For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં મોટી ઉછળકુદઃ હોળી પછી ભાવ તૂટયા બાદ નવેસરથી ઝડપી ઉંચકાયા

Updated: Mar 12th, 2023


- બુલિયન બિટસ - દિનેશ પારેખ

- વૈશ્વિક સોનું નીચામાં ઔંશના ૧૮૦૦ ડોલર નજીક ઉતર્યા પછી પ્રત્યાઘાતી તળિયેથી ૫૦થી ૬૦ ડોલર વધી ગયાના નિર્દેશો

દે શના ઝવેરીબજારોમાં તાજેતરમાં હોળી પૂર્વે હોળાષ્ટકના કારણે મોસમી માગ ધીમી પડયા પછી હોળી- ધૂળેટી પછી માગ તથા ચહલપહલ બજારોમાં ફરી વધ્યાના નિર્દેશો મળ્યા હતા. આ દરમિયાન વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોના- ચાંદીના ભાવ ઝડપી તૂટતાં હોળાષ્ટક પછી બજારમાં આવતા મોસમી ગ્રાહકો માટે રાહતની સ્થિતિ સર્જાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ ઝડપી ઘટી ૧૦ ગ્રામના નીચામાં રૂ.૫૬૮૦૦થી ૫૭૦૦૦ સુધી જોવા મળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ નીચામાં કિલોના રૂ.૬૨૫૦૦ સુધી જોવા મળ્યા હતા. જોકે  સપ્તાહના અંતે વિશ્વ બજાર ફરી ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓ ફરી ઉંચકાયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં હોળી પૂર્વે તથા હોળી પછી પણ ભાવમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા  સામે ડોલરના ભાવ વધી જતાં ઝવેરીબજારોમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૨ની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી ત્રણ મહિનાની ટોચે ૧૦૫ની સપાટી પાર કરી જતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. આના પગલે વિશ્વબજારમાં  સોનાના ભાવ ગબડી ઔંશદીઠ નીચામાં ૧૮૦૮થી ૧૮૦૯ ડોલર સુધી ઉતરી ૧૮૧૫થી ૧૮૨૦ ડોલર આસપાસ બોલાતા થયા પછી સપ્તાહના અંતે ભાવ ઉછળી ૧૮૫૫થી ૧૮૬૦ ડોલર રહ્યા પછી ભાવ વધી સપ્તાહના અંતે ૨૦.૬૦થી ૨૦.૬૫ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઘટી ઔંશના નીચામાં ૨૦ ડોલરની અંદર ઉતર્યા પછી ૨૦.૦૫થી ૨૦.૧૦ ડોલર આસપાસ રહ્યા હતા. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં ભાવ એકંદરે દબાણ હેઠળ જોવા મળ્યા હતા. કિંમતી ધાતુઓના પગલે વિશ્વબજારમાં અન્ય ધાતુઓ પણ નીચી ઉતરી છે. પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૯૩૦થી ૯૩૫ ડોલર સુધી જોવા મળ્યા પછી ૯૬૦ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ ગબડી ઔંશના નીચામાં ૧૪૦૦ ડોલરની અંદર ઉતરી ૧૩૫૦ ડોલર સુધી જતા રહ્યા પછી છેલ્લે ભાવ ૧૩૯૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફુગાવો ઉંચો રહેતાં તથા ત્યાંના આર્થિક આંકડાઓ પણ સારા આવતાં ત્યાં હવે પછી ફુગાવાને કન્ટ્રોલ કરવા વ્યાજ દરમાં ઉંચી વૃધ્ધિનો સિલસિલો આગળ વધશે એવા સંકેતો વિશ્વબજારમાં વહેતા થતાં વૈશ્વિક સોનામાં તાજેતરમાં ભાવમાં મંદીનો માહોલ સર્જાયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ હવે ૨૧ તથા ૨૨ માર્ચે યોજવામાં આવનાર છે તથા આ મિટિંગમાં વ્યાજના દરમાં કેટલી વૃધ્ધિ કરવામાં આવે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી છે. આ મિટિંગમાં વ્યાજ દરમાં આશરે અડધા ટકાનો વધારો કરાશે એવી શક્યતાની ટકાવારી તાજેતરમાં ૩૦ ટકાથી વધી ૭૦ ટકા સુધી પહોંચ્યાના સમાચાર હતા. દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા- જોબલેસ કલેઈમ્સ તાજેતરમાં વધી બે લાખની ઉપર જઈ ૨ લાખ ૧૧ હજાર આવતા આવા દાવાઓ ત્યાં વધી ૧૦ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા છે એ જોતાં ત્યાં જોબ માર્કેટ ફરી નબળાઈ તરફ જઈ રહ્યાના સંકેતો મળ્યા છે. ત્યાં આવા દાવાઓ તાજેતરમાં ૨૧ હજાર વધ્યા હતા. ત્યાં જોબમાર્કેટમાં ફરી નબળાઈ દેખાતાં ફુગાવો વધતાં અટકશે એવી અટકળો પણ જાણકારો બતાવતા થયા છે. આના પગલે વૈશ્વિક સોનાના ભાવ ફરી વધી ગુરુવારે ૧૮૨૬થી ૧૮૨૭ ડોલર સુધી ઉંચકાયા હતા. ચાંદી પણ ગુરુવારે ઉંચામાં ૨૦/૨૧થી ૨૦/૨૨ ડોલર સુધી ટ્રેડ થતી જોવા મળી હતી.

દરમિયાન, વિશ્વના વિવિધ દેશોમાં ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માંથી તાજેતરના મહિનાઓમાં ગોલ્ડનો આઉટફલો ચાલુ રહ્યો છે. આવા વૈશ્વિક આઉટફલો છેલ્લા સતત દસ મહિનાથી ચાલુ રહ્યો હોવાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક સ્તરે આવો કુલ આઉટફલો વધી ૧ અબજ ૭૦થી ૭૫ લાખ ડોલર નોંધાયો છે. આ પૈકી સૌથી વધુ આવો આઉટફલો યુરોપમાંથી નોંધાયો છે. જોકે ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં આઉટફલોના બદલે ઈન્ફલો નોંધાતાં ઝવેરીબજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

Gujarat