સ્મશાનમાં કોરોનાગ્રસ્ત દર્દીને અગ્નિદાહ બાદ સેનેટાઈઝની કામગીરી જ થતી નથી
- કોરાનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ કોઈ એક સ્મશાનમાં જ અગ્નિદાહ આપવો જરૃરી
- કોરોનાનુ સંક્રમણ અટકાવવા સ્મશાનમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ બાદ સેનેટાઈઝની કામગીરી કરવા વિરોધપક્ષના નેતાની માંગણી
ભાવનગર, સોમવાર
ભાવનગર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થાય તો જુદા જુદા સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ સેનેટાઈઝની કામગીરી કરવામાં આવતી નથી તેથી કોરોનાનુ સંક્રમણ વધવાની શકયતા છે ત્યારે કોઈ એક સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થાય તે વ્યકિતની અંતિમવિધિ કરવી જોઈએ. સ્મશાનમાં સેનેટાઈઝની કામગીરી પણ કરવી જોઈએ તેમ મહાપાલિકાના વિરોધપક્ષના નેતાએ માંગણી કરી છે.
શહેરમાં આવેલ સ્મશાનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને અગ્નીદાહ આપવામાં આવે છે પરંતુ શબને અગ્નિદાહ આપ્યા બાદ આખા સ્મશાનને સેનેટાઈઝીંગ કરવુ જોઈએ, જેથી જે તે સ્મશાનમાં આવતા અન્ય ડાઘુઓ સંક્રમણનો ભોગ ન બને અને કોરોના પોઝિટિવ કેસમાં મહંદઅંશે રાહત રહે તેમજ ભાવનગર શહેરમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થતો હોય ત્યારે ફકત એક સ્મશાનમાં જ કોરોનાગ્રસ્ત શબોની અંતિમવિધિ કરવી જોઈએ જેથી કોરોનાનુ સંક્રમણ અટકી શકે અથવા તો જે સ્મશાનોમાં પણ શબની અંતિમવિધિ કરવામાં આવે તેને સત્વરે આખા સ્મશાનને સેનેટાઈઝ કરવુ જોઈએ. કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે જરૃરી પગલા લેવા મહાપાલિકાના વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલે મહાપાલિકાના કમિશનરને રજુઆત કરી છે અને તત્કાલ પગલા લેવા માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કોરોનાના દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે ત્યારે દરેક સ્મશાનના બદલે કોઈ એક સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવુ આયોજન કરવુ જોઈએ અને સેનેટાઈઝની કામગીરી પણ વારંવાર કરવી જરૃરી છે.