Updated: Mar 15th, 2023
- વીજચોરીના વધી રહેલા દુષણને ડામવા માટે
- બોટાદ જિલ્લામાં ત્રાટકેલી 105 જેટલી ટીમોએ લાખોની વીજચોરી પકડી, વીજ ચેકિંગની કામગીરીનો ધમધમાટ
વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. ગત અઠવાડિયે ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ તેમજ ગઢડા વિભાગીય કચેરી હેઠળની બોટાદ શહેર-૧ તેમજ ૨, રાણપુર, પાળીયાદ, બરવાળા ,બોટાદ ગ્રામ્ય તેમજ ઢસા,ધોળા પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની ૧૦૫ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને ૧,૬૩૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૨૮૩ વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૫૫.૯૭ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે, એપ્રિલ-૨૨થી ફેબુ્રઆરી-૨૩ના સમયગાળામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ કુલ ૩૧૨૫૦ વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૫,૨૦૫ વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ પકડાતા કુલ રૂ. ૯૬૨.૯૯ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.