રાખડી બનાવવાના હુન્નર ઉદ્યોગમાં પણ કાઠું કાઢતી શ્રમજીવી ગૃહિણીઓ
- રોજીંદા ગૃહકાર્યોની સાથોસાથ
- પરિવારજનોના જીવન નિર્વાહમાં આર્થિક ટેકો આપતી સ્વનિર્ભર મહિલાઓ
ભાવનગર, તા. 26 જુલાઈ 2020, રવિવાર
શ્રાવણ માસના પર્વ સમુહ દરમિયાન આવતી ભાઈ બહેનના નિર્મળ પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વ નિમીતે ગોહિલવાડની બજારોમાં અવનવી વેરાયટીઓની અઢળક રાખડીઓનું બજારોમાં ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. આ કલાત્મક રાખડીઓ બનાવતી શ્રમજીવી મહિલાઓએ હુન્નર ઉદ્યોગમાં કાઠું કાઢયુ છે. અને પરિવારજનોના જીવન નિર્વાહમાં આર્થિક ટેકો આપી અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડી રહી છે.
હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત મહત્વની ગણાતી શ્રાવણી પૂનમ ઢુંકડી આવી પહોંચી છે ત્યારે બજારોમાં ઢગલામોઢે વેચાઈ રહેલી રાખડીના ગૃહ ઉદ્યોગની સાથે સંકળાયેલા મહેનતકશ પરિવારોની કહાની પણ રસપ્રદ છે.બેરોજગારી અને ગરીબીના અજગર ભરડામાં ભીંસાતા અસંખ્ય મધ્યમ વર્ગીય પરિવારજનો માટે આર્શિવાદરૃપ આ હુન્નર ઉદ્યોગની સાથે ફકત વેપારી વર્ગ જ નહિ બલકે અન્ય શ્રમિકો પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે. શહેરના કણબીવાડ, ભગાતળાવ, કરચલીયાપરા, વડવા, બોરતળાવ,ભરતનગર અને આનંદનગર સહિતના અનેક વિસ્તારોમાં વસતા અસંખ્ય ગરીબ અને મધ્યમવર્ગીય તમામ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનો રાખડી સહિતના સીઝનલ ધંધામાં વ્યસ્ત છે. આ સંઘર્ષશીલ પરીવારો જથ્થાબંધ વેપારીઓ પાસેથી રાખડીની બનાવટમાં ઉપયોગી રંગબેરંગી રેશમી અને સાદા દોરા,કાચ,મોતી,જરી, ટીકા,ટીકી,ગુંદર, સહિતની અઢળક રો-મટીરીયલ્સ લઈ આવે છે અને ફાજલ સમયમાં સુચના મળ્યા મુજબની રાખડીઓ તૈયાર કરી ડઝન લેખે પ્લાસ્ટીકમાં પેક કરીને જે તે વેપારીઓને પરત કરતી હોય છે. તેઓને આ કામમાં અન્ય પરિવારજનો પણ સહાયરુપ થતા હોય છે. તેઓને એક-એક રાખડી લેખે અલગ અલગ રકમનુ મહેનતાણુ રોકડ સ્વરૃપે ચૂકવાય છે. હાલ ભાવનગર શહેરમાં અંદાજે ૨૫૦ થી વધુ શ્રમિક ગૃહિણીઓ આ વ્યવસાયમાં વ્યસ્ત છે. રાખડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ સામાન્ય રીતે દિપાવલી પર્વસમુહ સંપન્ન થયા બાદ શરૃ થાય છે.રાખડીની બનાવટમાં ઝાઝી કડાકુટ રહેતી હોય અને અગાઉની તુલનામાં આ ગૃહ ઉદ્યોગમાં હવે ખાસ કમાણી ન હોય શ્રમજીવી મહિલાઓની સંખ્યા ક્રમશ ઘટતી જાય છે.