મનપાએ સતત ત્રીજા રવિવારે લારી-ગલ્લાઓ હટાવતા આક્રોષ
- કેટલાક વિસ્તારમાં જ પગલા, અન્ય વિસ્તારમાં દબાણ યથાવત
- લારીઓ હટાવતા વેપારીઓમાં કચવાટ, માત્ર રવિવારીમાં જ મનપાને દબાણ દેખાતા હોવાની ચર્ચા
ભાવનગર, તા. 19 જુલાઈ 2020, રવિવાર
ભાવનગર શહેરની મેઈન બજારમાં દર રવિવારે રવિવારી બજાર ભરાતી હોય છે અને બજારમાં લારીઓવાળા જુદી જુદી વસ્તુઓનુ વેચાણ કરતા હોય છે તેથી લોકો વસ્તુ ખરીદવા માટે રવિવારીમાં આવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ રવિવારીથી મહાપાલિકા દ્વારા સતત લારી-ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે તેથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. લારીઓ હટાવતા વેપારીઓ કચવાટ કરતા નજરે પડયા હતાં.
શહેરમાં રવિવારે બજાર બંધ હોય છે અને મોટાભાગના વેપારીઓ રવિવારે દુકાનો બંધ રાખતા હોય છે તેથી તેનો લાભ લારીઓવાળાને મળતો હોય છે. દર રવિવારે મેઈન બજારના રોડ પર બંને સાઈડ લારીઓવાળા કપડા, ઘરવખરી સહિતની જુની-નવી વસ્તુઓનુ વેચાણ કરતા હોય છે. રવિવારીમાં સસ્તી વસ્તુ મળતા લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં જતા હોય છે પરંતુ આજે રવિવારે મહાપાલિકાના દબાણ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને લારીઓ હટાવી હતી. લારીઓ હટાવતા થોડીવાર માટે નાશભાગ મચી ગઈ હતી અને ગ્રાહકો ખરીદી પણ કરી શકયા ન હતાં. લારીઓ હટાવતા ફેરિયાઓ કચવાટ કરતા નજરે પડયા હતાં.
મેઈન બજારમાં દર રવિવારે લારીઓ લઈ ફેરિયાઓ ધંધો કરતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ રવિવારથી મહાપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે તેથી લોકોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં જ મહાપાલિકાના દબાણ સેલ દ્વારા પગલા લેવામાં આવે છે, જયારે અન્ય વિસ્તારમાં લારી-ગલ્લાના દબાણ યથાવત જોવા મળી રહ્યા છે. માત્ર રવિવારીમાં મહાપાલિકાને દબાણ દેખાતા હોવાની ચર્ચા ફેરયાઓમાં થઈ રહી છે. મહાપાલિકા દ્વારા દબાણ હટાવવામાં પણ એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ રાખવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. વાઘાવાડી રોડ, ઘોઘાસર્કલ, નિર્મળનગર, કુમુદવાડી, નારી રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવામાં આવતા નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.