FOLLOW US

બોટાદમાં વંટોળ સાથે 20 મિનિટ સુધી કરા વરસ્યા

Updated: Mar 7th, 2023


- સતત ચોથા દિવસે કમોસમી વરસાદની માર

- બરવાળામાં રાત્રે વીજળીના બિહામણાં કડાકા-ભડાકા સાથે વરસાદ

બોટાદ/બરવાળા : બોટાદમાં કમોસમી માવઠાંની અસર ચોથા દિવસે રહી હતી. રાત્રિના સમયે પ્રથમ ઝાપટાં બાદ વંટોળ સાથે ૨૦ મિનિટ જેટલા સુધી કરા વરસ્યા હતા. ભરઉનાળે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો હતો. જ્યારે બરવાળામાં પણ રાત્રે વીજળીના બિહામણાં કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.

બોટાદમાં આજે મંગળવારે આખો દિવસ વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું. ત્યારબાદ મોડી સાંજના સમયે વાતાવરણમાં એકાએક આવેલા પલટાને કારણે આકાશમાં વીજળીના ચમકારા શરૂ થયા હતા. તેની સાથે સુસવાટા મારતો પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. થોડીવારમાં જ પ્રથમ છાંટા વરસવાનું શરૂ થયા બાદ કરા વરસ્યા હતા. આશરે ૧૫થી ૨૦ મિનિટ સુધી કરાનો વરસાદ થયા બાદ ઝરમર છાંટા શરૂ રહ્યા હતા. બોટાદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાથી ખેતીપાકોને નુકશાની થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બોટાદમાં કરા વરસાવ્યા બાદ બરવાળામાં રાત્રે સાડા નવ કલાક બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થતાંની સાથે જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. કાન ફાડી નાંખે તેવા વીજ કડાકાથી લોકો ભયભીત થયા હતા.


Gujarat
News
News
News
Magazines