Get The App

સરદાર પટેલની જન્મજયંતિ નિમીતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ

Updated: Oct 31st, 2022


Google NewsGoogle News
સરદાર પટેલની જન્મજયંતિ નિમીતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ 1 - image


- બોટાદમાં સાદગીપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

- ભાવનગર અને બોટાદ જિલ્લામાં પુષ્પાંજલિ,શપથ તેમજ પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ

ભાવનગર : દેશના લોહપુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૭૪ મી જન્મજયંતિની ભાવનગર અને બોટાદ શહેર તથા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ઠેર-ઠેર પુષ્પાંજલિ, રન ફોર યુનિટી, પ્રદર્શન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભાવનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઈ હતી.આ અવસરે દર વર્ષની પરંપરા મુજબ શહેરના પીલગાર્ડન ખાતે આવેલ સરદાર પટેલના બાવલાને પુષ્પાંજલિ કરવા માટે સ્થાનિક વિવિધ રાજકીય, સામાજિક, સેવાકીય, સ્વૈચ્છિક સંસ્થાઓના પદાધિકારીઓ અને હોદેદારો ઉમટી પડયા હતા. આ પ્રસંગે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળના પ્રતિનિધિઓ દ્વારા સરદારના બાવલાને પુષ્પાંજલિ અપાઈ હતી. ભાવનગર રેલ્વે મંડલમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર, વરિ મંડલ કામક અધિકારીની હાજરીમાં રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને સાથે મળીને કામ કરવા તથા પરસ્પર ભાઈચારો, સાચી અખંડિતતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમીત્તે ભાવનગર મંડળ દ્વારા એકતા દોડ યોજાઈ હતી. તેમજ સરદાર પટેલના જીવન ચરિત્ર પર આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જયારે મોરબીની પુલ દુર્ઘટનાને લઈને બોટાદ ખાતે સાદગીપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.પ્રાંત અધિકારી તેમજ ડીવાય.એસ.પી.એ ફલેગ ઓફ આપીને રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો.જેમાં એન.સી.સી.કેડેટસ, રમતવીરો, યોગશિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા. માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દિવંગતોને બે મીનીટ મૌન પાળીને શોકાંજલિ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બોટાદના મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધંધુકા અને ધોલેરામાં બાઈક રેલી યોજાઈ

ધંધુકા પ્રાંત ઓફિસરના વડપણ હેઠળ ધંધુકા અને ધોલેરા તાલુકામાં સરદાર પટેલની જન્મજયંતિ નિમીત્તે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી કરાઈ હતી.આ ઉપરાંત શપથ, બાઈક રેલી, માનવ સાંકળ અને રન ફોર યુનિટી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના જોડાયા હતા.



Google NewsGoogle News