Updated: Mar 1st, 2023
- માસીના ઘરે રહેવા આવેલી સ્ત્રી 6 વર્ષ પૂર્વે હવસખોરનો શિકાર બનેલી
- કેરાળાના શખ્સે જુદા-જુદા ગામોમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો
ચકચાર મચાવનારા કેસની પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લામાં પોતાના માસીના ઘરે રહેવા આવેલી એક મંદબુધ્ધિની સ્ત્રીનું ગત તા.૩-૨ના રોજ ધીરજ મોહનદાસ દેવમુરારી (રહે, કેરાળા, તા.લાઠી, જિ.અમરેલી) નામના હવસખોર શખ્સે અપહરણ કર્યા બાદ તેણીને છ દિવસ સુધી જુદા-જુદા ગામોમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. મંદબુધ્ધિની યુવતી પર થયેલા રેપની ઘટના અંગે તેણીના પરિવારજનોને જાણ થતાં ભોગગ્રસ્તના સગાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ શખ્સ ધીરજ દેવમુરારીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કુમારી કિર્તિદા આર. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર-સચોટ દલીલ અને રજૂ થયેલા ૨૧ દસ્તાવેજો પૂરાવા અને ૨૫ સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં રાખી ન્યાયમૂર્તિ કિર્તિદા આર. પ્રજાપતિએ આરોપી ધીરજ દેવમુરારીને આઈપીસી ૩૬૬ મુજબ ૧૦ વર્ષ કેદ અને પાંચ હજારનો દંડ તેમજ આઈપીસી ૩૭૬ મુજબ આજીવન કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને સરકારના નિયમ મુજબ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.