ગરીબના ઘરનો ચુલો માંડ સળગે છે ત્યારે તંત્ર માસ્કનો દંડ વસુલે છે
- વૈશ્વીક મહામારી કોરોનાની વિષમ પરિસ્થિતીમાં
- રસ્તા પર ચાલતા રાહદારીઓને માસ્ક પહેરાવી રૂપિયા ૨૫ કે ૫૦ ચાર્જ વસુલ કરવા માગણી
ભાવનગર, મંગળવાર
વૈશ્વીક મહામારી કોરોનાની વિષમ પરિસ્થિતીમાં ગરીબના ઘરનો ચુલો માંડ સળગે છે ત્યારે તંત્ર રસ્તા પર ઉભા રહી માસ્ક વગરના લોકોને પકડી દંડ વસુલે છે. વિષમ પરિસ્થિતીમાં માસ્ક જરૂરી છે પરંતુ બેકારીનો સામનો કરતા લોકો પાસે તગડો દંડ વસુલવો યોગ્ય નથી ત્યારે લોકોને માસ્ક પહેરાવી તેનો રૂા. ૨૫ કે ૫૦ ચાર્જ વસુલી જાગૃતતા લાવવા માગ કરવામાં આવી છે.
હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી લોકો ત્રાહીમામ છે અને છેલ્લા ૪ માસથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ધંધો રોજગાર વગર બેકારીનો સામનો કરી રહ્યાં છે. આવી પરિસ્થિતીમાં ગરીબના ઘરનો ચુલો માંડ સળગે છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી પણ છે. પરંતુ રસ્તા પર ઉભા રહી માસ્ક વગરના લોકોને પકડી દંડ સ્વરૂપે ૨૦૦થી ૫૦૦ રૂપિયા વસુલે છે. આ મુદ્દે વીર માંધાતા કોલી સમાજ સંગઠને માંગ કરી હતી કે ગરીબી અને બેકારીનો સામનો કરી રહેલ લોકો પાસેથી હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દંડ વસુલવો યોગ્ય નથી. કારણ કે ભુલથી કે અજાણતાથી માસ્ક નહીં પહેરનાર લોકોને પોલીસ ડીપાર્ટમેન્ટ કે કોર્પોરેશનનો સ્ટાફ આવા ચેકીંગ સમયે પોતાની સાથે માસ્કનો સ્ટોક રાખી અને માસ્ક નહીં પહેરનાર લોકોને માસ્ક પહેરાવી તેનો ૨૫ કે
૫૦ રૂપિયા ચાર્જ વસુલી આવા લોકોમાં જાગૃતતા લાવવાનું કામ થાય અને આવી ગરીબી મોંઘવારી, બેકારી જેવા કપરા કાળમાં સામાન્ય માણસો ૨૦૦ કે ૫૦૦ રૂપિયાના દંડનો ભોગ ન બને તે માટે યોગ્ય કરવા વિર માંધાતા કોલી સમાજ સંગઠન ગુજરાતની માંગ છે.