Get The App

બજારની વાત .

Updated: Dec 31st, 2023

GS TEAM

Google News
Google News
બજારની વાત                                                . 1 - image

ઓડકાર-વાછૂટથી દુર્ગંધ વધશે, શ્વાસ પણ નહીં લઈ શકાય

સંશોધકોએ હમણાં એક વિચિત્ર પણ રસપ્રદ સંશોધનના તારણો રજૂ કર્યાં છે. આ સંશોધન પ્રમાણે, ૨૦૦ વર્ષ પછી પૃથ્વી પર એટલી દુર્ગંધ થઈ ગઈ હશે કે, શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જશે ને તેના કારણે લોકોનાં મોત થતાં હશે. આ દુર્ગંધ લોકોના કારણે ફેલાઈ હશે.

લોકો ઓડકાર અને વાછૂટ દ્વારા દુર્ગંધમય વાયુ છોડશે તેના કારણે પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રસ ઓક્સાઈડ તથા મીથેનનું પ્રમાણ વધી જશે. પરિણામે શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે ને જાત જાતના રોગો થશે. ભવિષ્યમાં પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ગંભીર બનશે તેથી રહેવું મુશ્કેલ બનશે એવી ચેતવણી તો અપાય જ છે પણ આ કારણે પણ પૃથ્વી પર જીવવું મુશ્કેલ થઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

બજારની વાત                                                . 2 - image

૬૦ વર્ષ પહેલાંનું બિલ વાયરલ, પેટ્રોલ ૬૦ પૈસે મળતું !

સોશિયલ મીડિયામાં હમણાં ૬૦ વર્ષ જૂનું પેટ્રોલનું એક બિલ વાયરલ થયું છે કે જેમાં પાંચ લિટર પેટ્રોલની કિંમત ૩ રૂપિયા ૬૦ પૈસા લખાયેલી છે. મતલબ કે, એક લિટર પેટ્રોલ ફક્ત ૭૨ પૈસામાં મળતું હતું. આ બિલ બેસ્સેઈન એટલે કે, મુંબઈ પાસે આવેલા વસઈની ભારત પેટ્રોલ સપ્લાય કંપનીનું છે. 

કોઈએ પોતાના વડીલ પાસે પડેલું ૧૯૬૩નું આ બિલ સોશિયલ મીડિયા પર મૂકીને પહેલાં કેટલી સોંઘવારી હતી ને અત્યારે કેટલી મોંઘવારી છે એ ચર્ચા પાછી છેડી દીધી છે. એ જમાનામાં પાંચ લિટર પેટ્રોલ ખરીદનાર કોઈ ધનિક જ હશે એ કહેવાની જરૂર નથી કેમ કે ભાગ્યે જ કોઈની પાસે કાર હતી ને બહુ ઓછાં સ્કૂટર હતાં.

બજારની વાત                                                . 3 - image

કાશ, જાપાન જેવી શિસ્ત ભારતમાં પણ જોવા મળે....

ભારતમાં લોકો ધક્કામુકી અને દોડધામ માટે વગોવાયેલાં છે ત્યારે જાપાનનાં લોકો સિવિક સેન્સ માટે વખણાય છે. આ વાતને સાબિત કરતો એક વીડિયો હમણાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ઓફિસમાં સીડી પર જતાં લોકો દેખાય છે. સીડી પર ઉપર જવા માટે અને નીચે ઉતરવા માટે એમ બે ભાગ પાડેલા છે. નીચે ઉતરવા માટેનો ભાગ એકદમ ખાલી છે પણ જાપાનીઓ શિસ્તબધ્ધ રીતે લાઈનમાં ઉભા રહીને, ઉપર જવા માટેની સીડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. ખાલી સીડીનો ઉપયોગ કરીને ઉપર ભાગવાની ઉતાવળ કોઈ નથી બતાવતું.  વીડિયો જોયા પછી મોટા ભાગનાં લોકો એક જ વાત કરે છે કે, કાશ, આવી શિસ્ત આપણામાં પણ આવી જાય !

બજારની વાત                                                . 4 - image

ચીનમાં ચેમ્પિયનને બાથટબમાં 'સેલિબ્રેશન' ભારે પડી ગયું 

ચીનમાં હમણાં નેશનલ શિઆંગક્વી  ચેમ્પિયનશીપ યોજાઈ ગઈ. ચાઈનીઝ ચેસ તરીકે ઓળખાતી આ ગેમમાં ૪૮ વર્ષના યાન ચેંગલોંગ નેશનલ ચેમ્પિયન બન્યા. શિઆંગક્વી ચેસ જેવી જ મગજ ચલાવવાની ગેમ છે તેથી તેમાં ચેમ્પિયન બનનારને લોકો માનની નજરે જુએ છે.  ચેંગલોંગ પણ શિઆંગક્વીમાં ચેમ્પિયન બનતા જ નેશનલ હીરો બની ગયેલા પણ થોડા કલાકો પછી જ તેમનું ટાઈટલ છિનવી લેવાયું. તેનું કારણ એ કે, ચેંગલોંગે જીતની ઉજવણી અયોગ્ય રીતે કરી હતી. 

ચેંગલોંગે હોટલના બાથટબમાં 'સેલિબ્રેશન' કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડયું હોવાનાં કારણોસર તેને ચેમ્પિયન બનવા માટે ગેરલાયક ઠેરવી દેવાયો. ચેંગલોંગે બાથટબમાં કઈ રીતે ઉજવણી કરેલી એ ખબર નથી પણ આવું તો ચીનમાં જ બની શકે.

બજારની વાત                                                . 5 - image

રશિયામાં કવિતા ગાવા બદલ ૭ વર્ષની જેલ

રશિયામાંથી સામ્યવાદી શાસન ભલે જતું રહ્યું પણ કાયદા હજુ એવા જ છે તેનો પરચો યેગોર શ્તોબ્વા અને આર્તીયોમ કમારદીનને મળી ગયો. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેની વિરૂધ્ધ કવિતા ગાવા બદલે બંનેને મોસ્કોની કોર્ટે જેલની સજા ફટકારી દીધી છે. યેગોરને સાડા પાંચ વર્ષની જ્યારે કમારદીનને સાત વર્ષની જેલની સજા થઈ છે. કોર્ટનું કહેવું છે કે, યેગોર અને કમારદીને લોકોમાં નફરત ફેલાવી છે અને દેશની સુરક્ષા સામે ખતરો પેદા થાય એવી પ્રવૃત્તિઓ કરી છે. 

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણનો વિરોધ કરનારા હજારો લોકોને પુતિનની સરકારે જેલમાં ધકેલી દીધા છે. આ લોકોને પણ જેલની સજા થશે એ નક્કી છે કે જેથી પ્રમુખપદની ચૂંટણીમાં વિરોધનો સૂર ના ઉઠે. 

ચીનના ક્રિપ્ટો માઈનિંગની અમેરિકાને ગંધ પણ ના આવી 

અમેરિકામાં ૨૩ વર્ષના ચીનના વિદ્યાર્થી જેરી યુ ચર્ચાનો વિષય છે. જેરીએ દોઢ વર્ષ સુધી ૬૦૦૦ કોમ્પ્યુટર ધરાવતું ક્રિપ્ટો એક્ચચેન્જ ચલાવ્યું હતું અને ક્રિપ્ટો માઇનિંગ દ્વારા દોઢ વર્ષ લગી ચીનમાં અબજો ડોલર મોકલ્યા તેની અમેરિકાના સત્તાવાળાઓને ગંધ સુધ્ધાં નહોતી આવી. અમેરિકાના સાયબર એક્સપર્ટ્સને ખબર પણ ના પડે એમ જેરી કઈ રીતે ક્રિપ્ટો એક્સચેન્જ ચલાવતો હતો એ વિચારીને અમેરિકનો માથું ખંજવાળી રહ્યા છે.  

ન્યુયોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી જેરીએ બિટરસ નામનું ક્રિપ્ટો એક્સચેન્જ ચલાવવા માટે ટેક્સાસમાં ૬૦ લાખ ડોલરમાં બિટકોઈન માઈન ખરીદી હતી. મજાની વાત એ છે કે, આ માઈન તેણે ક્રિપ્ટો કરન્સી ચૂકવીને ખરીદી હતી.  છેલ્લાં દોઢ વર્ષથી જેરી ક્રિપ્ટો માઈનિંગ કરતો હતો પણ તેની સામે કોઈ પુરાવા જ નથી.