Get The App

25 વર્ષ પછી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું ફરીથી શેરબજારમાં પ્રભુત્વ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
25 વર્ષ પછી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું ફરીથી શેરબજારમાં પ્રભુત્વ 1 - image

- FIIનો ભારતીય શેરબજાર પર પ્રભાવ ઓછો થયો

- દેશમાં ખાસ કરીને મધ્યમ અને નાના શહેરોમાં શેરબજારની પહોંચ વધારવામાં DIIએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી 

વર્ષ ૧૯૯૨માં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) અથવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)ને ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય મૂડી બજારને વિદેશી રોકાણ માટે ખોલવાની દિશામાં આ એક મોટું પગલું હતું. એફઆઈઆઈએ ૧૯૯૨-૯૩માં ૧૩ કરોડ રૂપિયાના સામાન્ય રોકાણ સાથે ભારતીય શેરબજારમાં રોકાણ કરવાનું શરૂઆત કરી હતી. તે સમયે, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)માં ભૂતપૂર્વ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (યુટીઆઈ), છ બેંક-પ્રાયોજિત મ્યુચ્યુઅલ ફંડ અને ચાર નાણાકીય સંસ્થા-પ્રાયોજિત મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થતો હતો. આ બધા ત્યાં સુધીમાં સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયા હતા. ૧૯૯૩માં, ખાનગી ક્ષેત્રની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને પણ બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

વિચાર એ હતો કે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ બજારમાં એફઆઈઆઈના વિકલ્પ તરીકે કાર્ય કરશે. માર્ચ ૧૯૯૩ના અંતમાં ઇક્વિટીમાં ડીઆઈઆઈનું સંયુક્ત રોકાણ લગભગ રૂ. ૪૫,૦૦૦ કરોડ હતું. જોકે, આગામી કેટલાક વર્ષો ડીઆઈઆઈ માટે પ્રતિકૂળ રહ્યા, જેના કારણે એફઆઈઆઈની તુલનામાં તેમનું મહત્વ સ્પષ્ટપણે ઘટી ગયું હતું. તે સમયે યુટીઆઈ એક મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની હતી, પરંતુ ૧૯૯૮માં તેની ખાતરીપૂર્વકની વળતર યોજનાઓ સામે સમસ્યાઓ ઊભી થઈ, આનાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો, જેના પરિણામે તેમને આગામી વર્ષોમાં રોકાણ એકત્ર કરવામાં મુશ્કેલી પડી હતી. ડીઆઈઆઈનું ઇક્વિટી રોકાણ માર્ચ ૧૯૯૮ના અંતમાં રૂ. ૬૫,૩૦૦ કરોડથી થોડું વધીને માર્ચ ૨૦૦૦ના અંત સુધીમાં રૂ. ૬૫,૮૦૦ કરોડ થયું હતું. આ જ સમયગાળા દરમિયાન એફઆઈઆઈ રોકાણ બમણાથી વધુ વધીને રૂ. ૭૦,૩૦૦ કરોડ થયું, જેનાથી પહેલી વાર ડીઆઈઆઈને પાછળ છોડી દીધું હતું. માર્ચ ૨૦૦૫ના અંત સુધીમાં ડીઆઈઆઈનું ઇક્વિટી રોકાણ ઘટીને રૂ. ૫૯,૦૦૦ કરોડ થયું હતું.

૨૦૦૦-૦૧થી ૨૦૧૩-૧૪ દરમિયાન એફઆઈઆઈ ઇક્વિટી રોકાણ થોડું ધીમું પડયું હતું, જે ફક્ત ૧૮ ટકાના દરે વધ્યું, જે અગાઉના છ વર્ષ (૧૯૯૪-૯૫થી ૧૯૯૯-૦૦)માં ૫૮ ટકા હતું. જોકે, આ જ સમયગાળા દરમિયાન, ડીઆઈઆઈ રોકાણમાં ૨ ટકાનો ઘટાડો થયો હતો. પરિણામે, માર્ચ ૨૦૧૪ના અંત સુધીમાં ડીઆઈઆઈનું બાકીનું રોકાણ રૂ. ૪૨,૦૦૦ કરોડ રહ્યું, જ્યારે એફઆઈઆઈ રોકાણ લગભગ રૂ. ૬.૬ લાખ કરોડ હતું.

રોકાણની દ્રષ્ટિએ ડીઆઈઆઈ માટે ૨૦૧૪-૧૫ એક ટર્નિંગ યર સાબિત થયું હતું. તે વર્ષે ઇક્વિટીમાં તેમનું રોકાણ ૯૮ ટકા વધ્યું હતું અને ત્યારબાદ આ વલણ મજબૂત રહ્યું છે, જે ત્યારથી સરેરાશ વાર્ષિક ૪૨ ટકાના દરે વધ્યું છે. ૨૦૧૪-૧૫થી ૨૦૧૯-૨૦ દરમિયાન ડીઆઈઆઈ રોકાણ ૫૫.૪ ટકાના દરે વધ્યું હતું, જ્યારે કોરોના પછીના સમયગાળામાં (૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫) તે ૩૭ ટકા હતું. માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવેલા રોકાણો ૧૪ લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

છેલ્લા દાયકામાં ડીઆઈઆઈ રોકાણોમાં ઝડપી ગતિએ વધારો થયો હતો, ત્યારે એફઆઈઆઈ રોકાણોમાં માત્ર ૪.૯ ટકાનો વધારો થયો હતો. પરિણામે, માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં તેમનું ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ ડીઆઈઆઈ કરતા લગભગ ૨૯ ટકા ઓછું હતું. આ રીતે, ડીઆઈઆઈએ ૨૫ વર્ષના લાંબા ગાળા પછી શેરબજારમાં પોતાનું જૂનું પ્રભુત્વ પાછું મેળવ્યું છે.

આ પરિસ્થિતિ પ્રોત્સાહક ગણી શકાય કારણ કે ડીઆઈઆઈ પાસે હવે એફઆઈઆઈ સાથે સ્પર્ધા કરવાની પૂરતી ક્ષમતા છે, જેના કારણે ભારતીય શેરબજાર વધુ મજબૂત બન્યું છે. છેલ્લા દાયકામાં ડીઆઈઆઈએ બજારમાં પ્રભુત્વ મેળવ્યું છે.  ડીઆઈઆઈએ દેશમાં, ખાસ કરીને મધ્યમ અને નાના શહેરોમાં, શેરબજારની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ તેમને હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે.