Get The App

બજારની વાત .

Updated: Dec 10th, 2023

GS TEAM

Google News
Google News
બજારની વાત                                                   . 1 - image


સૂર્યની સપાટી પર ભુવો, મોબાઈલ-નેટ બંધ થવાનો ખતરો

સૂર્ય પર પડેલા તોતિંગ ખાડાના કારણે આપણા મોબાઈલ અને ઈન્ટરનેટ બંધ થઈ જશે કે શું ? નાસાના વૈજ્ઞાાનિકોએ સૂર્યની સપાટી પર ૮ લાખ કિલોમીટર પહોળો ખાડો શોધ્યા પછી આપેલી ચેતવણીના પગલે આ સવાલ પૂછાઈ રહ્યો છે.  આપણી ૬૦ પૃથ્વી સમાઈ શકે એવા કોરોનલ હોલમાંથી સૌર તરંગો પૃથ્વી તરફ આવી રહ્યાં છે. તેનાથી મોબાઈલ નેટવર્ક, ઈન્ટરનેટ અને પાવર લાઈનોને અસર થવાની સંભાવના છે એવી ચેતવણી અપાઈ છે. 

વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે, આ મોટા ખાડાને કારણે જીઓમેગ્નેટિક તોફાન આવી શકે છે. જીઓમેગ્નેટિક તોફાન આવે તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ  સોલર વિન્ડને  રોકી શકશે નહીં. તેના કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ આવશે ને કોમ્યુનિકેશન સેવા ખોરવાઈ શકે છે. 

બજારની વાત                                                   . 2 - image

અબજોપતિએ માળીને બનાવ્યો વારસ, ૧.૧૨ લાખ કરોડ આપી દેશે

વિશ્વની લક્ઝુરીયસ બ્રાન્ડ્સમાંથી એક હર્મેસના સ્થાપક થીયરી હર્મેસના પૌત્ર નિકોલસે પોતાના માળીને દત્તક લેવાનો નિર્ણય લઈને આશ્ચર્ય સર્જ્યુ છે. હર્ર્મેસની બ્રાન્ડ વેલ્યુ ૨૨૦ અબજ ડોલર મનાય છે. નિકોલસનો તેમાં છ ટકા હિસ્સો છે તેથી નિકોલસ પાસે લગભગ ૧૩ અબજ ડોલર (૧.૨૦ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. નિકોલસની ગણના સ્વિત્ઝરલેન્ડના સૌથી ધનિકોમાં થાય છે. ૮૧ વર્ષના નિકોલસે લગ્ન કર્યાં નથી અને સંતાન પણ નથી. 

નિકોલસ આ સંપત્તિનો અડધો હિસ્સો પોતાના ૫૧ વર્ષના માળીને આપી દેવા માગે છે. નિકોલસે આ માટેની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. આ માળીનું નામ જાહેર કરાયું નથી પણ તે મૂળ મોરક્કોનો હોવાનું કહેવાય છે. 

બજારની વાત                                                   . 3 - image

જર્મનીનાં ઉર્સુલા વિશ્વમાં  સૌથી શક્તિશાળી મહિલા

ફોર્બ્સ દ્વારા હમણાં વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પડાઈ છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન ટોપ પર છે જ્યારે યુરોપીયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને અમેરિકાના વાઈસ પ્રેેસિડેન્ટ કમલ હેરિસ ત્રીજા સ્થાને છે. બેલ્જિયમમાં જન્મેલાં ઉર્સુલા જર્મન સરકારમાં મંત્રી હતાં.  ૬૫ વર્ષનાં ઉર્સુલા સાયન્ટિસ્ટ હતાં ને ૨૦૧૯થી યુરોપીયન કમિશનનાં પ્રમુખ છે. 

આ યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાઓ છે. યાદીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૩૨મા સ્થાને જ્યારે એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા ૬૦મા સ્થાને છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ ૭૦મા અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો ૭૬મા સ્થાને છે. 

બજારની વાત                                                   . 4 - image

યુવક જરામાં વાઘનો કોળિયો બનતાં રહી ગયો

જિમ કોર્બેટ પાર્ક પાસે એક યુવક જરાકમાં વાઘનો શિકાર થતો રહી ગયો તેનો વીડિયો વાયરલ થયો છે. ઈન્ડિયન ફોરેસ્ટ સવસ (આઈએફએસ) અધિકારી પ્રવિણ કાસવાને મૂકેલા વીડિયોમાં વહેલી સવારે યુવક બિન્દાસ્ત ગામના રોડ પર જતો હોય છે ને અચાનક જ વાઘ રસ્તા પર આવી જાય છે એવું દેખાય છે. સદનસીબે વાઘનું તેના તરફ ધ્યાન જતું નથી અને ઝાડીઓમાં ગાયબ થઈ જાય છે. કાસવાને સવાલ કર્યો છે કે, આ માણસ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છે ? મોટા ભાગનાં લોકો તેમની વાત સાથે સંમત છે. કેટલાકે વળી જંગલની નજીક રહેનારાં લોકો કેવા જોખમ સાથે જીવે છે એ વાત તરફ ધ્યાન દોરીને લખ્યું છે કે, બધા તેમના જેવા નસીબદાર નથી હોતા. 

બજારની વાત                                                   . 5 - image

કેનેડામાં ભારતીય મકાન માલિકની સ્ટોરી વાયરલ

ગુજરાતીઓ કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ તેની અવઢવમાં છે ત્યારે કેનેડામાં રહેતા ભારતીય મૂળના ૩૩ વર્ષના બિઝનેસમેન કરૂણ વિજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. કરૂણ પાસે કેનેડામાં ૨૩ લાખ ડોલરની કિંમતની ચાર પ્રોપર્ટી છે અને તેમાંથી કરૂણ દર મહિને ૧૧ હજાર ડોલર (લગભગ ૯ લાખ રૂપિયા) કમાય છે. 

કરૂણ પોતે શિકાગોમાં પત્ની અને દીકરી સાથે રહે છે પણ કેનેડામાં એન્જિનિયરિંગ કરતી વખતે કરેલું રોકાણ અત્યારે કામ આવી રહ્યું છે. કરૂણની પ્રોપર્ટીમાં મોટા ભાગે કોલેજ સ્ટુડન્ટ રહે છે. ઘણા માને છે કે, કરૂણ વિજની સ્ટોરી કેનેડા સરકારના પ્રચારનો ભાગ છે કે જેથી ભારતીયોમાં કેનેડાનું આકર્ષણ જળવાય. 

બજારની વાત                                                   . 6 - image

૧૬ વર્ષની ઉંમરે પીએચ.ડી.માં જનારો ઝાંગ હવે સાવ બેકાર

થોડાં વરસો પહેલાં ચીનનો ઝાંગ ઝિનયાંગ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનેલો. માત્ર ૧૦ વર્ષની વયે યુનિવર્સિટીમાં ભણવા જનારા ઝાંગે ૧૬ વર્ષની ઉંમરે એપ્લાઈડ મેથેમેટિક્સમાં પીએચ.ડી. પ્રવેશ મેળવીને સૌથી નાની વયે ડોક્ટરેટ સ્ટુડન્ટ બનવાનો રેકોર્ડ બનાવેલો. ઝાંગે ૧૮ વર્ષની ઉંમરે બીજિંગ યુનિવર્સિટીમાં એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સમાં પીએચ.ડી. કરીને લેક્ચરરની નોકરી શરૂ કરેલી. 

હવે ઝાંગ ફરી ચર્ચામાં છે કેમ કે ૨૮ વર્ષનો ઝાંગ કશું કરતો નથી.  ઝાંગ માતા-પિતા સાથે રહે છે અને તેમના પૈસાથી તેનું ગુજરાન ચાલે છે. નાની ઉંમરે ભણતરનો વધારે પડતો ભાર વેંઢારનારા ઝાંગને હવે ભણવા ને ભણાવવા બંનેથી કંટાળો આવવા માંડયો છે તેથી મા-બાપના માથે આવીને પડયો છે.

Tags :