એસ.ટી. ડ્રાઈવર-કંડક્ટરોએ અન્યાય સામે છેડી સોશિયલ મીડિયા પર લડત
- એએમસીના ડ્રાઈવર-કંડક્ટરને 1900 ગ્રેડ-પે તો અમને કેમ નહીં ?
- ફીક્સ પગારના કર્મચારી કરતા પણ પગાર ટૂંકો, ધારાસભ્યો પણ એસ.ટી. કર્મચારીઓની પડખે
ભાવનગર, તા. 25 જુલાઈ 2020, શનિવાર
એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટરો સાથે ગ્રેડ-પેમાં કરવામાં આવતા હળહળા અન્યાય સામે લડી લેવા હવે ડ્રાઈવર-કંડક્ટરોએ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવી લડત શરૂ કરી છે. તેમની વ્યાજબી પ્રશ્ને છેડવામાં આવેલી લડતમાં ધારાસભ્યો પણ પડખે ચડયાં છે.
સરકારની ફીક્સ પગારની પોલીસીના જીઆર મુજબ કર્મચારીઓને રૂા.૧૯૯૫૦ પગાર મળવા પાત્ર છે. તેની સામે એસ.ટી. નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોને રૂા.૧૬,૦૦૦ ફીક્સ પગાર ચુકવાઈ છે. કંડક્ટર કક્ષાના કર્મચારીઓ કાયમી થયા બાદ સાતમા પગાર પંચ મુજબ ગ્રેડ-પે રૂા.૧૬૫૦ પેમેટ્રીક્સ કોષ્ટક મુજબ ૧૫,૭૦૦-૫૦,૦૦૦માં મુકાયા છે. જે મુજબ કાયમી કંડક્ટર કક્ષાના કર્મચારીને કુલ ભથ્થા સાથે રૂા.૧૮,૩૨૩ મળે છે. આ પગાર ફીક્સ પગારના કર્મચારી કરતા પણ ઓછો છે. ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના કર્મચારી વર્ગ-૩માં આવતા હોય તેમને મળવા પાત્ર ગ્રેડ-પે રૂા.૧૯૦૦, બેઝીક ૫૨૦૦-૨૦,૨૦૦ છે તે ચુકવવા જરૂરી છે. તેમ છતાં એસ.ટી.ના વર્ગ-૩ કક્ષાના કર્મચારીઓ સાથે સરકાર ભારોભાર અન્યાય કરી રહી છે. આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆત પણ થઈ છે, તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ફીક્ટ પગારના કર્મચારી કરતા પણ ટૂંકા પગારથી ફરજ બજાવતા ડ્રાઈવર-કંડક્ટરોએ પોતાનો હક્ક મેળવવા માટે સોશિયલ મીડિયા પર લડત અભિયાન ચલાવ્યું છે. તેમના પ્રશ્ને બાલાસીનોર અને પાટણના ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી મળવા પાત્ર હક્ક ચુકવવા માગણી કરી છે.