For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝવેરી બજારમાં મંદીના પવન પછી હવે શ્રાદ્ધ સમાપ્તી પછી માગ વધવાની આશા

Updated: Sep 18th, 2022

Article Content Image- બુલિયન બિટસ : દિનેશ પારેખ

- અમેરિકામાં  વ્યાજદર વધુ વધશે તથા  ડોલર ઉંચો જશે એવી ગણતરીએ વૈશ્વિક સોનામાં જોવા મળેલો ઝડપી ઘટાડો

વિશ્વબજારમાં ફેડની ૨૦-૨૧ સપ્ટેમ્બરના રોજ મળનારી મીટીંગમાં ૦.૭૫ પોઈન્ટનો વ્યાજ વધારો થશે તેવા સંકેત સાથે સાથે અમેરિકામાં ધાર્યા કરતા ફુગાવો વધુ પ્રમાણમાં વધતા સોનાની તેજીમાં પીછેહટ લાગી છે અને ભાવ વધારાની તેજીને બ્રેક લાગતા સોનાના ભાવમાં ૫૦થી ૭૫ ડોલર પ્રતિ ઔંસના માત્ર બેજ દિવસમાંના ઘટાડાએ સોનાને ૧૭૩૧ ડોલર પ્રતિ ઔંસના ભાવથી નીચે ઉતારી ૧૬૫૫ ડોલર પ્રતિ ઔંસ પર લાવી મૂક્યું તેમાં ડોલરનો ઈન્ડેક્સ ફરી ૧૧૦થી વધતા સોનાના ભાવ પર પુષ્કળ દબાણ આવ્યું છે. ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ઓક્ટોબર માસના કોન્ટ્રાક્ટ નીચામાં ૧૭૧૦ ડોલર અને ઉંચામાં ૧૭૩૦.૬૦ ડોલર પ્રતિ ઔંસ તથા ડીસેમ્બર માસની નીચામાં ૧૭૯૦.૪૦૨ ડોલર અને ઉંચામાં ૧૭૫૦.૫૦ ડોલર પ્રતિ ઔંસના કોન્ટ્રાક્ટ નોંધાયા અને ઓક્ટોબર/ ડીસેમ્બરના સોનાના કોન્ટ્રાક્ટમાં ૯.૮૦ ડોલર પ્રતિ ઔંસનો ફેર નોંધાયો ત્યારે ડીસેમ્બર/ ફેબુ્રઆરીમાં તે ભાવગાળો ૧૨.૫૦ ડોલર અને ફેબુ્રઆરી/ એપ્રીલમાં ૧૪.૮૦ ડોલર પ્રતિ ઔંસનો ન્યૂયોર્ક બજારના કોન્ટ્રાક્ટોમાં ગાળો નોંધાતા સોનાની તેજી માટે વાટ જોવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. બજારમાં સોનાના ભાવોમાં ઘણા નવા પરિબળો કામ કરી રહ્યા હોવાથી સોનું કઈ દીશા પકડશે અને અસ્થિર શું કામ છે તે જોવું રહ્યું.

એકંદરે સોનું ડોલર- રૂપિયાના વિનિમય દર તથા વૈશ્વિક ભાવો પર નિર્ભરતા રાખશે. લાંબી મંદી નથી છતાં દીવાળીમાં સોનાના ભાવો રૂ.૫૧૦૦૦ અને રૂ.૫૩૦૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાશે અને ઘરાકી સારી રહેશે.

સ્થાનિક ચાંદી બજારમાં છેલ્લે ૧૫ દિવસમાં ચાંદીના ભાવો રૂ.૨૦૦૦ પ્રતિ કિલો ઘટયા છે. અઠવાડીયા દરમિયાન ચાંદી ઉપરમાં રૂ.૫૮૨૨૦ અને નીચામાં રૂ.૫૬૨૦૦ પ્રતિ કિલો ક્વોટ થયા છે.

૪૦૦ કીલો ચાંદી જપ્ત થઈ છે તેવા સમાચારે હાજર અને વાયદા ચાંદી વચ્ચેનો ગાળો રૂ.૧૫૦૦ પ્રતિ કિલો રહ્યો છે.

જુની ચાંદીની આવક નહિવત છે તથા શોરૂમમાં શ્રાધ્ધ પછી ઘરાકી નીકળશેની આશામાં શોરૂમવાળા નવો માલ બનાવી રહ્યા છે ત્યારે સિક્કા બનાવનાર મેન્યુફેકચરો પુરા જોશથી સીક્કા બનાવવા લાગ્યા છે. બીલમાં ચાંદી વાયદા કરતા રૂ.૬૦૦ પ્રતિ કિલો નીચે મળતા વેપારીઓ વાયદો વેચી બીલમાં હાજર ચાંદી ખરીદે છે. રોકાણકારો પણ દિવાળીમાં ચાંદી ઉંચકશે તે ધારણાએ ચાંદીમાં રોકાણ કરે છે.

એકંદરે ચાંદીમાં મંદી નથી અને ચાંદી એકવાર રૂ.૬૦,૦૦૦ પ્રતિ કિલોને આંબી શકે.

યુક્રેન તથા રશીયાની લડાઈએ વૈશ્વિક અર્થતંત્રને ડહોળ્યું છે અને સોનાને તેલ સામે ચલણ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની મથામણ ચાલે છે તેમાં અમેરિકા તથા યુરોપીય દેશોએ રશીયન સોનાની રીફાઈનરી પર અંકુશો મૂકતા મોસ્કોએ લંડન બુલીયન મારકેટ એસોસીયેશન પાઉન્ડ તથા ડોલરમાં સોનાનો ભાવ નક્કી કરવાની મોનોપોલી તોડવાના પ્રયત્નો શરૂ કર્યા. ૨૫મી માર્ચ ૨૦૨૨ના રોજ રશીયન સેન્ટ્રલ બેન્કે જાહેર કર્યું કે તેઓ રશીયન બેન્ક પાસેથી ૫૦૦૦ રૂબલ પ્રતિ ગ્રામના ભાવે સોનું ખરીદશે અને એ સમયે ૧૫૫૫ ડોલર પ્રતિ ઔંસ એટલે ૫૦ ડોલર પ્રતિ ઔંસના ભાવે સોનું ખરીદશે, પરંતુ એ સમયે બજારમાં સોનાની લેવડદેવડ ૧૯૫૦ ડોલર પ્રતિ ઔંસે થતી હતી અને ઉપરોક્ત રશીયન ભાવોથી વૈશ્વિક બજારમાં મોટું ડીસ્કાઉન્ટમાં સોનું મળે તેવી શક્યતા જાગી. આવી રશીયન યોજના બેન્કો તથા સોનાની ખાણ પાસેથી સસ્તેથી સોનું ખરીદે તો એક પ્રકારની લૂંટ જ ગણાય. પરંતુ વિશ્વબજારમાં ડીસ્કાઉન્ટે રશીયન પ્રતિબંધિત સોનાની લગડી ભારત, ચીન કે ઈરાન જેવા દેશો ખરીદશે અને તેલ માટે ચૂકવણી કરીને ન્યૂયોર્ક કે લંડન બજારમાં ડોલરના મૂલ્યને ઘટાડવા મદદરૂપ બનશે. આમ રશીયા દ્વારા મોસ્કો ઈન્ટરનેશનલ પ્રેસીયસ મેટલ દ્વારા વૈશ્વિક રોકાણકારોને દ્વિધામાં મૂકીને સોનાની લગડીઓનો વેપાર કરાવશે અને કરશે જેથી અમેરિકા તથા યુરોપના સોના પરના અંકુશોની કશી અસર નહીં પડે. હકીકતમાં બજારમાં સોનું એ ડોલરનું બજાર ગણાય અને તેની કિંમત ડોલરમાં જ અંકાય છે તેથી બજાર સોનાની લેવડદેવડ ડોલરમાં જ કરશે.

મોસ્કો વર્લ્ડ સ્ટાન્ડર્ડને કામકાજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આવી દ્વિધાભરી પરિસ્થિતિમાં રશીયાને લંડનનો સોનાનો ભાવ સ્વિકારવો પડશે અને ડીસ્કાઉન્ટની યોજના અભેરાઈએ ચડાવવી પડશે નહિતર પશ્ચિમિ દેશોને તેલના વધતા જતા ભાવોનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે.

બેન્ક ઓફ અમેરિકાના કોરપોરેશનના વૈશ્વિક ફેડ મેનેજરે ઓગસ્ટના સર્વેક્ષણમાં જણાવ્યું છે કે ૫૮ ટકા જેટલા રોકાણકારો આવતા મહિનામાં ૨૦૨૦ના વર્ષ કરતા વધુ જલદ મંદી આવશે તેવી આગાહી કરે છે ત્યારે રોકાણકારોએ ઈટીએફના શેર ખરીદવાની ભૂલ ન કરવી જોઈએ. હાલમાં તો કહેવું પડશે કે વિશ્વમાં ફુગાવો જ ડ્રાઈવર બનીને આર્થિક તંત્રની દીશા નક્કી કરશે તેમાં સોનું કેટલો સહયોગ આપશે અને ભાવો કેમ નક્કી કરશે તે આવતા દિવસો જ કહેશે.

Gujarat