ક્રૂડતેલમાં આયાત પરનો આધાર ઘટાડવા સરકારના પગલાઓની સફળતા પર નજર
- ઊભી બજારે - દિલીપ શાહ
- બોમ્બે હાઇમાં ઉત્પાદન વધારવા બ્રિટિશ ટેક્નોલોજીનો સહારો લેવાયો : ટ્રમ્પના આગમન પછી અમેરિકાથી આયાત વધ્યાના નિર્દેશો
ભારતમાં તાજેતરમાં નિકાસ કરતાં આયાતમાં વધુ વૃદ્ધી થતાં દેશની વેપાર ખાધ-ટ્રેડ ડેફીસીટ ઉંચી ગઈ છે. આઝાદીને લાંબો સમય વિતી જવા છતાં હજી ઘણી ચીજોમાં આપણે દરિયાપારથી થતી આયાતો પર આધાર રાખતા રહ્યા છીએ. સરકાર આત્મનિર્ભરતા માટે પ્રયત્નો કરતી રહી છે છતાં આ પ્રયત્નોની સફળતા ધીમી રહી છે. આપણે હજી પણ કઠોળ તથા ખાદ્યતેલોની આયાત કરવી પડે છે. ક્રૂડતેલની બાબતમાં પણ આયાત પર મોટો આધાર આપણે રાખવો પડે છે. ભારતમાં ક્રૂડતેલ તથા ગેસનું ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સરકાર દ્વારા વિવિધ પગલાંઓ ભરાતા જોવા મળ્યા છે. હાઈડ્રો કાર્બન ડિસ્કવરીને પીઠબળ આપવા પ્રોડકશન શેરીંગ કોન્ટ્રેકટની રચના ઘણા સમય અગાઉ સરકારે કરી હતી.
આ પછી ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ પોલીસી પણ બનાવાઈ હતી. આમાં નાના-નાના જથ્થામાં પણ ઓઈલ મળી શકે એ માટે પ્રોત્સાહન આપવાનું સરકારે વિચાર્યું હતું. ૨૦૧૬માં સરકારે હાઈડ્રો કાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઈસન્સીંગ પોલીસી બનાવી હતી. પ્રોડક્શન શેરીંગ કોન્ટ્રેકટને ૨૦૧૬-૧૭માં એકસ્ટેનશન આપવામાં આવ્યું હતું. કોલ (કોલસો) બેડમિથેન એક્સપ્લોર કરવા માટે સરકારે નીતિ બનાવી હતી. નેચરલ ગેસના માર્કેટીંગમાં સરકારે ઘણા સુધારાઓ ૨૦૨૦માં અમલી બનાવ્યા હતા. રોયલ્ટી રેટ ઘટાડીને તથા રેવેન્યુ શેરીંગ રેશિયો હળવો કરીને તથા ઓફફશોર એરિયા વધુ રિલીઝ કરીને એક્સપ્લોરેશન વધારવા સરકારે વિવિધ પ્રોત્સાહનો આ દરમિયાન આપ્યા હતા. ૨૦૨૧-૨૨માં સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડયુટીમાં પણ ઘટાડો કર્યો હતો. એ વખતે વિવિધ રાજ્યોની સરકારે વેલ્યુ એડેડ ટેક્સ વેટના દરોમાં પણ પોઝીટીવ ફેરફારો કર્યા હતા. આઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ પણ ઘટાડયા હતા. ક્રૂડતેલની આયાતમાં વૈવિધ્યીકરણ લાવવા ઉપરાંત ઈથેનોલ બ્લેન્ડીંગમાં વૃદ્ધી કરવા જેવા પગલાંઓ સરકારે ભર્યા હતા. વાહન ભાડામાં રાહત આપવા ઉપરાંત એલપીજી ગેસ સિલિન્ડરો ઓછા ભાવોએ આપવાની યોજના પણ સરકારે શરૂ કરી હતી. ગ્રીન હાઈડ્રોજનને પણ સરકાર પીઠબળ આપી રહી છે. જો કે વિવિધ પગલાંઓ છતાં દરિયાપારથી ક્રૂડતેલની આયાત પરનો આધાર ચાલુ રહ્યો છે. બોમ્બે હાઈમાં ઓઈલનું ઉત્પાદન ૪૪ ટકા તથા ગેસનું ઉત્પાદન ૮૯ ટકા ૨૦૨૭-૨૮ સુધીમાં વધવાની શક્યતા જાણકારો બતાવતા હતકા. ઉત્પાદન વૃદ્ધીની શરૂઆત એપ્રિલથી થઈ જવાની શક્યતા બતાવાઈ રહી છે. તાજેતરમાં બોમ્બે હાઈ ખાતે ઉ ત્પાદન વધારવા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને બ્રિટીશ પેટ્રોલિયમ સાથે ટેકનીકલ સર્વિસ કરારો કર્યાના નિર્દેશો પણ મળ્યા છે. આના પગલે હવે આ ક્ષેત્રમાં આગળ ઉપર ઉત્પાદનમાં અપેક્ષીત વૃદ્ધી થાય છે કે નહિં એ તો આવનારો સમય બતાવી આપશે. બોમ્બે હાઈમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૪૫૪થી ૪૫૫ લાખ ટનથી વધારી ૬૫૪થી ૬૫૫ લાખ ટન તથા ગેસનું ઉત્પાદન ૭૦થી ૭૧ અબજ કયુબીક મીટર્સથી વધારી ૧૧૨થી ૧૧૩ અબજ ક્યુબીક મીટર્સ કરવાની યોજના બનાવાઈ છે. બોમ્બે હાઈ ઓઈલ ફિલ્ડમાં હાલ દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧ લાખ ૩૨થી ૩૩ હજાર બેરલ્સ થઈ રહ્યું છે. તથા દૈનિક આશરે ૧૩ લાખ કયુબીક મીટર્સ ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે.
દરમિયાન, ભારતમાં આ પૂર્વે રશિયાથી ક્રૂડતેલની આયાત વધી હતી પરંતુ અમેરિકામાં ટ્રમ્પના આગમન સાથે ટેરીફ તથા ટ્રેડ વોર શરૂ થતાં ભારતે અમેરિકાથી ક્રૂડની વધુ આયાત કરવા તરફની નીતિ અપનાવવી પડી છે. અમેરિકાએ રશિયા પર પાબંધી વધારી છે.