- 2047 સુધીમાં સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને વર્તમાન 8.8 ગીગાવોટથી વધારીને 100 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક
પરમાણુ ઊર્જા બિલને મંત્રીમંડળની મંજૂરી દેશના પરમાણુ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તે જવાબદારીના મુદ્દાને સંબોધિત કરે છે, જેમાં પ્રથમ વખત પરમાણુ ઊર્જા પ્લાન્ટના સંચાલનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો પરિચય થાય છે. સસ્ટેનેબલ હાર્નેસિંગ ઓફ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (શાંતિ) નામનું આ બિલ, એટોમિક એનર્જી એક્ટ, ૧૯૬૨ અને સિવિલ લાયેબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ, ૨૦૧૦માં સુધારો કરે તેવી અપેક્ષા છે.
આ બિલ નિયમનકારી ખામીઓને દૂર કરશે અને ક્ષેત્રમાં ૪૯ ટકા સુધી ખાનગી, ખાસ કરીને વિદેશી, રોકાણ આકર્ષવા માટે એક સક્ષમ કાનૂની માળખું બનાવશે.
વ્યૂહરચના એ છે કે મોટા પાયે પરમાણુ ઊર્જાનો વિસ્તાર કરવો અને આપણા દેશ માટે ઓછા કાર્બન વિકલ્પ પ્રદાન કરવો, જે કોલસા પર મોટાપાયે નિર્ભર છે. વર્તમાન નવીનીકરણીય ઉર્જા તકનીકો ટકાઉ રીતે આ હાંસલ કરવામાં સક્ષમ નથી.
ચોખ્ખી-શૂન્ય ઉત્સર્જન લક્ષ્યની નજીક પહોંચવા માટે, ભારત નાના મોડયુલર રિએક્ટર પર આધાર રાખી રહ્યું છે, જે ૩૦૦ મેગાવોટ સુધી વીજળી ઉત્પન્ન કરે છે અને પરંપરાગત મોટા રિએક્ટર કરતાં સ્થાપિત કરવા માટે સરળ, સસ્તા અને ઝડપી છે. સરકારે નાના મોડયુલર રિએક્ટર પર સંશોધન અને વિકાસ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી સાથે પરમાણુ ઉર્જા મિશનની જાહેરાત કરી છે.
આ મિશનનો હેતુ ૨૦૩૩ સુધીમાં ઓછામાં ઓછા પાંચ નાના મોડયુલર રિએક્ટર કાર્યરત રાખવાનો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની મુલાકાત દરમિયાન ચર્ચા કરાયેલ રશિયા સાથે વ્યાપક સહયોગ, આ વ્યૂહરચનાનો મુખ્ય તત્વ છે, કારણ કે આ ક્ષેત્રમાં રશિયાની નોંધપાત્ર કુશળતા છે.
ભારતની પરમાણુ મહત્વાકાંક્ષાઓ સ્વાભાવિક રીતે વ્યાપક છે, પરંતુ તેને પૂર્ણ કરવા માટે ખાનગી ક્ષેત્ર માટે જીવંત અને સક્ષમ વાતાવરણ બનાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.
આ માટે ભંડોળ એકત્ર કરવું પણ એક પડકાર બની શકે છે. દેશ ૨૦૪૭ સુધીમાં સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને વર્તમાન ૮.૮ ગીગાવોટથી વધારીને ૧૦૦ ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઉર્જા મંત્રાલયના અહેવાલ મુજબ, આ માટે ૨૧૪ બિલિયન ડોલર મૂડીની જરૂર પડશે, જેના કારણે પોષણક્ષમ દરે મૂડી એકત્ર કરવી જરૂરી બનશે. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે અગાઉ તેના આબોહવા નાણાકીય વર્ગીકરણમાં પરમાણુ ઉર્જાનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે, સ્થાનિક રીતે એકત્ર કરાયેલ ભંડોળ સરકાર દ્વારા ઇચ્છિત ધોરણ પ્રાપ્ત કરવા માટે પૂરતું હશે કે કેમ તે સ્પષ્ટ નથી. વૈશ્વિક સ્તરે, પરમાણુ ધિરાણ અંગે નોંધપાત્ર મૂંઝવણ છે, જેમાં વિવિધ ક્ષેત્રો અને તેમની અંદરની સંસ્થાઓ પણ તેને ગ્રીન વર્ગીકરણમાં સમાવવાના તેમના અભિગમોમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, ઘણી મોટી યુએસ નાણાકીય સંસ્થાઓ ગ્રીન વર્ગીકરણમાંથી પરમાણુ ઉર્જાને બાકાત રાખે છે, જ્યારે યુરોપિયન યુનિયન અને ચીન કચરાના નિકાલ અને સલામતી પ્રોટોકોલ જેવી શરતો સાથે તેને મંજૂરી આપે છે.
પરમાણુ જવાબદારી કાયદામાં સુધારો પણ મહત્વપૂર્ણ રહેશે, જે પરમાણુ અકસ્માતોના ભોગ બનેલા લોકો માટે વળતરની જવાબદારી સપ્લાયર્સ તેમજ ઓપરેટરો સુધી લંબાવે છે. આ જોગવાઈને કારણે અમેરિકાની વેસ્ટિંગહાઉસ અને ફ્રાન્સની ઈઘખ જેવી સૌથી મોટી વિદેશી રિએક્ટર કંપનીઓ ભારતના પરમાણુ કાર્યક્રમમાં ભાગ લેવાથી દૂર રહી છે. આ ક્ષેત્ર ભારત આ મુદ્દાને કેવી રીતે ઉકેલે છે તે જોવાનું રહેશે.
જોકે પરમાણુ ઊર્જાને સૌથી સુરક્ષિત ઊર્જા સ્ત્રોતોમાંનો એક માનવામાં આવે છે, તેનાથી સંબંધિત અકસ્માતો - પછી ભલે તે ચેર્નોબિલ હોય કે ફુકુશિમા, પરંપરાગત ઔદ્યોગિક અકસ્માતો કરતાં વધુ વિનાશક લાંબા ગાળાની અસરો લાવી શકે છે.
ભારતમાં, ભોપાલમાં યુનિયન કાર્બાઇડ દુર્ઘટનાની કાયમી અસર જાહેર સ્મૃતિમાં ઊંડે સુધી કોતરાયેલી છે. તેથી, જાહેર અભિપ્રાયનું સંચાલન કરવું અને વ્યવહારુ વળતર પદ્ધતિઓનો અમલ કરવો એ ટેકનોલોજી અને નાણાંની પહોંચ જેટલું જ મહત્વપૂર્ણ રહેશે.


