Get The App

GSTની કલમ 74 હેઠળ આવેલ તાજેતરના ત્રણ મહત્વના ચુકાદાની છણાવટ

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
GSTની કલમ 74 હેઠળ આવેલ તાજેતરના ત્રણ મહત્વના ચુકાદાની છણાવટ 1 - image

- GSTનું A to Z-હર્ષ કિશોર

- અધિકારી જે ડોક્યુમેન્ટ ઉપર આધાર રાખતા હોય તેની નકલ વેપારીને પૂરી પાડવાની રહે અને વેપારીએ તેના અનુસંધાને જવાબ કરવાનો રહે તેમજ અધિકારીએ તેઓને રૂબરૂ પણ સાંભળવાના રહે.

આપણે જાણીએ છીએ કે જીએસટી કાયદામાં કલમ ૭૩ અને કલમ ૭૪ ની બે જુદી જુદી જોગવાઈ કરવામાં આવેલ છે અને જો ઇરાદાપૂર્વક કે કપટપૂર્વક કંઈ ખોટું કરેલ ના હોય તો તે અંગેનો આદેશ કલમ ૭૩ હેઠળ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વેપારી દ્વારા ઇરાદાપૂર્વક કોઈ ક્ષતિ કરેલ હોય તો તેનો આદેશ કલમ ૭૪ હેઠળ કરવામાં આવે છે. બંને કલમ હેઠળ દંડ કરવાની જોગવાઈઓ પણ અલગ અલગ છે. અત્યાર સુધી બંને કલમ મુજબ આદેશ કરવાને સમય મર્યાદા જુદી જુદી હતી. અત્યાર સુધી કલમ ૭૩ હેઠળ આદેશ કરવા માટે ત્રણ વર્ષ અને કલમ ૭૪ હેઠળ આદેશ કરવા માટે પાંચ વર્ષ મળતા હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલી કલમ ૭૩ અને કલમ ૭૪ ને બદલે કરમ ૭૪Aદાખલ કરવામાં આવેલ છે અને હવે તે મુજબ નોટિસ આપવા માટે ૪૨ મહિનાનો સમય મળે છે અને ત્યારબાદ આદેશ કરવા માટે બાર મહિનાનો સમય મળીને કુલ ૫૪ મહિનાનો સમય મળે છે.

અત્યાર સુધીમાં કલમ ૭૩ ને લગતા કુલ ૪૮૨ કોર્ટ કેસો થયેલ છે જ્યારે કલમ ૭૪ ને લગતા કુલ ૩૫૯ કેસો થયેલ છે. બંને કલમોના શબ્દો વચ્ચે તફાવત જોઈએ :

Section 73 - Determination of tax, pertaining to the period up to Financial Year 2023-24, not paid or short paid or erroneously refunded or input tax credit wrongly availed or utilised for any reason other than fraud or any wilful-misstatement or suppression of facts.

Section 74 - Determination of tax, pertaining to the period up to Financial Year 2023-24, not paid or short paid or erroneously refunded or inpur tax credit wrongly availed or utilised by reason of fraud or any wilful misstatement or suppression of facts.

આમ આપણને ખ્યાલ આવે છે કે કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરવા માટે વેપારીનો ઇરાદો જોવામાં આવે છે. જો તેના દ્વારા ઇરાદાપૂર્વક કોઈ બાબત છુપાવવામાં આવેલ હોય અથવા ખોટું રિફંડ લેવામાં આવેલ હોય કે પછી ખોટી વેરા શાખ લેવામાં આવેલ હોય અથવા ખોટું નિવેદન કરવામાં આવેલ હોય તેવા કેસોમાં કલમ ૭૪ હેઠળ તેમની સામે પગલા લઈ શકાય છે. તાજેતરમાં નામદાર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા M/s Varanasi Sangam Expressway Pvt. Ltd. Thru. Authorized Person Mr. Ramadat Pareek.... Petitioner(s) vs Commissioner or State Tax, Commercial Tax Head Office, Vibhuti Khand, Gomti Nagar, Lko. And Another WRIT TAX No. - 1028 of 2025  કેસમાં તારીખ ૧૭.૯.૨૦૨૫ ના રોજ ચુકાદો આવેલ છે. જે મુજબ વેપારીના કિસ્સામાં બદઇરાદો પુરાવાર થતો ન હોય તેથી નામદાર કોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ છે.

સામાન્ય રીતે માત્ર નોટિસના આધારે અપીલ થઈ શકતી નથી. પરંતુ આ કેસમાં અધિકારી દ્વારા કલમ ૭૪ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ કારણદર્શક સૂચનાને પડકારવા માટે રીટનો રસ્તો અપનાવામાં આવેલ હતો. કલમ ૭૪ ની જોગવાઈઓ મુજબ વેપારીનો ઇરાદો કરચોરીનો હોય તો તે નોટિસમાંથી સ્પષ્ટપણે દેખાવો જોઈએ પરંતુ આ કેસમાં નોટિસ ઉપરથી વેપારીનો બદઇરાદો પુરવાર થતો ન હતો.

કેસ ૨ M/s Safecon Lifescience Private Limited... Petitioner(s) vs Additional Commissioner Grade 2 And Another WRIT TAX No. - 389 of 2023, - નામદાર અલ્હાબાદ હાઈકોર્ટનો તારીખ  Sep. 9, 2025 નો ચુકાદો.

વિગતો : પીટીશનર કંપનીનો મુખ્ય ધંધો તમામ પ્રકારની દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ હોલસેલની રીતે વેચવાનો છે. આ કંપનીએ મહારાષ્ટ્રની એક કંપની મેસર્સ યુનીમેક્સ ફાર્મા કેમ પાસેથી કેટલીક દવાઓ ખરીદેલ. કંપનીએ જ્યારે ખરીદી કરેલ હતી ત્યારે સપ્લાયરનો જીએસટી નોંધણી દાખલો અમલમાં હતો. ખરીદી વખતે ટેક્સ ઇનવોઈસ, ઇ-વે બિલ અને બિલ્ટી ઉપલબ્ધ હતી. ખરીદી બેંક બેન્કીંગ ચેનલ મારફતે કરવામાં આવેલ અને સપ્લાયર દ્વારા જીએસટી આર-૧ અને જીએસટીઆર-૩બી પણ ભરવામાં આવેલ છે. અધિકારી દ્વારા વેપારીને કલમ ૭૪ હેઠળ કારણદર્શક સૂચના આપવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે મહારાષ્ટ્રના સપ્લાયર દ્વારા પોતાનો નોંધણી દાખલો રદ કરાવવામાં આવેલ હોઈ પીટીશનર કંપનીએ જે વેરા શાખ લીધેલ છે તે મળવાપાત્ર થતી નથી. અધિકારી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ હતો કે પીટીશનર કંપની દ્વારા ખરેખર કોઈ માલની ખરીદી કરવામાં આવેલ નથી. આ કારણ દર્શક સૂચનાના અનુસંધાને પીટીશનર કંપની દ્વારા તમામ પુરાવા સહિત જવાબ કરવામાં આવેલ હતી. અધિકારીએ આદેશ પસાર કરતા પીટીશનર કંપનીએ પ્રથમ અપીલ ફાઈલ કરેલ હતી.

કંપનીએ કોર્ટમાં પોતાની રજૂઆતમાં તારીખ ૧૩-૧૨-૨૦૨૩ ના પરિપત્રનો પણ આધાર લેવામાં આવેલ હતો અને વિનંતી કરવામાં આવેલ હતી કે કલમ ૭૪ હેઠળ ત્યારે જ કાર્યવાહી હાથ ધરી શકાય જ્યારે કોઈ ઇરાદાપૂર્વકની કરચોરી કરવામાં આવેલ હોય. વધુમાં કંપની દ્વારા કોર્ટ સમક્ષ પોતાની રજૂઆતમાં Writ Tax No. 743 of 2023 M/s Khurja Scrap Trading Company vs. Additional Commissioner Grade 2 (Appeal) and another (2025& AH 151783)  ના ચુકાદાનો આધાર પણ લેવામાં આવેલ હતો. ડિપાર્ટમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું કે પીટીશનર કંપનીએ જે મે. યુનીમેક્સ ફાર્મા કેમ પાસેથી ખરીદી કરેલ છે તેને જે ખરીદી કરેલ છે તે સપ્લાયરનો જીએસટી નંબર ઘણા સમયે પહેલા રદ થયેલ છે તેથી આ ખરીદી ખોટી જણાય છે.

નામદાર કોર્ટે નોંધ્યું કે એક વખત પીટીશનર તરફથી માલની મુવમેન્ટના તમામ દસ્તાવેજો આપીને તે ખરી છે તેવું પુરવાર કરેલ છે તેના અનુસંધાને ડિપાર્ટમેન્ટ તરફથી કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરવા માટેના કોઈ કારણો આપવામાં આવેલ ન હોઈ તે કાર્યવાહી યોગ્ય જણાતી નથી. વધુમાં પ્રથમ અપીલ અધિકારીએ માત્ર પોતાના ઉપરી તરફથી મળેલ માહિતીના આધારે અપીલ નકારેલ જણાય છે. મેસર્સ યુનીમેક્સ ફાર્મા કેમ, જેણે પીટીશનર કંપનીને માલ સપ્લાય કરેલ છે તેની કોઈ અનિયમિતતા નોંધવામાં આવેલ નથી. તારીખ ૧૩-૧૨-૨૦૨૩ ના પરિપત્ર મુજબ બહુ સ્પષ્ટ છે કે કલમ ૭૪ હેઠળની કાર્યવાહી ત્યારે જ હાથ ધરી શકાય જ્યારે ઇરાદાપૂર્વકની કરચોરી હોય. જે આ કેસમાં જણાતી નથી.

કેસ ૩ : અન્ય એક કેસમાં તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ Chetak Motors Pvt. Ltd. And Others vs. Additional Commissioner (Anti-Evasion) CGST, Delhi South Commissionerate & Another, W.P. (C) 14127/2025, CM APPL. 57995/2025 ના કેસમાં આવેલ ચુકાદામાં ડિપાર્ટમેન્ટ તરફી નિર્ણય આવેલ છે. જેમાં નામદાર દિલ્હી હાઈકોર્ટે જણાવેલ છે કે કલમ ૭૪ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ નોટિસમાં ક્ષતિ સંબંધિત તમામ વાજબી વિગતો દર્શાવવામાં આવેલ હોઈ રીટ તબક્કે આ નોટિસને રદ કરી શકાય નહીં.

સુનાવણી દરમ્યાન નામદાર કોર્ટે નોંધ્યું કે કારણદર્શક સૂચનાના પેરેગ્રાફ પાંચમાં કલમ ૭૪ હેઠળ કેમ કાર્યવાહી કરવામાં રહેલ છે તેના સ્પષ્ટ કારણો જણાવવામાં આવેલ છે. જે પૈકીના કેટલાક મુખ્ય કારણો આ પ્રમાણે છે :

- "the notice has wilfully not paid the tax and availed ineligible/excess ITC in their GSTR-3B and did not reverse the same"

- "not-reversal of ineligible ITC availed in the aforesaid manner was never voluntarily divulged by the notice in their GSTR-3B as mandated under Rule 42 & 43 of the GST Act, 2027, but the same were detected/unearthed during investigation at the time of the inspection proceedings and by investigation of their records/documents etc which otherwise, would not have come to the notice of the department."

ઉપરાંત, નોટીસમાં અધિકારીએ જણાવેલ છે કે કંપનીના ડાયરેક્ટરે કલમ ૭૦ હેઠળના પોતાના નિવેદનમાં કબુલ કરેલ છે કે તેઓની કંપની દ્વારા માફી માલના અનુસંધાને જે વેરા શાખ રિવર્સ કરવાની હતી તે કરેલ નથી. આમ, વેપારીના પક્ષે ઇરાદાપૂર્વક ખોટું કરવામાં આવેલ છે તેવું સાબિત થઈ જાય છે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં વધુમાં જણાવેલ કે અધિકારી જે ડોક્યુમેન્ટ ઉપર આધાર રાખતા હોય તેની નકલ વેપારીને પૂરી પાડવાની રહે અને વેપારીએ તેના અનુસંધાને જવાબ કરવાનો રહે તેમજ અધિકારીએ તેઓને રૂબરૂ પણ સાંભળવાના રહે.