Get The App

આજે ફ્રેન્ડશીપ ડે : 'મિત્રતા' એટલે લોહીનો નહીં આત્માનો અતૂટ નાતો

- આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક બંધ એટલે ભાઈબંધ...!

- સુખમાં સદા પાછળ, દુઃખમાં હરહંમેશા આગળ રહે એનું નામ જ ભેરૂ, કોરોનાને કારણે ઉજવણી ફીકી પડી, ફ્રેન્ડશીપ બેલ્ટ-ગિફ્ટની બજારમાં ખરીદી માત્ર ૨૦ ટકા

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
આજે ફ્રેન્ડશીપ ડે : 'મિત્રતા' એટલે લોહીનો નહીં આત્માનો અતૂટ નાતો 1 - image

ભાવનગર, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર

'આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક બંધ એટલે ભાઈબંધ...!' મિત્ર, સખી-સખા, ફ્રેન્ડઝ, ભાઈબંધ, ભેરૂ.. આ સબંધ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ છે. મિત્રતા લોહીના સબંધથી નહીં પરંતુ આત્માના અતૂટ નાતાથી જોડાઈ છે. આવા મિત્રતાના નિઃસ્વાર્થ સબંધની લાગણીને દર્શાવતા ફ્રેન્ડશીપ ડેની આવતીકાલે રવિવારે ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોનાના કહેરને કારણે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી ફીકી પડી ગઈ છે. જેની અસર ગિફ્ટ માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

સુખમાં સદા પાછળ, દુખીમાં હરહંમેશા આગળ રહે એનું નામ જ ભેરૂ છે. ત્યારે આવા ભેરૂ, મિત્ર, સખી-સહેલી, ભાઈબંધ પ્રત્યે લાગણી દર્શાવવાનો અવસર એટલે ફ્રેન્ડશીપ ડે. દર વર્ષે ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિના આ અવસરને ભાવનગરનું યુવાધન પણ ખૂબ જ ઉત્સાહથી મનાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો અગાઉથી જ શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહેવા માંડે છે. સાથે ફ્રેન્ડશીપ ડેના દિવસે યુવાન-યુવતીઓ તેમના પાક્કા ભાઈબંધ-બહેનપણીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ગિફ્ટ આપે છે. પાછલા વર્ષોની તુલનામાં આ વર્ષે ફ્રેન્ડશીપ ડેની ઉજવણીનો ઉત્સાહ ઓછો થયો છે.

કોરોનાને કારણે એક તરફ સ્કૂલ-કોલેજ, ટયુશન ક્લાસીસ બંધ છે, તો લોકો સામાજિક અંતર પણ જાળવી રહ્યા છે. તેના કારણે ગિફ્ટ શોપોમાં ફ્રેન્ડશીપ ડે બેલ્ટ અને ગિફ્ટની ખરીદી માત્ર ૨૦ થી ૨૫ ટકા જ રહી હોવાનું ગિફ્ટ શોપના સંચાલકે જણાવ્યું છે. ચાર દિવસ અગાઉ જેટલા ફ્રેન્ડશીપ બેલ્ટની ખપત થાય છે, તેનાથી અડધા ફ્રેન્ડશીપ બેલ્ટ કે ગિફ્ટની ખરીદી છેલ્લા કલાકોમાં પણ જોવા મળી શકી ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.