં લેવાં જ પડશે નહિંતર સરભર ના થાય એવું નુકસાન થશે. વેનિસે આ ચેતવણીને ગંભીરતાથી લીધી છે. વેનિસ શહેરને ૧૯૮૭થી યુનેસ્કોએ એકસ્ટ્રાઓર્ડિનરી આર્કિટેક્ચરલ માસ્ટરપિસનો દરજ્જો આપ્યો છે.


Tags :