ભાંભણના યુવાને પ્રેમિકા, પ્રેમિકાના ભાઈના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
- સુસાઈટ નોટ અને વીડિયો બનાવી ટ્રેન નીચે પડતું મુકી દીધું
- હીરાના કારખાનેદારનું 25 લાખનું કરી ગયા બાદ વધુ રૂપિયાની માંગણી કરી ભાઈ-બહેન મારી નાંખવા ધમકી આપતા
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના ભાંભણ ગામે રહેતા નિતેશભાઈ મનજીભાઈ વડોદરિયા (ઉ.વ.૩૫) ગામમાં જ હીરાનું કારખાનું ચલાવતા હોય, જ્યાં હીરા ઘસવા આવતી યુવતી વિરલબેન ઉર્ફે વિરૂબેન હીરાભાઈ માલકિયા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે લગ્નેત્તર સબંધ બંધાયો હતો. દરમિયાનમાં યુવતીએ પૈસાની લાલચમાં જ નિતેશભાઈને પ્રેમજાળમાં ફસાવ્યા હોય, વિરલેન અને તેના ભાઈ શરદ ઉર્ફે ભયલુ હીરાભાઈ માલકિયા (રહે, બન્ને ભાંભણ, તા.બોટાદ)એ અવાર-નવાર પૈસા પડાવી લઈ વધુ રૂપિયાની માંગણી કરી જો પૈસા ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. જેના કારણે નિતેશભાઈ વડોદરિયા મનોમન મૂંઝાઈ જિંદગીથી કંટાળી ગયા હોય, પૈસાના ભૂખ્યા ભાઈ-બહેનથી કેમ પીછો છોડાવવો ? તેની ગતાગમ ન પડતા આખરે પોતાની જ જિંદગીનો અંત આણવાનું નક્કી કરી ગત તા.૬-૩ના રોજ સાંજના ૫-૪૦ કલાકે ભાંભણ ફાટક પાસે બોટાદ તરફ આશરે ૨૦૦ મીટર દૂર જઈ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત વ્હોરી લીધો હતો.
યુવાને આત્મહત્યા પહેલા એક સુસાઈટ નોટ લખી હતી. જેમાં પ્રેમિકા વિરલબેન અને તેનો ભાઈ શરદ ઉર્ફે ભયલુ અવાર-નવાર કોઈપણ બહારે ઘરે રૂબરૂ આવી અને ફોનમાં પૈસાની માંગણી કરી હેરાન-પરેશાન કરી ધમકી આપતા હોય તેમજ બન્નેએ ભેગા મળી યુવાનનું ૨૫ લાખ રૂપિયાનું કરી નાંખ્યાનું અને તે જ માનસિક ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું લખ્યું હતું. સુસાઈટ નોટ લખ્યા બાદ મૃતક યુવાન નિતેશભાઈએ આપઘાત અંગેનો વીડિયો બનાવી વીડિયો તેમજ સુસાઈટ નોટ તેમની પત્નીના વોટ્સએપ નંબર પર મોકલી હતી. જેના આધારે મૃતકના પત્ની શોભનાબેન નિતેશભાઈ વડોદરિયા (ઉ.વ.૩૩)એ ગઈકાલે ગુરૂવારે રાત્રે પતિને ધમકી આપી મરવા મજબૂર કરનાર વિરલબેન ઉર્ફે વિરૂબેન માલકિયા અને તેના ભાઈ શરદ ઉર્ફે ભયલુ હીરાભાઈ માલિકયા વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૬, ૫૦૬ (ર), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નેત્તર સબંધે વધુ એક યુવાનનો ભોગ લીધો
બોટાદ પંથકમાં છેલ્લા બે માસની અંદર જ લગ્નેત્તર સબંધે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. ૧૫મી જાન્યુઆરીના રોજ બોટાદના એક યુવાનને સગી સાળી સાથે આડા સબંધ બંધાયા બાદ તેની પૈસાની લાલસા અને જરૂરિયાતો પૂરી કરવા વ્યાજના કૂવામાં ઉતરવું પડયું હતું અને ત્યારબાદ પ્રેમિકા સાળી અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટના હજુ લોકોના માસનપટ પરથી ભૂસાઈ નથી. ત્યાં ભાંભણ ગામે પણ લગ્નેત્તર સબંધ-રૂપિયાની માંગણીમાં હીરાનું કારખાનું ચલાવતા યુવાનને આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
દૂધ લેવા જવાનું કહીં યુવાન ઘરેથી નીકળ્યો હતો
ભાંભણ ગામે રહેતા નિતેશભાઈ ગત તા.૬-૩ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી દૂધ લેવા જવાનું કહીં નીકળી ગયા બાદ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. સાડા ચાર કલાક જેટલો સમય થવા છતાં પતિ ઘરે ન આવતા શોભનાબેનએ ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સંપર્ક ન થતાં તેણીએ વોટ્સએપમાં મેસેજ ચેક કરતા પતિએ મોકલેલો સુસાઈટ નોટ અને વીડિયો મળી આવ્યો હતો.