Get The App

બજારની વાત .

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
બજારની વાત                          . 1 - image


યુકેમાં પાતાળલોકઃ સમુદ્રમાં કોલોની બનાવી લોકોને વસાવાશે

એલન મસ્ક સહિતના ધનિકો સ્પેસ કોલોની બનાવવાનાં સપનાં જોઈ રહ્યા છે ત્યારે યુકેની ડીપ (DEEP) નામની સ્ટાર્ટ-અપ કંપની પાતાળ લોકનું નિર્માણ કરવાનો અનોખો આઈડિયા લઈને આવી છે. મતલબ કે, સમુદ્રની અંદર કોલોની બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. ડીપ દ્વારા આ કોલોનીના ઘરનો પ્રોટોટાઈપ એટલે કે સેમ્પલ હાઉસ 'વેનગાર્ડ' બનાવી લેવાયું છે.  આ મહિને જ છ લોકોને આ ઘરમાં રહેવા પણ મોકલી દેવાશે કે જેથી બીજાં લોકોને પણ સમુદ્રની અંદર રહી શકાય છે એવો વિશ્વાસ બેસે. કંપનીએ ૩ડી પ્રિન્ટિંગની મદદથી ૩૦૦ સ્ક્વેર ફીટનાં ઘર બનાવ્યાં છે. સમુદ્રમાં ૩૨૫ ફૂટની ઉંડાઈ સુધી સૂર્યનાં કિરણો પહોંચે છે. ડીપ કંપનીએ બનાવેલું ઘર સમુદ્રમાં આવતા પાણીના દબાણને ખાળી શકે એવું છે. આ પ્રયોગ સફળ થાય પછી ડીપ સેન્ટિયલ નામના નવાં ઘર લોંચ કરશે કે જેમાં છ બેડરૂમ, કિચન, સાયંસ લેબ અને ટોયલેટ પણ હશે.

હ્યુમન વેસ્ટના નિકાલના ઉકેલ માટે 26 કરોડનું ઈનામ

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ દુનિયાભરના સંશોધકોને હ્યુમન વેસ્ટના નિકાલનું સોલ્યુશન શોધી આપવાના બદલામાં ૩૦ લાખ ડોલર (લગભગ રૂપિયા ૨૬ કરોડ) ઈનામ આપવાની આકર્ષક ઓફર આપી છે. નાસાની લ્યુનારીસાયકલ ચેલેન્જ હેઠળ ચંદ્ર અને બીજી સ્પેસ ફ્લાઈટ્સના એસ્ટ્રોનોટ્સના મળ-મૂત્ર, ઉલટી વગેરે કચરાનું રીસાયકલિંગ કરી શકે એવી ટેકનોલોજી વિકસાવવાની રહેશે કે જેથી આ કચરો પૃથ્વી પર પાછો લાવવાની જરૂર ના પડે.

સ્પેસ મિશનના કાટમાળના કારણે અત્યારે જ અવકાશમાં સ્થિતી ગંભીર છે તેથી નાસા નવું સોલ્યુશન શોધી રહી છે. આ ચેલેન્જમાં વિજેતા બનનારની શોધનો ભવિષ્યમાં થનારાં સ્પેસ મિશનમાં ઉપયોગ થશે. ભવિષ્યમાં ચંદ્ર પર કોલોની બને ત્યારે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. નાસાએ ચંદ્ર પર કરેલાં એપોલો મિશન દરમિયાનના હ્યુમન વેસ્ટની ૯૬ બેગ અત્યારે ચંદ્ર પર પડી છે. આ ટેકનોલોજી તેના નિકાલમાં પણ કામ આવશે. 

બજારની વાત                          . 2 - image

સોનાનું ટોઈલેટ ચોરનારા 3ને સજા પણ ટોઈલેટ ગાયબ

ઈટાલીના આટસ્ટ મૌરીઝિયો કેટ્ટેલને ૨૦૧૬માં અમેરિકા નામનું આર્ટ વર્ક બનાવ્યું ત્યારે ભારે ચર્ચા જાગેલી કેમ કે આ આર્ટ વર્ક સોનાનું ટોઈલેટ હતું. ૧૮ કેરેટ સોનાનું બનેલું ટોઈલેટ સૌથી પહેલાં ન્યુ યોર્ક સિટિના સોલોમન આર. ગગ્ગેનહેઈમ મ્યુઝીયમમાં પ્રદર્શન માટે મૂકાયેલું ને પછી યુકેના બ્લેમહેઈમ પેલેસમાં મૂકાયેલું. ૨૦૧૯માં ૧૪ સપ્ટેમ્બરના રોજ આ ટોઈલેટ ચોરાઈ ગયું ત્યારે ભારે સનસનાટી મચી ગયેલી. 

હમણાં યુકેની કોર્ટે ૩૯ વર્ષના માઈકલ જોન્સ અને ૩૬ વર્ષના ફ્રેડ ડોને આ ચોરી માટે સજા ફટકારી. આ કેસમાં ૪૦ વર્ષના જેમ્સ શીનને પહેલાં જ સજા થઈ ચૂકી છે તેથી ગોલ્ડ ટોઈલેટની ચોરી માટે ત્રીજી વ્યક્તિ દોષિત ઠરી પણ રસપ્રદ વાત એ છે કે, સોનાનું ટોઈલેટ પાછું મળ્યું નથી. ચોરોએ આ ટોઈલેટને એવું સગેવગે કરી દીધું છે કે, દુનિયામાં શ્રેષ્ઠ મનાતી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ પણ તેને પાછું નથી મેળવી શકી. 

43 લાખનું ઈનામ લેવા ગયા ને 87 લાખનું ઈનામ લાગ્યું

એક કહેવત છે કે, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. અમેરિકાના નોર્થ કેરોલિનાના ડેનિસ પાર્કના કિસ્સામાં એવું જ થયું. ૮૧ વર્ષના ડેનિસ પાર્કને મેરી મલ્ટિપ્લાયર સ્ક્રેચ-ઓફ લોટરીનું ૫૦ હજાર ડોલર (લગભગ રૂપિયા ૪૩ લાખ)નું ઈનામ લાગ્યું હતું. આ ઈનામ લેવા માટે ડેનિસ પાર્ક પોતાની દીકરી સાથે ગ્રીન્સબોરોની રીજિયોનલ ઓફિસે ગયા હતા ત્યારે તેમની દીકરીએ બર્થ-ડે ગિફ્ટ તરીકે પાર્કને કેનો લોટરીની ટિકિટ આપી. 

પાર્કે આ ટિકિટ ઓફિસમાં જ સ્ક્રેચ કરી તો લગભગ રૂપિયા ૮૭ લાખનું ઈનામ લાગી ગયું. મતલબ કે, ડેનિસ પાર્ક લેવા ૫૦ હજાર ડોલર આવ્યા હતા પણ દોઢ લાખ ડોલર ઈનામ જીતીને ઘરે ગયા. લોટરીની આ રકમમાંથી ડેવિસ પાર્ક પોતાના આખા પરિવારનો ઓહાયોમાં વેકેશન પર લઈ જવા માગે છે અને બાકી રહેલાં બિલો ચૂકવવા માગે છે.

બજારની વાત                          . 3 - image

પોપીની ગંભીર સમસ્યાઃ પીરિયડ્સ 1000 દિવસ ચાલ્યા

પીરિયડ્સ એટલે કે મેનસ્ટ્રુઅલ બ્લિડિંગ્સ સ્ત્રીઓ માટે કષ્ટદાયક હોય છે. સામાન્ય રીતે મેનસ્ટ્રુઅલ બ્લિડિંગ્સ ૨ દિવસથી ૭ દિવસ માટે થાય છે પણ તેનાથી લંબાય તો પણ ભારે તકલીફ થતી હોય છે ત્યારે પોપી નામની ટિકટોકર યુઝરને મેનસ્ટ્રુઅલ બ્લિડિંગ્સ ૧૦૦૦ દિવસ સુધી ચાલતાં તેની હાલત કફોડી થઈ ગઈ હતી. પોપીને આખો દિવસ શરીરમાં દુઃખાવો થયા કરતો, હાડકાં દુઃખ્યા કરતાં, માથામાં પણ સતત સણકા આવ્યા કરતા ને સતત ઉલટી થશે એવું લાગ્યા કરતું. 

પોપીએ મેનસ્ટ્રુઅલ બ્લિડિંગ્સ બે અઠવાડિયા લંબાતાં જ ડોક્ટરનો સંપર્ક કરેલો પણ કોઈ ફરક ના પડયો. પોપી ડોક્ટરો બદલતી રહી ને નવા નવા ટેસ્ટ કરાવતી રહી પણ સમસ્યાનો ઉકેલ ના આવ્યો. આ બધાથી થાકીને પોપીને આપઘાતના વિચારો આવતા ત્યાં ૯૫૦મા દિવસે ચમત્કાર થયો. પોપીએ ટિકટોક પર પોતાની આપવિતી જણાવેલી. એક ડોક્ટરે સૂચવ્યું કે, તેને બાયકોરન્યુએટ યુટેરસ હોઈ શકે છે. આ સમસ્યામાં ગર્ભાશય એક હોવાના બદલે બે ચેમ્બર્સમાં વહેંચાયેલું હોય છે. આ સમસ્યાના આધારે સારવાર શરૂ થતાં છેવટે ૧૦૦૦ દિવસ પછી બ્લિડિંગ બંધ થયું. 

બજારની વાત                          . 4 - image

થાઈ રેસ્ટોરન્ટની ફની ડિસ્કાઉન્ટ સ્કીમે આકર્ષણ જમાવ્યું

થાઈલેન્ડની એક રેસ્ટોરન્ટે ગ્રાહકોને આકર્ષવા માટે અનોખી સ્કીમની ડિસ્કાઉન્ટ ઓફર મૂકી છે. ચિયાંગ માઈના ચિયાંગ માઈ બ્રેકફાસ્ટ વર્લ્ડની આ ઓફરમાં રેસ્ટોરન્ટના ગેટ પાસે અલગ અલગ આકારની લોખંડની ફ્રેમ મૂકવામાં આવી છે અને દરેક ફ્રેમ પર ૧૦ ટકાથી ૨૦ ટકા સુધીના પ કેટેગરીના ડિસ્કાઉન્ટની વિગત લખી છે. ગ્રાહક જે ફ્રેમમાંથી પસાર થાય એટલું ડિસ્કાઉન્ટ તેને મળે ને કોઈ પણ ફ્રેમમાંથી પસાર ના થઈ શકો તો પૂરેપૂરું બિલ ચૂકવવું પડે. સૌથી પાતળી ફ્રેમમાંથી પસાર થાય તેને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. 

આ રેસ્ટોરન્ટમાં આખો દિવસ ઈન્ટરનેશનલ બ્રેકફાસ્ટ મળે છે તેથી વિદેશીઓ મોટા પ્રમાણમાં આવે છે. વિદેશીઓને આ અનુભવ ફની લાગે છે તેથી વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. જો કે કેટલાકં લોકો આ ડિસ્કાઉન્ટ જાડિયાં સાથે ભેદભાવ કરનારું હોવાની ટીકા પણ કરી રહ્યાં છે.


Tags :