For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાળંગપુરધામને સાંકળતા માર્ગો પરથી ગંદકી હટાવવા તંત્ર ઉદાસીન

Updated: Oct 15th, 2022

Article Content Image

- યાત્રાધામના બ્યુટીફિકેશન અંગે મંત્રીને રજુઆત

- કોઝવેના પુલ બનાવવામાં આવે તો ચોમાસામાં અનેક રસ્તાઓ ખુલ્લા જ રહે તેમ છે

બોટાદ : બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ વિખ્યાત યાત્રાધામ સાળંગપુરધામમાં ગંદકીના સામ્રાજય છવાયેલા હોય યાત્રિકોને અવર-જવરમાં પારાવાર હાલાકી વેઠવી પડે છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ અંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સત્તાધીશોની લાપરવાહી યાત્રિકોમાં ટીકાને પાત્ર બની છે.

બોટાદ જિલ્લામાં આવેલ શ્રધ્ધેય યાત્રાધામ સાળંગપુરધામમાં પ્રતિદિન દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડે છે. એટલુ જ નહિ, શનિવાર અને પુનમના દિવસે તેમજ તહેવારોમાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે.બોટાદથી સાળંગપુર રોડ પરના સેંથળી ગામની બહાર નિકળતા ગંદકીથી ભરેલો ઉકરડો રોડ પર જ ફેલાયેલ છે.તેમજ સાળંગપુરમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના દરવાજા સામે પણ ઉકરડો વિકસી રહ્યો છે તેમજ દુષિત પાણી સતત વહી રહ્યુ છે. સાળંગપુરમાં પ્રમુખસ્વામીની વાડીની સામેના ભાગે જમણા હાથથી લઈને છેક નારણકુંડ સુધી ખુલ્લી ગટર છે. જયાં વરસાદી તથા અન્ય ગટરનું પાણી ભરાયેલુ રહે છે. આ ગટરને આર.સી.સી.થી ચારે બાજુથી બાંધી લેવામાં આવે તો કાયમી ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલાય અને સુંદરતા વધે તેમ છે. તેમજ અહિં જે રોડ પરના ઉકરડાઓ બંધ કરવામાં આવે તે આવશ્યક છે. સાળંગપુરને જોડતા તમામ રસ્તામાં આવતા કોઝવેના પુલ બનાવવામાં આવે તો ચોમાસામાં આ રસ્તાઓ ખુલ્લા જ રહે જેમાં સાળંગપુરથી નારાયણકુંડ થઈને એક રસ્તો લાઠીદડ તરફ જાય છે. આ રસ્તો અડધો ફુટ ખોદીને ક્રોકીંટ કરીને ડબલપટ્ટી કરાય તો ટ્રાફિકને અનુકુળ પડે તેમ છે તેમજ સેંથળી થઈને સમઢીયાળા નં.૧ ને જોડતા રસ્તા પર પણ ડબલપટ્ટી કરાય તો બોટાદ બરવાળાના માર્ગનું ટ્રાફિકનું ભારણ ઘટી જાય તેમ છે. આ ઉપરાંત બી.એ.પી.એસ.ના ગેટની અંદર બંને મંદિરે જતા જુના રસ્તામાં આવતી મજારમાં ડીપ  પર પુલ બનાવીને કાયમી પ્રશ્ન હલ કરવો જોઈએ. સાળંગપુરધામને ગંદકીથી દૂર કરી સુંદરતાથી મઢવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ શિવસેનાના અગ્રણીએ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. 


Gujarat