ઘરમાં ઘુસી હુમલો, નુકશાન કરવાના કેસમાં 6 આરોપીને 2 વર્ષની સજા
બોટાદ, તા. 12 ડિસેમ્બર 2018, બુધવાર
ગત વર્ષના એપ્રિલ માસમાં ઘરમા ઘુસી જઇ માર મારી, ઘરવખરીને નુકશાન કર્યા અંગે થયેલ પોલીસ ફરિયાદ બાદ તપાસનીશ અધિકારી દ્વારા કેસ કોર્ટમાં દાખલ કરતા અને આજે આ કેસ ચાલી જતા તમામ છએ આરોપી તકસીરવાર ઠર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી.
આથી મળતી માહિતી મુજબ ફરિયાદી લીલાબેન અમરસિંહભાઇ સાંકરીયા (રે.બોટાદ વિજય સોસાયટીવાળા)એ એવા મતલબની તા. 17-04-2017ના રોજ ફરિયાદ કરેલ કે, આરોપીઓ વખીભાઇ ભીખાભાઇ જોગરાણા, મખુબેન વખીભાઇ જોગરાણા, ભાભજીભાઇ વખીભાઇ જોગરાણા, ખોડાભાઇ રાઘવભાઇ જોગરાણા, લાખાભાઇ ખીમાભાઇ જોગરાણા, કરશનભાઇ રામજીભાઇ ભુવા નાઓએ ફરિયાદીને ઘરમાં ઘુસી જઇ ઢીકાપાટુનો માર મારેલ તેમજ અન્ય સાહેદોને પણ માર મારેલ તેમજ ફરિયાદીના મકાનને બારી-બારણા અને રાચ રચીલુ તોડી નુકશાન કરેલ.
ઉપરોક્ત ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં IPC કલમ 323, 324, 325, 504, 506(2) મુજબનું ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ કરેલ. ઉપરોક્ત કેસ આજરોજ બોટાદના એડી. જ્યુ.ફ.ક. મેજી. આર.એસ. સીંગલ સાહેબની અદાલતમાં ચાલી જતા નામ. કોર્ટે પડેલ પુરાવા તથા દસ્તાવેજી આધારો તેમજ સરકારી વકીલ એસ.ઝેડ. રાજપુતની દલીલો તેમજ તેમને રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઇ આરોપીઓને IPC કલમ 323, 324, 427, 337, 447 સાથે વાંચતા કલમ 114 મુજબ તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી દરેકને IPC કલમ ૩૨૩માં છ માસની સજા તથા 500 રૂ. દંડ, IPC કલમ 324ના કામે બે વર્ષની સજા અને 1500 રૂ. દંડ તેમજ IPC કલમ 337ના કામે છ માસની સજા 1000 દંડ તેમજ 427ના કામે છ માસની સજા અને 500 દંડ, ૪૪૭ના કામે 1 માસની સજા 500 રૂ. દંડ તેમજ જી.પી.એક્ટની કલમ 135 મુજબ ચાર માસની સજાનો 1000 રૂ. દંડનો હુકમ કરેલ છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરેલ છે.