ભરતી કરાતા કર્મચારીઓની કાબેલિયત તપાસવામાં પણ હવે AIનો ઉપયોગ
- AI કોર્નર -
- કંપનીઓમાં એચઆરની ભાવિ કાર્યપદ્ધતિ તદ્દન જ અલગ જ જોવા મળવાના સંકેત
દેશમાં ટેકનોલોજીના વપરાશ સાથે વિવિધ ક્ષેત્રની કંપનીઓ માટે સંબંધિત ટેકનોલોજીના જાણકાર સ્કીલ્ડ લેબર તથા કર્મચારી મેળવવાનું જે અત્યારસુધી પડકારરૂપ બની રહ્યું હતું તે નવી ટેકનોલોજી આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વિકાસને પરિણામે હવે સરળ બનતું નજરે પડી રહ્યું છે.
કંપનીઓ ખાસ કરીને મલ્ટી નેશનલ કંપનીઓ પોતાના કર્મચારીબળની ભરતી માટે તથા તેમની કામગીરી પર નજર રાખવા ખાસ હ્યુમન રિસોર્સ (એચઆર) વિભાગ ધરાવતી હોય છે. એઆઈના આગમન સાથે એચઆરના કામકાજમાં નોંધપાત્ર બદલાવ જોવા મળવાના સંજોગો ઊભા થયા છે. કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ એટલે કે દૂરથી કામ કરવાની ઊભી થયેલી નવી પદ્ધતિએ કર્મચારીઓની ભરતી સંદર્ભમાં એચઆરની જવાબદારીમાં વધારો કરાવી દીધો છે. એઆઈને કારણે આવનારા વર્ષોમાં એચઆર પ્રક્રિયા સરળ બનવા સાથે કંપનીઓમાં નિર્ણય લેવાની કામગીરી પણ ઝડપી બનવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભરતી પ્રક્રિયાને ઓટોમેટ બનાવવામાં એઆઈ સંચાલિત ટૂલ્સ - સોલ્યુશનના ઉપયોગ કરવાનું કંપનીઓના એચઆર વિભાગ દ્વારા શરૂ થયું છે. ચેટબોટસ તથા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટસ જેવા ટૂલ્સ ઉમેદવારની ચકાસણી કરવામાં મદદમાં લેવાઈ રહ્યા છે એટલું જ નહીં નોકરી ઈચ્છુકોના ઈન્ટરવ્યૂમાં પણ એઆઈની મદદ લેવામાં આવી રહી છે. એઆઈ સંચાલિત એલ્ગોરિધમને જે તે ઉમેદવારના બાયોડેટા ઉપરાંત તેમની સોશ્યલ મીડિયા પ્રોફાઈલનો અભ્યાસ કરવામાં કામે લગાડવામાં આવે છે. કંપની માટે સંબંધિત ઉમેદવાર કેટલો સફળ પૂરવાર થશે તેની પણ એઆઈ મારફત ધારણાં મેળવવામાં આવે છે.
ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનું માનીએ તો, એઆઈ, કંપનીના વિવિધ વિભાગમાં રહેલા ચિંતાના વિષયો અને તેમાં કેવી રીતે સુધારો કરી શકાય તેની પણ ભલામણ કરવા સક્ષમ છે. બીજી બાજુ ભરતી થતાં કર્મચારીઓને એઆઈ સંબંધિત કંપનીની નીતિઓ તથા પ્રક્રિયાઓની જાણકારી પૂરી પાડી તેમનામાં રહેલી નબળાઈઓ કઈ રીતે દૂર કરી શકાય તેમાં મદદ કરવામાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
એચઆર સંબંધિત કામગીરીમાં એઆઈનો ઉપયોગ એ કોઈ ભાવિ શકયતા નહીં પરંતુ તે હવે એક હકીકત બની રહી છે. હાલની ટેકનોલોજીના કાળમાં કંપનીઓ માટે જ્યારે યોગ્ય તાલીમબદ્ધ અથવા સ્કીલ્ડ કર્મચારીઓ મેળવવાનું મુશકેલ બની રહ્યું છે ત્યારે એઆઈના ઉપયોગ થકી કંપનીના એચઆર વિભાગ યોગ્ય તાલીમ સાથેના વર્કફોર્સ શોધી આપવા સજ્જ બની રહ્યા છે. માત્ર કર્મચારીબળની શોધ જ નહીં પરંતુ કર્મચારીઓને લગતા કાયદાકીય પાસાંઓને હાથ ધરવા તથા તેના ફરજપાલનના બોજને હળવા કરવામાં એઆઈ ટુલ્સ મદદરૂપ થઈ રહ્યા હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે એચઆર માર્કેટમાં એઆઈ ટેકનોલોજીનું કદ ૨૦૨૪માં ૧૧.૬૩ અબજ ડોલર પરથી વધી ૨૦૩૦ સુધીમાં ૨૬.૨૬ અબજ ડોલર પહોંચવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. અનેક આધુનિકતાઓ છતાં મોટી સંખ્યાની કંપનીઓ આજે પણ કર્મચારીઓની ભરતી માટે જુની પદ્ધતિઓ પર નિર્ભર રહ્યા કરે છે, પરંતુ એચઆરની ભાવિ કાર્યપદ્ધતિ તદ્દન જ અલગ જ જોવા મળવાના સંકેત મળી રહ્યા છે. વિશ્વની સરખામણીએ ભારત ઝડપથી વિકસી રહેલુ અર્થતંત્ર છે અને વૈશ્વિક કંપનીઓની ભારતમાં હાજરી વધી રહી છે ત્યારે સ્પર્ધા સામે ટકી રહેવા કંપનીઓએ એઆઈ ટેકનોલોજીના ઝડપથી સ્વીકાર કરવાનો રહેશે.
એઆઈના ઉપયોગ સાથે કંપનીઓ કર્મચારીઓના બાયોડેટાને ઝડપથી એનલાઈઝ કરવામાં અને આવશ્યક કર્મચારીબળને પસંદ કરવામાં સાનુકૂળતા અનુભવી રહી છે.
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, કેટલીક ચોક્કસ પ્રકારની ભરતીઓ પૂરી પાડવા ૬૭ ટકા એચઆર કંપનીઓએ એઆઈનો ઉપયોગ કર્યાે હતો.
અર્થતંત્રના વિકાસ સાથે તાલીમબદ્ધ કર્મચારીબળની આવશ્યકતા પણ વધી રહી છે. રોજગારને લાયક કુશળતા સાથેના કર્મચારીબળનો અભાવ ઉદ્યોગો દ્વારા સામનો કરાતા મુખ્ય પડકારોમાંનો એક છે. આપણી શિક્ષણ પદ્ધતિના જડ ઢાંચાને પરિણામે રોજગાર માટે બહાર પડતા યુવા શિક્ષિતો રોજગારને લાયક એવી સ્કીલ સાથે સુસજ્જ નથી હોતા જેને પરિણામે તેમને રોજગાર લાયક બનાવવા તાલીમ કાર્યક્રમ પાછળ જંગી ખર્ચ કરવાની કંપનીઓને આવશ્યકતા રહે છે. આ ખર્ચમાંથી બચવા કંપનીઓ પોતાના કર્મચારીબળની શોધમાં એચઆર નિષ્ણાતોની મદદ લેતી હોવાનું પણ જોવા મળે છે.
એઆઈ ટેકનોલોજીના આક્રમણ સાથે કંપનીઓમાં કામકાજની પદ્ધતિ પણ બદલાઈ રહી છે ત્યારે નવી પદ્ધતિ સાથે બંધબેસતા કર્મચારીઓ મેળવવાનું ફરજિયાત બની ગયું છે. જે કંપનીઓ નવી ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં નિષ્ફળ રહે છે તે જે કંપનીઓ એઆઈ ટેકનોલોજીના સ્વીકાર કરી રહી છે તેનાથી પાછળ રહી જવાની શકયતા વધી ગઈ છે, એમ કહીશું તો ખોટું નહીં ગણાય.