Get The App

બજારની વાત .

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
બજારની વાત                          . 1 - image


ટેન્ટ માટે ખાડો ખોદ્યો ને ખજાનો મળી ગયો

ગુજરાતીમાં કહેવત છે કે, બગાસુ ખાતાં પતાસુ મળ્યું. ચેક રિપબ્લિકમાં હાઇકિંગ કરનારા બે યુવાનોના કેસમાં એવું જ થયું. આ બંને યુવાનો પોડક્રકોનોસી પર્વતોમાં હાઈકિંગ માટે નિકળેલા અને રાતવાસો કરવા માટે ટેન્ટ લગાવવા માટે ખિલો ઠોકવા ખોદતા હતા ત્યાં કરોડોનો ખજાનો મળી ગયો. બંને હાઇકર્સને ૫૯૮ સોનાના સિક્કા, ઝવેરાત અને તમાકુની થેલીઓ મળી આવી હતી.

આ સિક્કા ૧૮૦૮ થી ૧૯મી સદીની શરૂઆત સુધીના છે અને સો વર્ષથી વધુ સમયથી જમીનમાં દટાયેલા હતા.  ફ્રાન્સ, બેલ્જિયમ, ઓટ્ટોમન સામ્રાજ્ય અને ભૂતપૂર્વ આસ્ટ્રિયા-હંગેરીના ચલણના આ સિક્કા ૧૯૨૧ પછી દાટવામાં આવ્યા હતા એવું મનાય છે. બંને યુવાનોને આ ખજાનો ફેબ્રુઆરીમાં મળેલો પણ હમણાં એક સંગ્રહાલય દ્વારા હરાજીમાં મૂકવાની જાહેરાત કરાઈ ત્યારે તેની વિગતો જાહેર કરાઈ હતી. એક અંદાજ પ્રમાણે આ ખજાનાના ઓછામાં ઓછા ૩.૪૦ લાખ ડોલર (લગભગ ૨.૮૭ કરોડ રૂપિયા) ઉપજશે જ્યારે વધારેમાં વધારે માટે સ્કાય ઈઝ ધ લિમિટ.

બજારની વાત                          . 2 - image

એડનના હાથ-પગ પર ગરમીની અસર જ નથી થતી

ઓસ્ટ્રેલિયામાં ૨૨ વર્ષીય એડન મેકમેનસ છેલ્લા પાંચ વર્ષથી એક રહસ્યમય બીમારીથી પીડાઈ રહ્યો છે. એડનને  હાથ અને પગમાં ગરમી કે ઠંડીનો અનુભવ જ થતો નથી. એડન મેકમેનસ ૧૭ વર્ષનો હતો અને હાઇસ્કૂલના છેલ્લા વર્ષમાં ભણતો હતો ત્યારે તેણે પગમાં સંવેદના ગુમાવવાનું શરૂ કર્યું હતું. ૫ વર્ષમાં તેના હાથ-પગ સાવ સૂન્ન થઈ ગયા છે અને કોઈ ડોક્ટર પાસે તેનો ઈલાજ નથી. બલ્કે ડોકટરો પણ મૂંઝાઈ રહ્યા છે કેમ કે તેમણે આવો કેસ જીંદગીમાં જોયો નથી. 

ન્યુરોલોજીસ્ટ ડોક્ટરોએ ૨૦થી વધુ બ્લડ ટેસ્ટ કર્યા છે. પગમાંથી નર્વનો ટુકડો કાપીને બાયોપ્સી કરી, જીનેટિક ટેસ્ટ કર્યા અને લંબર પંક્ચર પણ કર્યું પણ શેના કારણે તકલીફ છે તે ખબર જ પડતી નથી. શરૂઆતમાં એડનને પગમાં કળતર અને સુન્ન થઈ ગયા હોવાની ફરિયાદ હોવાથી ડોક્ટરે કહ્યું કે લિક્વિડ રીટેન્શન છે અને તેની દવા આપી હતી. આ દવા બિનઅસરકારક સાબિત થઈ. ધીરે ધીરે એડનને ચાલવામાં મુશ્કેલી થવા લાગી અને પોસ્ટ-વાયરલ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) પણ થયો. હવે તેના હાથ-પગ બંને સાવ સંવેદના ગુમાવી બેઠા છે.

બજારની વાત                          . 3 - image

મોતથી બચેલો ચીનો મોબાઈલ લેવા પાછો મોતના મોંમાં ગયો

કોઈ માણસ મોતના મોંમાંથી માંડ માંડ પાછો આવ્યો હોય છતાં પોતાનો મોબાઈલ ફોન પાછો લેવા માટે મોતના મોંમાં જાય એવું બને ? ચીનના ૨૭ વર્ષીય યુવકના કિસ્સામાં એવું જ બન્યું ને રસપ્રદ વાત એ છે કે, બીજી વાર પણ એ મોતના મોમાંથી બચી ગયો છે. 

જાપાનમાં રહીને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો આ યુવક ઑફ-સીઝનમાં જાપાનના માઉન્ટ ફ્યુજીના સૌથી ઊંચા શિખર પર જવા નિકળેલો પણ ભારે બરફવર્ષાના કારણે ફસાઈ ગયો. જાપાનમાં હેલિકોપ્ટર્સ માઉન્ટ ફ્યુજીની ઉપર ચક્કર લગાવ્યા કરે છે કે જેથી કોઈ માણસ ફસાયેલો હોય તો તેને બચાવી શકાય. આ યુવકને જોયો એટલે એરલિફ્ટ કરીને બચાવી લેવાયો. 

ચાર દિવસ પછી હેલિકોપ્ટરે ફરી એક યુવકને એરલિફ્ટ કર્યો તો ખબર પડી કે, થોડા દિવસ પહેલાં બચાવેલો વિદ્યાર્થી જ છે. વિદ્યાર્થીએ કબૂલ્યું કે, પોતાનો ફોન સહિતનો સામાન પાછો મેળવવા ગયેલો અને ફરી ફસાઈ ગયો હતો.

બેલ્જિયમની ટોક્સી પર કુરૂપ થવાનું ભૂત સવાર

યુવતીઓ સુંદર દેખાવા માટે બધું જ કરતી હોય છે ત્યારે બેલ્જિયમની ૩૧ વર્ષની ટોક્સી નામની યુવતી દુનિયાની સૌથી કુરૂપ સ્ત્રી બનવા માટે પ્રયત્ન કરે છે. ટોક્સીએ કુરૂપ દેખાવા માટે પોતાના શરીરમાં એવા એવા ફેરફાર કર્યા છે કે જે જોઈને આઘાત લાગે ટોક્સીનું નવું રૂપ જોઈને લોકો ડરી જાય છે કેમ કે ટોક્સી ફિક્શન્સમાં આવતી ચૂડેલ જેવી દેખાય છે. 

ટોક્સી પહેલાં સુંદર વાળ અને નીલી આંખો ધરાવતી ખૂબસૂરત યુવતી હતી પણ કુરૂપ દેખાવાનું ભૂત સવાર થયું પછી તેણે બોડી મોડિફિકેશન શરૂ કરાવ્યું. ટોક્સીએ કપાળ અને ચહેરા સહિત આખા શરીર પર વિચિત્ર ટેટુ ચિતરાવ્યાં છે. શરીર પર શાહીથી બ્લેક ડીઝાઈન બનાવડાવી દીધી છે.  હદ તો એ થઈ ગઈ કે, સર્જરી કરાવીને ટોક્સીએ પોતાની જીભને બે ભાગમાં વહેંચી દીધી છે. કાનના ઉપરના ભાગ કપાવી દીધા છે અને નાક પણ કપાવી દીધું છે. માથા પર શિંગડાં પણ બનાવ્યાં છે. 

કંપનીએ ઈવાનને તેની જ ચોરાયેલી કાર વેચી દીધી

ઈંગ્લેન્ડમાં ઈવાન વેલેન્ટાઈન નામના ૩૬ વર્ષના યુવક સાથે બનેલી ઘટના વિશે વાંચીને મગજ ચકરાઈ જશે. ઈવાન વેસ્ટ મિડલેન્ડ્સમાં રહે છે અને તેની પાસે ૯ વર્ષ જૂની હોન્ડા સિવિલ ટાઈપ આર કાર હતી. એક દિવસ ઈવાનની ગર્લફ્રેન્ડે બહાર આવીને જોયું તો કાર ગાયબ હતી. આજુબાજુ બહુ શોધખોળ કરી પણ કાર ના મળતાં પોલીસમાં ફરિયાદ કરી દીધી. 

ઈવાનને કારની જરૂર હતી તેથી તેણે ઓનલાઈન કાર પસંદ કરીને તેનો ઓર્ડર આપી દીધો. કંપનીએ કાર તેને મોકલી આપી. ઈવાને કાર ખોલી એ સાથે જ ચમત્કાર થયો હોય એમ તેનો ફોન કાર સાથે કનેક્ટ થઈ ગયો. અંદરથી તેનાં જ ટેંટ હૂડ અને ટ્રી પિન મળ્યાં. ઈવાને વધારે તપાસ કરી તો ખબર પડી કે તેની ચોરાયેલી કાર જ તેને પાછી વેચી દેવાઈ હતી, ખાલી રજિસ્ટ્રેશન નંબર બદલી દેવાયો હતો. પોલીસ હવે કાર વેચનારી કંપનીની તપાસ કરી રહી છે.

બજારની વાત                          . 4 - image

કોલસા જેવો કાળો રંગ હોવા છતાં ન્યાકિમ સફળ મોડલ

દુનિયામાં સામાન્ય રીતે ગોરો રંગ હોય એવાં લોકોને આકર્ષક માનવામાં આવે છે. મોડેલિંગની દુનિયામાં તો મોટા ભાગની યુવતીઓ ગોરી જ હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં ન્યાકિમ ગૈટવેચ નામની એકદમ બ્લેક યુવતીએ ધૂમ મચાવી દીધી છે. ન્યાકિમ એટલી કાળી છે કે રાતના અંધારામાં ઉભી હોય તો તો દેખાય જ નહીં પણ દિવસના અજવાળામાં પણ તેને જોવી અઘરી પડે. આપણે કોઈ પડછાયો જોતા હોય એવું લાગે. 

ન્યાકિમ પોતાના કલરનો ઉપયોગ લોકપ્રિયતા મેળવવા કર્યો છે. નિયોમે ફેશ બ્રાન્ડ્સના મોડલિંગથી શરૂઆત કરેલી કે જેમાં એ નિયોન એટલે કે એકદમ ચમકીલાં રંગનાં કપડાં પહેરતી. તેના કારણે લોકોનું તેના તરફ તરત ધ્યાન જતું. નિયોનો આ નુસખો એટલો સફળ થયો કે હવે ઓસ્ટ્રેલિયાની મોટી મોટી બ્રાન્ડ્સ તેને પોતાની જાહેરખબરોમાં લે છે અને ન્યાકિમ અત્યંત સફળ મોડલ છે.

Tags :