Updated: Mar 13th, 2023
- પરીક્ષા પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણ
- ધો.10 ના 10 કેન્દ્રો તથા ધો. 12 ના 7 સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ
આવતી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોટાદના ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારે પરીક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૮,૨૭૦ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપશે. જે પૈકી ૧૦ના ૧૦,૩૮૦ વિદ્યાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૬,૯૯૦ અને વિજ્ઞાાન પ્રવાહના ૯૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, બોટાદ જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૮ સંવેદનશીલ અને ૨ અતિ સંવેદનશીલ કેન્દ્ર, જ્યારે ધોરણ ૧૨માં ૪ સંવેદનશીલ અને ૩ અતિ સંવેદનશીલ કેન્દ્રો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાના મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૧ અને ૨ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ધોરણ ૧૦ની પરીક્ષા માટે બોટાદ જિલ્લામાં ૧૦ સેન્ટરોના ૨૯ બિલ્ડીંગનાં ૩૪૬ બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭ કેન્દ્રોના ૨૧ બિલ્ડીંગ ખાતેનાં ૨૩૩ બ્લોકમાં જ્યારે વિજ્ઞાાન પ્રવાહ માટે ૧ કેન્દ્રના ૫ બિલ્ડીંગનાં ૪૫ બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. પરીક્ષા કામગીરીમાં પ્રત્યેક સેન્ટર દીઠ ૧-૧ કેન્દ્ર સંચાલક સહિત કુલ ૭૦૦ જેટલા ખંડ નિરીક્ષકો પણ સંકળાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતેથી પ્રશ્નપત્રો જે-તે કેન્દ્રો સુધી પહોંચાડાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલરૂમ નંબર ૦૨૮૪૯ ૨૭૧૩૨૭ ઉપર સવારે ૭ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી સંપર્ક કરી શકાશે.