આજે બોટાદમાં રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- સ્પોર્ટસ સંકુલ નવી તકોનું સર્જન કરશે
- મુખ્યમંત્રીના હસ્તે જિલ્લામાં 298 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાશે
૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન થશે. બાદ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, અશ્વશો, ડોગ શો, સાંસ્કૃતિક કાર્યક્રમ, હેલીકોપ્ટરમાંથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમો યોજાશે. જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતુ કે, સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે.બોટાદમાં બનનાર સ્પોટર્સ સંકુલ નવી તકોનું સર્જન કરશે એવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ તકે સ્વાગત પ્રવચન કરી જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સવસીઝ બંને આયમોમાં પ્રગતિ કરી રહ્યો છે તંત્ર બોટાદ જિલ્લાની ૭.૫ લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા તત્પર છે. વર્ષ ૨૦૨૨માં ૭૦૦ દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જયારે જાન્યુઆરીના ૨૪ દિવસમાં ૩૪૯ દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે ૧૬૧૪ નોંધો લેવાઈ હતી તેમજ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ૫૮૭ નોંધો પડાઈ છે.આ પ્રસંગે આ પ્રસંગે સાંસદ, વર્તમાન અને પુર્વ ધારાસભ્યો, પ્રભારી સચિવ,ડી.ડી.ઓ., સ્થાનિક રાજકીય આગેવાનો, બોટાદ જિ. પં.અને તા.પં.ના પ્રમુંખ અને સભ્યો, એપીએમસીના ચેરમેન અને સભ્યો, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદમાં દિવાળીના પર્વ સમાન માહોલ જામ્યો
રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને બોટાદ શહેરને રોશનીમય કરાયુ છે. તંત્ર દ્વારા કલેકટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પોલીસ અધિક્ષક સહિતની સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના તમામ સ્થળો રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓ અવનવી રોશનીથી શણગારાયા છે જેથી બોટાદમાં જાન્યુઆરીમાં દિવાળીનો પર્વ આવ્યો હોય તેવો માહોલ જામ્યો છે.
આધુનિક હથિયારોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું
રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ગુજરાત પોલીસ દ્વારા આધુનિક હથિયારોના પ્રદર્શનને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાયુ હતુ. ગુજરાત ચેતક કમાન્ડો, બોમ્બ ડિસ્પોસલ સ્કવોડ સહિતના હથિયારોથી સજજ પ્રદર્શન શહેરીજનો માટે નવલુ નજરાણુ બની રહેશે. આ પ્રદર્શનમાં પોલીસ અધિક્ષકની કચેરીનુ ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટીનો અનુભવ આપતો રાજયના સૌ પ્રથમ નવીનતમ પ્રોજેકટ પ્રદર્શિત કરાશે.