બજારની વાત .
નર્કના દરવાજા ગણાતા મંદિરમાં થતાં મોતનું રહસ્ય બહાર
તુર્કીના હેરાપોલિસ મંદિરને નર્કનો દરવાજો કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આ મંદિરની અંદર જાય પછી જીવતી પાછી આવતી નથી. મોતનો સિલસિલો રોકવા માટે સરકારે મંદિરમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધેલો. મંદિરમાં થતાં મોત અંગે જાત જાતની વાતો થતી.
હવે વૈજ્ઞાાનિકોએ ૭ વર્ષના રીચર્સ પછી મોતનું સાચું કારણ શોધી કાઢયું છે જર્મનીની ડયુસબર્ગ-એસેન યુનિવર્સિટીના હાર્ડી ફેન્ઝની ટીમના દાવા પ્રમાણે, હેરાપોલિસ મંદિરની અંદરનાં ગરમ ઝરણાંમાં સ્નાન કરવાથી બિમારીઓ દૂર થતી હતી. દરમિયાનમાં હેરાપોલિસ મંદિરની નીચે જ્વાળામુખી સક્રિય થતાં તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ બહાર આવવા લાગ્યો અને તે શ્વાસમાં જવાથી લોકો મરવા લાગ્યાં. વરસો પહેલાં વિજ્ઞાાને બહુ પ્રગતિ નહોતી કરી તેથી મોતની વાત સાથે અંધશ્રધ્ધા જોડાઈ ગઈ.
એપલમાંથી બે દિગ્ગજોના રાજીનામાથી ખળભળાટ
એપલની આઈફોન સહિતની પ્રોડક્ટ્સ દુનિયાભરમાં સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. એપલને વિશેષ બનાવવામાં જે લોકોનું મહત્વનું યોગદાન છે તેમાં એક નામ ટેંગ ટાનનું પણ છે. એપલની પ્રોડક્ટ ડીઝાઈનના ઈન-ચાર્જ ટેંગ ટાને આઈફોન અને એપલ વોચની ડીઝાઈન બનાવી છે. ટેંગ આવતા વરસે ફેબ્રુઆરીમાં એપલ છોડી દેશે એવા અહેવાલ છે. તેના કારણે ટેકનો વર્લ્ડમાં ખળભળાટ મચ્યો છે કેમ કે ગયા અઠવાડિયે જ સ્ટીવ હોટેલિંગે એપલ છોડી દીધી હતી. એપલ માટે છેલ્લા એક દાયકાથી બાયોમેટ્રિક્સ બનાવનાર સ્ટીવે રાજીનામા માટે કોઈ કારણ નહોતું આપ્યું.
એપલ વરસો સુધી પોતાના કર્મચારીઓને સાચવનારી કંપની મનાય છે ત્યારે બે ટોચના લોકો કેમ છોડી રહ્યા છે એ મહત્વનો સવાલ છે.
હાઈડ્રોજન થેરાપીથી ફરી યુવાન દેખાશો
કોઈને ઘરડા થવું ગમતું નથી અને બધાં યુવાન દેખાવા મથે છે. યુવાન દેખાવા માટે મથનારાં લોકો માટે સારા સમાચાર છે કે, ચીનના વિજ્ઞાાનીઓએ હાઈડ્રોજન થેરાપીના સફળ પ્રયોગ કરીને ચામડી પરની કરચલીઓ દૂર કરવામાં સફળતા મેળવી છે. ચીની વિજ્ઞાાનીઓ તૂટી ગયેલાં હાડકાંને સાંધવામાં હાઈડ્રોજન કારગર છે કે નહીં તેના પ્રયોગો કરતા હતા. બહારથી અપાયેલા હાઈડ્રોજનને શોષે તો તૂટેલાં હાડકાં સારાં થાય છે તેના પ્રયોગો દરમિયાન દાખલ કરાયેલા હાઈડ્રોજનના કારણે ચામડી ચમકીલી અને ટાઈટ થઈ ગઈ હતી.
વિજ્ઞાાનીઓ શરીર ક્યા સ્વરૂપમાં હાઈડ્રોજનને સૌથી વધારે અસરકારક રીતે શોષે છે તેના પ્રયોગ કરી રહ્યા છે. વધારે હાઇડ્રોજન હોય એવું પાણી કે સીધો હાઈડ્રોજન સૂંઘવા જેવા વિકલ્પો અજમાવાઈ રહ્યા છે.
ભગવાન કેવા દેખાય ? મનોવિજ્ઞાાનીઓએ બનાવ્યો ફોટો
મોટા ભાગનાં લોકોના મનમાં એક સવાલ થતો હોય છે કે, ભગવાન કેવા દેખાતા હશે ? આપણે ફોટામાં જોઈએ છીએ એવા હશે કે તેનાથી અલગ હશે ?
અમેરિકાના નોર્થ કેરોલિના યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના રીસર્ચરે લોકોની જીજ્ઞાાસા સંતોષવા માટે લોકોની ભગવાન અંગેની કલ્પના કેવી છે તેનો અભ્યાસ કરીને જીસસ ક્રાઈસ્ટ કેવા લાગતા હશે એ અંગે સવાલો કરીને જીસસ ક્રાઈસ્ટનો કાલ્પનિક ફોટો બહાર પાડયો છે.
આપણે જીસસ ક્રાઈસ્ટને તસવીરોમાં જોઈએ છીએ તેના કરતાં આ ફોટાના જીસસ બિલકુલ અલગ છે. આ ફોટાના જીસસ એકદમ યુવાન અને કરૂણાના ભાવ સાથેનો ચહેરો ધરાવે છે. બલ્કે કોઈ અમેરિકન યંગસ્ટર જેવા લાગે છે એવું કહી શકાય.
ભારતમાં ફોર ડે વીક, કહેતા ભી દીવાના...
દેશમાં ૨૦૨૪ના બજેટમાં ફોર ડેઝ વીકનો નિયમ આવશે એવો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ પ્રમાણે લોકોએ અઠવાડિયાના ચાર દિવસ સુધી ૧૨ કલાક કામ કરવું પડશે અને પછી ત્રણ દિવસ રજા રહેશે. મેસેજમાં એવો દાવો પણ કરાયેલો કે, બજેટમાં કર્મચારીઓના હાથમાં આવતા પગારમાં ઘટાડો થશે. મોદી સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને આવી કોઈ વિચારણા નથી એવું સ્પષ્ટ રીતે કહ્યું છે. ભારતમાં ફાઈવ ડે વીકનો કન્સેપ્ટ જ હજુ સ્વીકૃત નથી બન્યો ત્યાં ફોર ડેઝ વીકની વાત કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી છે. સરકારી ઓફિસોમાં કામનો બોજ જોતાં સરકાર રજાઓ ઘટાડવા માગે છે પણ યુનિયનોના કારણે ઘટાડી શકાતી નથી.