દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં કોલસા ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ઈરાન-અમેરિકા- ઈઝરાઈલ યુદ્ધના માહોલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા છે તથા તેના પગલે ઉર્જાના અન્ય સાધનોની બજારોમાં પણ ગરમાટો આવ્યાના વાવડ મળ્યા હતા. કોલસા બજારના જાણકારોના જણાવ્યા મુજબ થર્મલ કોલસાના ભાવ આ વર્ષે ૩૦થી ૩૫ ટકા વધી ગયા છે. એક મહિનામાં ભાવ આશરે ૯થી ૧૦ ટકા વધ્યા છે. વોરના પગલે એલએનજી (લિકવીફાઈડ નેચરલ ગેસ)ની સપ્લાય રુંધાતા વૈકલ્પિક ઉર્જાના સ્વરૂપમાં કોલસા તરફ બધાનું ધ્યાન ખેંચાયું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. એલએનજીના ભાવ ઉછળ્યા છે તથા સપ્લાય ઘટતી જોવા મળી છે. ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા છે. તાજેતરમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચામાં બેરલના ૧૨૦થી ૧૨૧ ડોલર સુધી પહોંચ્યા હતા. સાઉદી અરેબિયાએ તાજેતરમાં માર્ચ પછી એપ્રિલમાં પણ એશિયા માટે ક્રૂડ તેલની સપ્લાય ઘટાડી છે તથા સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડતેલના બેન્ચમાર્ક ભાવ ઉપર પ્રીમિયમો પણ વધાર્યાના વાવડ મળ્યા હતા. જો ક ે ક્રૂડતેલનું ઉત્પાદન કરતા વિવિધ દેશોના સંગઠન ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ મે મહિનામાં ક્રૂડતેલના દૈનિક ઉત્પાદનમાં ૨ લાખ ૬ હજાર બેરલ્સની વૃદ્ધી કરવાનું નક્કી કરાયું છે. જો કે ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈરાન યુદ્ધના પગલે ક્રૂડતેલ ઉત્પાદક વિવિધ દેશોને ઈન્ફ્રાસ્ટ્રકચરના સંદર્ભમાં મોટું નુકશાન થયું છે તથા આ નુકશાનના સમારકામ માટે નોંધપાત્ર ખર્ચ કરવો પડશે તથા આ સમારકામને લાંબા સમયે લાગી જશે એ જોતાં મે મહિનામાં નક્કી કરવામાં થયેલી ઉત્પાદન વૃદ્ધી હાંસિલ થઈ શકશે કે નહિં એ મોટો પ્રશ્ન છે.
દરમિયાન, તાજેતરમાં કોલસાના એપ્રિલ વાયદાના ભાવ વધી ઉંચામાં ટનના ૧૪૨થી ૧૪૩ ડોલર સુધી પહોોંચ્યાનું ઈન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જના સૂત્રોએ જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં કોલસાનું વિશેષ ઉત્પાદન તથા આંતરરાષ્ટ્રીય ટ્રેડ થાય છે તથા ઈરાન યુદ્ધ શરૂ થયા પછીના ગાળામાં ત્યાં થર્મલ કોલસાના ભાવ આશરે ૧૭થી ૧૮ ટકા જેટલા વધી ગયા છે. ઉંચામાં ભાવ ૧૪૪થી ૧૪૫ ડોલર સુધી પણ જોવા મળ્યા હતા. આવા ભાવ છેલ્લે ૨૦૨૪માં નવેમ્બર મહિનામાં દેખાયા હતા. યુદ્ધના પગલે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો તથા સ્ટીમરોની અવરજવર રુંધાતાં તેની અસર પણ વિવિધ ઉર્જા બજારો પર દેખાઈ હતી.
યુદ્ધના માહોલમાં ઉર્જાના વૈકલ્પિક સાધનના સ્વરૂપમાં કોલસાની માગ હાલ વિશ્વ ભરમાં વધી છે તથા કોલસો હવે ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. કતારમાં એલએનજીનું ઉત્પાદન વિશેષ થાય છે તથા એશિયાના મોટાભાગના દેશો કતારના એલએનજી પર આધાર રાખે છે. એલએન્ડજીની સપ્લાય રુંધાતાં જાપાન, કોરિયા તથા તાઈવાનમાં દર મહિને વધારાના ૧૫થી ૨૦ લાખ ટન થર્મલ કોલસાની જરૂર પડી રહી છે એવી ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં હાલ કોલસાનો પુરવઠો તથા સ્ટોક પુરતો હોવાનો દાવો સરકાર હસ્તકની કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયાના ટોચના હોદ્દેદારો કરી રહ્યા હતા. દરમિયાન, ભારત સરકારે કોલસાના ગેસીફિકેશન માઈનિંગ માટે નવા નિયમો બનાવ્યા છે. તથા તેના પગલે કોલસાનું ઉત્પાદન વધવાની શકયતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.


