2025..બિઝનેસ ક્ષત્રે જોખમનું પડીકું
- અર્થતંત્ર સામે અનેક પડકારો મ્હોં ફાડીને ઉભા છે,મંદી ખેંચી લાવશે
- વૈશ્વિક સમસ્યાઓ પહેલીવાર ભારત સામે મોટા પડકાર રૂપે આવી રહી છે. કેટલાક પડકારો અદ્રશ્ય રહીને આર્થિકતંત્રને ગૂંગળાવી શકે છે. ઉદાહરણ તરીકે ચીન અને તાઇવાનનો વિવાદ વકરશે તો તેની અસર ભારતના એક્સપોર્ટ બિઝનેસ પર પડશે.
- સૌથી મોટુ જોખમ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ટેરિફ વોર પર છે. ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યાં છે કે અમે ભારતના માલ પર વધુ ટેરિફ લાદીશું. જો આમ થશે તો ભારતના એક્સપોર્ટ પર તેની અસર થશે. જેથી ભારતમાં ઉત્પાદન ઘટશે
૨૦૨૫નું વર્ષ આર્થિક અને બિઝનેસ ક્ષેત્રે કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે. આર્થિક નિષ્ણાતોની નજરે ૨૦૨૫નું વર્ષ જોખમના પડીકા સમાન છે. અનેક પડકારો આર્થિક તંત્ર સામે મ્હોં ફાડીને ઉભા છે. ૨૦૨૪ના વર્ષમાં ભારતના આર્થિક તંત્ર પાસે તકો વધારે હતી અને પડકારો ઓછા હતા પરંતુ ૨૦૨૫માં તકો બહુ ઓછી છે અને ગૂંચવાડો ઉભો કરી શકે એવા પડકારો છે.
ભારતના આર્થિક તંત્રને ખોખલું કરતી અનેક બગીઓ ચોંટેલી છે. બાહ્ય પરિબળો કરતાં આંતરીક પરિબળો ભારતના આર્થિક તંત્રને પરેશાન કરી શકે છે. જેવી કે બેરોજગારી, છાશવારે ઉભા થતા મંદિર-મસ્જીદ વિવાદો, રાજકીય હૂંસા તૂંસી અને મંદીના વાદળો વગેરે આર્થિક વિકાસને રોકી રહ્યા છે.
વૈશ્વિક સમસ્યાઓ પહેલીવાર ભારત સામે મોટો પડાકાર રૂપે આવી રહી છે. કેટલાક પડકારો અદ્રશ્ય રહીને આર્થિક તંત્રને ગૂંગળાવી શકે છે. ઉદાહરણ તરીકે ચીન અને તાઇવાનનો વિવાદ વકરશે તો તેનીઅસર ભારતના એક્સપોર્ટ બિઝનેસ પર પડશે. એવીજ રીતે સાયબર ક્રિમિનલ ગેંગ વિદેશમાં બેસીને ઓપરેટ કરી રહ્યા છે. અનેક દેશો સાયબર ગેંગને પ્રોત્સાહન આપતી હોય તેમની આળપંપાળ કરતા હોય છે.કોમનમેન વધારાની આવક સાથે જે માની બિઝનેસ સાથે સંકળાયેલો છે તે શેરબજાર પણ દગો દઇ શકે છે.
૨૦૨૫માં ગ્લોબલ વોર્મીંગની સમસ્યા વધુ જટીલ બની શકે છે.અચાનક આવતાં પૂર, ચક્રવાત, સખત્ત ગરમી કે ઠંડી જેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. જેના કારણે મોટી જાનહાની, માનવ સંહાર જોવા મળી શકે છે. તેમજ કૃષિ ઉત્પાદનોને ફટકો પડશે. ગ્લોબલ વોર્મીગના મુદ્દે દરેક દેશો વાતો મોટી કરે છે પરંતુ અમલીકરણની બાબતમાં દરેક એકબીજા પર દોષા રોપણ કર્યા કરે છે. જેના કારણેે ભારત જેવા દેશોને કૃષિ ઉત્પાદન જેવી બાબતોમાં ફટકો પડે છે. ૨૦૨૫માં આવા ફટકા માટે ભારતે તૈયાર રહેવું પડશે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ બહુ લાંબુ ચાલ્યું છે. ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું છે કે ૨૦ જાન્યુઆરીએ હું સત્તા પર આવીશ ત્યારે બંને દેશોે વચ્ચે સમાધાન કરાવીશ. પરંતુ યુધ્ધ કરતા બંને દેશો હવે લડી લેવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે. આ યુધ્ધ વિશ્વના અર્થતંત્રને ડામાડોળ કરી શકે છે.
હજુ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલુ છે ત્યાંજ ચીન અને તાઇવાન વચ્ચે તણખા ઝરી રહ્યા છે. જો ચીનના નેતૃત્વ હેઠળ એશિયામાં કોઇ વોર ઉભી થશે તો તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડી શકે છે. ચીન અને તાઇવાન વચ્ચે વોર થાય તો ભારત માટે તે આર્થિક ક્ષેત્રે ફટકા સમાન સાબિત થઇ શકે છે.
સૌથી મોટુ જોખમ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ટેરિફ વોર પર છે. ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે અમે ભારતના માલ પર વધુ ટેરિફ લાદીશું. જો આમ થશે તો ભારતના એક્સપોર્ટ પર તેની અસર થશે. જેથી ભારતમાં ઉત્પાદન ઘટશે.
૨૦૨૪ના છેલ્લા પખવાડિયામાં શેરબજારની ડામોડાળ સ્થિતિથી રોકાણકારો પરિચિત છે. વિદેશી રોકાણકારોની ચાલે બજારોને મોટો ફટકો માર્યો હતો. ભારતનું શેરબજાર લજામણીના છોડ જેવું સાબિત થઇ રહ્યું છે. વૈશ્વિક ઘટનાઓની સીધી અસર ખાસ કરીને યુધ્ધ જેવી સ્થિતિમાં તો શેરબજાર ડામાડોળ બની જાય છે. ભારતના રોકાણકારોમાં ૫૦ ટકાથી વધુ તો મધ્યમ વર્ગના રોકાણકારો છે. શેરબજારનો ઇન્ડેક્સ એક લાખને વટાવશે જેવી ભ્રમણા ફેલાવતો માટો વર્ગ છે. આમ કહીને તે શેરબજારમાં રોકાણ કરવા લોકોને લલચાવે છે.
આ એવા રોકાણકારો છે જે તેમની સ્ક્રીપ્ટમાં થોડો ઉછાળો જોવા મળે તો પણ સંતોષ માને છે. આવા રોકાણકારોને સાયબર ચોરો ટાર્ગેટ બનાવે છે. ૨૦૨૪માં વધુ વળતરની લોલીપોપ આપીને લાલચુ રોકાણકારોના લાખો રૂપિયા ખંખેરી લીધા છે. આવા સાયબર ચોરો ઉંચે આકાશમાં ફરતી સમડી સમાન હોય છે. ઇન્ટરનેટ પર લોકો શું સર્ચ કરે છે તેના પરથી તેની લાલચનો પ્રકાર નક્કી થતો હોય છે. સાયબર ચોરો તેને આસાનીથી ટાર્ગેટ બનાવી શકે છે.
૨૦૨૫માં આ સાયબર ચોરો વધુ સક્રીય બનશે કેેમકે પોતાનો ટાર્ગેટ શોધવા તે હવે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરતા થયા છે. ૨૦૨૫માં આ સાયબર ચોરો વધુ સક્રીય બનશે કેેમકે પોતાનો ટાર્ગેટ શોધવા તે હવે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરતા થયા છે. ૨૦૨૫માં સાયબર ઠગો અનેક નવી સ્કિમો લઇને આવશે અને સોશ્યલ નેટવર્કનો ટેકો લઇને લોકોને ફસાવશે. જ્યારે રોકાણકારોના બચાવ પક્ષે સાયબર પોલીસ આવે ત્યાં સુધીમાં તેમના બેંક બેલેન્સ ખાલી થઇ જશે.
૨૦૨૫ને બિઝનેસ ક્ષેત્ર માટે જોખમના પડીકા સમાન ગણવા માટેનું એક પરિબળ ડેાલર સામે તૂટતો રૂપિયો પણ છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૮૫.૧૨ પૈસા હતો. નબળા રૂપિયાની સીધી અસર વેપાર પર થાય છે. સરકાર તેના ગંભીર પરિણામોથી અજાણ નથી પરંતુ તુટતા રૂપિયાના કિસ્સામાં સરકારની લાચારી જોવા મળે છે.
ખાઇમાં ગબડતા રૂપિયાને અટકાવવાના કોઇ અસરકારક પગલાં લેવાતા નથી અથવા તો સરકાર પાસે તે માટેના કોઇ અસરકારક આઇડયા નથી એમ કહી શકાય. ગબડતો રૂપિયો દેશની શાખ ઘટાડી રહ્યો છે કહે છે કે ૨૦૨૫માં રૂપિયો વધુ નબળો પડીને ભારતના એક્સપોર્ટ ક્ષેત્રને દઝાડશે.
એક તરફ વૈશ્વિક અનિશ્ચિતતા, બીજી તરફ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ વાળી નિતી અને ત્રીજી તરફ નબળો રૂપિયો એ ભારતના આયાત નિકાસના ટાર્ગેટનો ફિયાસ્કો કરી શકે છે અને ખાધ વધારી શકે છે.ભારતમાં ગ્રામીણ અર્થતંત્રને ઉંચું લાવવાના પ્રયાસને બહુ સફળતા મળતી હોય એમ લાગતું નથી. પ્રાઇવેટ કંપનીઓ ગામડામાં જઇ તેમની ખરીદ શકિતનો લાભ ઉઠાવી રહ્યા છે. ઇ કોમર્સ કંપનીઓ ટાઉન લેવલે સક્રીય બની છે. યુપીઆઇ પેમેન્ટથી કરતી લેવડ દેવડ ટાઉન લેવલે વધી છે. ગામડામાં બેંક એકાઉન્ટોની સંખ્યા વધી છે પરંતુ તે માોટા ભાગે સરકારી સ્કીમના પૈસા જમા લેવા માટે વપરાય છે.
ગામડામાં ઉચ્ચ શિક્ષણ માટેની સવલતોના ધાંધીયા છે. જેથી ગામડાના પરિવારોના માથે શિક્ષણના ખર્ચાનો બોજ પડે છે. ૨૦૨૫માં સરકારે ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મુકવાની જરૂર હોવાનું આર્થિક નિષ્ણાતો કહી રહ્યા છે.
વર્ષની શરૂઆતમાં ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકી જો ખરેખર અમલમાં મુકાશે તો તે ભારતના એક્સપોર્ટ ક્ષેત્રને તમ્મર લાવી દેશે. ભારત પર પોતે ટેરિફનું શસ્ત્ર ઉગામશે એમ કહેનાર ટ્રમ્પ હવે અમેરિકા ફર્સ્ટવાળી નિતીને વળગી રહ્યા છે. નાના દેશોને તો ટ્રમ્પ સીધીજ ધમકી આપી ચૂક્યા છે.
ડોલરની સામે બીજી કરંસી ઉભી કરવાનો આઇડયા ફરતો કરનારા બ્રિક્સ દેશોને પણ ટ્રમ્પ તતડાવી ચૂક્યા છે.ચીનમાં કોરોના જેવો વાઇરસ પ્રવેશ્યો છે જે અન્ય દેશોમાં પ્રસરીને ફરી કોરોનાની યાદ અપાવી શકે એમ ચર્ચાઇ રહ્યું છે.
રોજીંદી ચીજોના ભાવ વધારો કાબુમાં રાખવાની કોઇ ચાવી સરકાર પાસે નથી. સરકાર બહાર સ્ટોક હોવાના દાવા કરે છે પરંતુ રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતી ખોરાકી ચીજોના ભાવો સતત વધ્યા કરે છે જે સીલસીલો ૨૦૨૫માં સરકાર વિરૂધ્ધની નારાજગીમાં વધારો કરી શકે છે.