Get The App

પારિવારિક બચતમાં ઘટાડાથી દેશનો આર્થિક વિકાસ ધીમો પડવાનું જોખમ

Updated: Oct 2nd, 2023

GS TEAM

Google News
Google News
પારિવારિક બચતમાં ઘટાડાથી દેશનો આર્થિક વિકાસ ધીમો પડવાનું જોખમ 1 - image


- તાજેતરના વર્ષોમાં સતત ઊંચા ફુગાવાએ ઘરેલું બચતના સ્તર પર તરાપ મારી છે 

દે વાની ચૂકવણીમાં થઈ રહેલા વધારાને પરિણામે ભારતીય પરિવારોની ખર્ચશક્તિ ઘટી રહી છે એટલું જ નહીં વિવિધ સ્વરૂપમાં નાણાંની બચત પણ ઘટી રહી છે.  દેવાની ચૂકવણી તથા ઉપભોગ  ખર્ચ  બાદ બેન્ક થાપણ, હાથમાં રોકડ અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટસ સહિતની પારિવારિક ફાઈનાન્સિઅલ એસેટસની માત્રા નાણાં વર્ષ ૨૦૨૩માં ઘટી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના ૫.૧૦ ટકા પર આવી ગઈ હતી જે નાણાં વર્ષ ૨૦૨૨ના અંતે ૭.૨૦ ટકા રહી હતી એમ રિઝર્વ  બેન્કના તાજેતરમાં પ્રસિદ્ધ  આંકડામાં જણાવાયું હતું. એક રિપોર્ટ પ્રમાણે પારિવારિક નાણાંકીય એસેટસનું આટલું નીચું સ્તર ૨૦૦૭ બાદ પહેલી વખત જોવા મળ્યું છે. બચતનું સ્તર ઘટતા દેશના આર્થિક વિકાસ માટે આવશ્યક સ્રોતોમાં ઘટાડો થશે. માળખાકીય વિકાસ માટે સરકાર આવા પ્રકારની બચતો પર નિર્ભર રહેતી હોય છે. 

કોરોનાના કાળમાં ભારત સહિત વૈશ્વિક સ્તરે પારિવારિક બચતમાં વધારો થયો હતો. જેનો ઉપયોગ કોરોનાના અંકૂશો ઉઠાવી લેવાયા બાદ વધારાના ખર્ચ કરવા પાછળ જોવા મળ્યો હતો. જેને કારણે મોટાભાગના દેશોના આર્થિક વિકાસ દરમાં વધારો જોવા મળ્યો હતો આને પરિણામે ફુગાવામાં વધારો થયો હતો. ભારતની વાત કરીએ તો છેલ્લા વીસમાંથી ૧૪મહિનામાં ફુગાવો ૬ ટકાથી ઉપર જોવા મળ્યો હતો. ફુગાવાના પ્રમાણમાં  પારિવારિક આવકમાં વધારો નહીં થતાં બચત પર અસર થઈ છે અને ખર્ચ શક્તિમાં પણ ઘટાડો થયો છે. 

કોરોનાના કાળમાં અને ત્યારબાદ નીચા વ્યાજ દરે ધિરાણદારો દ્વારા આક્રમક ધિરાણ નીતિને પરિણામે દેશના પરિવારોના દેવાના સ્તરમાં વધારો થયો છે. નીચા વ્યાજ દર ઉપરાંત બાકી પડેલી માગને કારણે ૨૦૧૯થી ૨૦૨૩ના ગાળામાં બેન્કોનો રિટેલ લોન પોર્ટફોલિઓ લગભગ બમણો થયાનું રિઝર્વ બેન્કના આંકડા પરથી સમજી શકાય છે. 

અર્થતંત્રના નિયમ પ્રમાણે બચત ઈન્વેસ્ટમેન્ટસમાં પરિવર્તીત થાય છે અને ઈન્વેસ્ટમેન્ટસ જે તે દેશના આર્થિક વિકાસને દોરી જાય છે. ભારતમાં બચત તથા ઈન્વેસ્ટમેન્ટસની જીડીપીથી માત્રા ૧૯૫૦-૫૧થી સ્થિર વધી રહી છે. કેટલાક વર્ષોમાં તો પારિવારિક બચત કરતા ઈન્વેસ્ટમેન્ટસનો આંક ઊંચો જોવા મળ્યો છે જેનો અર્થ માત્ર ઘરઆંગણેથી જ નહીં પણ બહારથી પણ ઈન્વેસ્ટમેન્ટસ આવી રહ્યું છે. વર્તમાન સદીના પ્રારંભિક કાળમાં બચત તથા ઈન્વેસ્ટમેન્ટસની જીડીપીથી ટકાવારી અનુક્રમે ૩૭ તથા ૪૦ ટકા જોવા મળી હતી. જો કે ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બચતમાં અને તેને પરિણામે ઈન્વેસ્ટમેન્ટસમાં ઘટાડો દેશના વિકાસ કાર્યો   આગળ ધપાવવાનું મુશકેલ બનાવી શકે છે. 

દેશમાં એકંદર સેવિંગમાં પારિવારિક બચતનો હિસ્સો સૌથી વધુ રહે છે ત્યારે પારિવારિક બચતમાં કોઈપણ ઘટાડો ચિંતાનો વિષય બની રહે તે સ્વાભાવિક છે. ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર પર પહોંચાડવા ઘરઆંગણે તથા વિદેશમાંથી જંગી ઈન્વેસ્ટમેન્ટ આવે તે જરૂરી છે. કોઈપણ દેશમાં સૌથી વધુ રોકાણ માળખાકીય સુવિધા પાછળ થતું હોય છે. માળખાકીય વિકાસ જે તે દેશના આર્થિક વિકાસનું એન્જિન બની શકે છે. દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા ભારતે પણ જંગી માળખાકીય ખર્ચની યોજના બનાવી છે. દેશમાં માળખાકીય સુવિધા પાછળ રોકાણ વધારવા  ઘરેલું  તથા વિદેશી  રોકાણકારોમાં ઉત્સાહ હોવો જરૂરી છે. 

પારિવારિક બચતના નીચા સ્તરને કારણે વ્યાજ દર પર દબાણ આવી શકે છે અને તેની અસર ઈન્વેસ્ટમેન્ટસ પર જોવા મળે છે. પારિવારિક બચતમાં ઘટાડાના કિસ્સામાં સરકાર માટે અન્યત્રથી  નાણાં મેળવવાનું જરૂરી બની જાય છે. એક તરફ સરકાર અને બીજી બાજુ કોર્પોરેટ ક્ષેત્ર પણ આક્રમક બોરોઈંગ કરે તો તેને કારણે વ્યાજ દરમાં વધારો  જોવા મળે છે. 

હાલમાં ફુગાવામાં થયેલા વધારાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે તો જણાય છે કે આ ફુગાવો વધવા માટે ખાધાખોરાકીના ઊંચા ભાવ જવાબદાર છે. ખાધાખોરાકીનો ફુગાવો શાકભાજીના ઊંચા ભાવને કારણે વધ્યો છે આમછતાં શાકભાજી કરતા કઠોળના ઊંચા ભાવ ચિંતાનો ખરો વિષય છે. કડધાન્યના ભાવ પણ ભલે સાધારણ વધ્યા હોય પરંતુ આ ધીમી ગતિના વધારાને અટકાવવામાં નહીં આવે તો તેનાથી ગંભીર સમશ્યા ઊભી થઈ શકે છે. ફુગાવામાં વધારો પારિવારિક બચતો પર અસર કરે છે અને લઘુ બચતોમાં કોઈપણ ઘટાડો છેવટે ઈન્વેસ્ટમેન્ટસને રૂંધે છે. 

નીચી પારિવારિક બચતો વ્યાજ દરમાં વધારો કરાવે છે. પારિવારિક બચતની માત્રા કરતા સરકારના બોરોઈંગનો આંક ઊંચો રહેતો હોય છે. સરકારની સાથોસાથ મૂડી ખર્ચ અથવા માળખાકીય વિકાસ માટે કોર્પોરેટ ક્ષેત્ર પણ બજારમાંથી નાણાં લેવાનું શરૂ કરે તો તેને પરિણામે વ્યાજ દરમાં વધારો થતાં વાર નથી લાગતી. ઘરઆંગણે ઊંચા વ્યાજ દર  તથા નાણાંકીય સ્રોતની નીચી ઉપલબ્ધતાના કિસ્સામાં સરકાર તથા કંપનીઓએ નાણાં મેળવવા વિદેશ તરફ નજર દોડાવવાનો વારો આવે છે, વિદેશમાંથી નાણાં ઊભા કરવાની કવાયતના પરિણામો પણ કંઈક અલગ જોવા મળે છે. કોરોના બાદ ઊંચે ગયેલા ફુગાવાને નીચે લાવવા સરકાર તથા રિઝર્વ બેન્ક સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામો પણ તાજેતરમાં જોવા મળ્યા હતા. જો કે વર્તમાન વર્ષનું ચોમાસુ અનિશ્ચિત રહેતા દેશમાં ખાધાખોરાકીના ભાવ સતત ઊંચા જોવા મળી રહ્યા છે. ફુગાવો નીચે લાવી ઘરેલું બચતમાં વધારો કરવો હશે તો યોગ્ય નીતિની તાકીદે રચના કરવાનું જરૂરી બની ગયું છે. સરકાર તથા દેશના નાણાં ક્ષેત્રના નિયામકોએ ઘરેલુ બચતોને પ્રોત્સાહન મળી રહે તે માટે પહેલ કરવાની જરૂર છે. 

Tags :