આર્થિક તંત્રમાં છ લાખ કરોડ રૂપિયા ઠલવાશે 50 લાખ લગ્નેાના માંડવા સોનાની ખરીદીથી માંડીને ડેકોરેશન સુધીનો ક્રેઝ

- એક મહિના પછી સમાજના દરેક વર્ગને આર્થિક સધ્ધરતા ઉભી કરી આપતી મરેજ સિઝન : છ મહિના પહેલાં તૈયારી થઇ ચૂકી છે
- ગોળ નાખો એટલું ગળ્યું થાય : તેમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન થયેલાથી માંડીને ફૂલો વેચતા ઓછું ભણેલા સુધીના લોકોને કમાણી કરવાની તક ઉભી થતી જોવા મળે છે
- આર્થિક તંત્રમાં થોડી તેજી દેખાતા લોકો મેરેજ સેરીમનીમાં વધુ ખર્ચ પણ કરશે. અહેવાલો અનુસાર માત્ર દિલ્હીમાંજ સાડા ચાર લાખ લગ્નો છે. જેમાં દોઢ લાખ કરોડનો ખર્ચ થવાનો છે. દેવઉઠી અગિયારસથી મેરેજ સિઝનના દ્વાર ખુલી રહ્યા છે
એક મહિના પછી મેરેજ સિઝન શરૂ થઇ રહી છે. આ સિઝનમાં ૫૦ લાખ લગ્નો છે જેના પગલે ભારતના અર્થતંત્રમાં છ ટ્રીલીયન રૂપિયા (૬ લાખ કરોડ રૂપિયા) ઠલવાશે. આ લગ્નો ભપકાદાર લગ્નોની યાદીમાં નથી આવતા. અહીં સેલિબ્રીટીના ભપકાદાર લગ્નો કે ધનાઢ્ય લોકોને ત્યાં થતા લગ્નોને નથી સમાવાયા. મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકો લગ્નોમાં જે પરંપરાગત ખર્ચા કરતા હોય છે તે રકમ છ લાખ કરોડ રૂપિયાની છે.
૧૨ નવેમ્બરથી મેરેજ સિઝન શરૂ થઇ જાય છે. ગયા વર્ષની આ સમયગાળાની મેરેજ સિઝનમાં ૩૫ લાખ લગ્નો થયા હતા અને આર્થિક તંત્રમાં ૪.૨૫ લાખ કરોડ રૂપિયા ઠલવાયા હતા. આ વખતે લગ્નો પણ વધુ છે અને આર્થિક તંત્રમાં થોડી તેજી દેખાતા લોકો મેરેજ સેરીમનીમાં વધુ ખર્ચ પણ કરશે. અહેવાલો અનુસાર માત્ર દિલ્હીમાંજ સાડાચાર લાખ લગ્નો છે. જેમાં દોઢ લાખ કરોડનો ખર્ચ થવાનો છે.
દેવઉઠી અગિયારસથી મેરેજ સિઝનના દ્વાર ખુલી રહ્યા છે. મૂહર્ત અનુસાર તે ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે. જેમના ધેર લગ્ન છે તેમણે અગોતરૂં આયોજન કરીને હોલ બુકીંગ, કેટરીંગ, બ્યુટી પાર્લર, ટેક્ષી બુકીંગ , ડેકોરેશન બુકીંગ, ધરેણાની ખરીદી, કપડાંની ખરીદી, કંકોત્રી, રીટર્ન ગીફ્ટ, ડાન્સ ટીચર વગેરે પર ધ્યાન આપ્યું છે. મેરેજ સિઝન દરમ્યાન તેમાં મેરેજ હોલ, હોટલોના બેન્કવેટ હોલ, સંગીત સંધ્યાની જગ્યા, રોશની, લાઇટ સાઉન્ડ વગેરના બુકીંગ એડવાન્સમાં પેક થઇ ગયા છે.
ડેસ્ટીનેશન વેડીંગ તેમજ શહેરથી દુર ફાર્મ હાઉસ પરના લગ્નોનો મેનિયા વધ્યો હોવાથી આવી જગ્યાઓ છ મહિના અગાઉથી બુક કરી દેવાઇ છે. મેરેજનું પ્લાનીંગ કરનારાઓનો પણ રાફડો ફાટયો છે.મેરેજ સિઝન અનેક વ્યવસાય સાથે સંકળાયેલી છે. સમાજના દરેક સ્તરના લોકો મેરેજ સિઝનમાં કમાતા હોય છે.
લગ્નના ખર્ચાનું ચોક્કસ બજેટ હોય છે પરંતુ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી જાય છે એમ એમ ખર્ચા વધતા જાય છે. મેરેજ લાખ રૂપિયામાં પણ થાય છે અને એક રોડના ખર્ચમાં પણ થાય છે. પરંતુ આ એક એવો ઉત્સવ છેે કે જેમાં એક ધરમાં દિકરીથી વિદાય લે છે તો બીજા ધરમાં દિકરીનો પ્રવેશ થાય છે. બંને કુટુંુંબો ઝાકમઝોળ લગ્નમાં માનતા હોય છે. તેમના નજીકના સંબંધીઓ અને પાડોશી તેમજ બિઝનેસ સાથે સંકળાયેલાઓ કે ઓફિસના લોકોને બોલાવવાની પરંપરા પણ બહુ આવકાર્ય છે. કટુંબ સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા તમામ લોકોને આમંત્રવામાં આવે છે.
કેટલાક કુટુંબો થોડા વધુ પૈસા ખર્ચીને સેલિબ્રીટીને લગ્નમાં બોલાવીને સમારંભ ભપકાદાર બનાવી દે છે. કેટલાકના લગ્નોમાં રાજકારણીઓ આવીને લગ્નોમાં પોતાનો પ્રભાવ વધારે છે. મેરેજનું પ્લાનીંગ કરનારાઓ નવા કોન્સેપ્ટ લાવતા હોય છે. મોટાભાગના લગ્નોના કોન્સેપ્ટ બોલીવૂડની ફિલ્મોમાં દર્શાવાતા લગ્નો તેમજ સેલિબ્રીટીના લગ્નો આધારીત જોવા મળે છે. મોટા ભાગના લગ્નોમાં હવે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ ફીક્સ બનતો જાય છે. સંગીત સંધ્યામાં ફેમિલીના દરેક નાના મોટા સભ્યો સ્ટેજ ડાન્સ કરીને આનંદ લૂંટતા હોય છે. આ પ્રોગ્રામ માટે એક મહિના પૂર્વે તૈયારીઓ ચાલતી હોય છે. ડાન્સ શીખવાડવા આવતા અને ક્યા થીમ પર ડાન્સ કરવો તેનું વિશેેષ બજેટ ફાળવવામાં આવે છે. એવું નથી કે ઝાકમઝાળ લગ્નો માત્ર મેટ્રેા સિટીમાં કે મોટા શહેરોમાં થાય છે. ટાઉન લેવલે પણ લગ્નો પાછળ ધૂમ પૈસો વપરાતો હોય છે.
લગ્નના ડ્રેસીંગ માટેનો ક્રેઝ વધ્યો છે. એક સમય હતો કે જ્યારે મેરેજ વખતે ઘેર ટેલર (દરજી) બેસાડાતા હતા પરંતુ આજે સમય સાવ જ પલટાયો છે. સ્ટાયલીસ્ટ ડ્રેસ અને જનરેશન ઝેડની યાદીમાં આવતા બ્રાઇડના ડ્રેસની કિંમત લાખોમાં અંકાય છે. લગ્નના વિવિધ પ્રસંગોમાં બ્રાઇડે શું પહેરવું તેના સલાહકારોની ટીમ કામ કરતી હોય છે. જોકે મધ્યમ વર્ગમાં સાડી તેમજ લહેંગા-ચોલીને મહત્વ અપાય છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીને ત્યાં લગ્નમાં સેલિબ્રીટી શું પહેરીને આવી હતી અને તેમની બેસવાની સ્ટાઇલ કેવી હતી તેની વિડિયો ગ્રાફી પરથી લોકો લગ્નમાં શું પહેરવું તે પસંદ કરતા હોય છે. મુકેશ અંબાણીને ત્યાં સ્ટાઇલ આઇકોન જ્હાનવી કપુરના ડ્રેસનું અનુકરણ કરાતું જોવા મળી રહ્યું છે.લગ્નમાં માત્ર નવવધુ અને વરરાજા શું પહેરશે તેનું જેટલું મહત્વ છે એટલુંજ મહત્વ તેમના નજીકના સંબંધીઓ શું પહેરશે તે પર પણ હોય છે. વરધોડામાં વરરાજાની સાથે દરેકને મેચીંગ સાફા પહેરવાની ફેશન પણ કાયમી બની ગઇ છે.
મેરેજ પ્લાન કરાવનારા નવા કોન્સેપ્ટ લાવતા હોય છે. તે બધાજ ખર્ચાળ હોય છે પરંતુ તે આર્થિક તંત્રમાં તેજીનો સંચાર કરનારા હોય છે.
એવીજ રીતે લગ્ન પહેલાંની ફોટોગ્રાફી પાછળનો નવો કોન્સેપ્ટ ઉભો થયેલો છે. મેરેજની ફોટોગ્રાફીમાં એન્ગેજમેન્ટ ફોટો, પ્રી વેડીંગ, સંગીત સંધ્યા, રીસેપ્શન, લગ્ન, વિદાય વગેરે પ્રસંગોને આવરી લેતું પેકેજ હોય છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમજ હવે ડ્રોન મારફતે ફોટોગ્રાફીનો મેનિયા વધુ જોવા મળી રહે છે.
એવીજ રીતે તાજા ફૂલો, કાર શણગારવી, લગ્ન મંડપમાં એન્ટ્રી વખતનો શણગાર વગેરે પણ એડવાન્સ બુક કરાવવા પડે છે. આ વર્ગ માટે પણ મેરેજ સિઝન ચાંદી સમાન હોય છે.
હવેના સમયમાં સોશ્યલ મિડીયા પાછળ પણ મેરેજનું બજેટ ફાળવવામાં આવે છે સોશ્યલ મિડીયા પર કંકોત્રી, રીમાઇન્ડર, કાર બુકીંગ, લાઇવ લોકેશન વગેરે મોકલવામાં આવે છે. ભપકાદાર લગ્નોમાં કંકોત્રી પાછળ વિશેષ ખર્ચ કરાય છે. કેટલાક લોકો ચીલાચાલુ ડિઝાઇનની કંકોત્રી છોડીને તેના માટે સ્પેશ્યલ આર્ટીસ્ટ બોલાવીને કંકોત્રી તૈયાર કરાવે છે. દરેક કંઇક નવું કરવા મથે છે અને લોકોમાં તેમની વાહવાહી ઉભી થાય તેવા પ્રયાસ કરે છે.
જમવામાં ૨૫૦ રૂપિયાની ડીશનો જમાનો ગયો, હવે મિનીમમ હજાર રૂપિયાની ડીશનો ટ્રેન્ડ શરૂ થયો છે. સવાર સાંજ નાસ્તો, ડ્રીંક્સ વગેરે તો સાવ સામાન્ય વાત બની ગઇ છે. રીટર્ન ગીફ્ટનો કોન્સેપ્ટ જોર પકડતો જાય છે.
આવી વાહવાહી ઉભા કરવાના પગલે તો ભારતના અર્થતંત્રમાં છ લાખ કરોડ રૂપિયા ઠલવાવાના છે. સમાજના દરેક સ્તરને કમાણી કરી આપતી મેરેજ સિઝન હવે એક ઉદ્યોગ સમાન બની ગઇ છે. કોઇ ઉદ્યોગ એવો નથી કે જેમાં તેની એકજ સિઝનમાં છ લાખ કરોડ બજારમાં ઠલવાતા હોય.
લગ્નની પ્રથા પાછળનું એક કારણ દરેક વર્ગની આર્થિક સ્થિતિ સધ્ધર બનાવવાનું હોઇ શકે છે. તેમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન થયેલાથી માંડીને ફૂલો વેચતા ઓછું ભણેલા સુધીના લોકોને કમાણી કરવાની તક ઉભી થતી જોવા મળે છે.ટૂંકમાં ગોળ નાખો એટલું ગળ્યું થાય.
અહીં મહત્વની વાત એ છે કે મેરેજ એવો પ્રસંગ છે કે તેમાં ગમે એટલા રૂપિયા ખર્ચો પણ તે યોગ્ય ગણાય છે અને તે સમગ્ર ફેમિલી સર્કલને આનંદથી ઝૂમવાની તક ઉભી કરી આપે છે સાથે સાથે રૂપિયાને ફરતો કરે છે.

