બોટાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાતા દોડધામ
- કોરોનાનુ સંક્રમણ અટકાવવા સરકારી તંત્રએ કડક પગલા લેવા જરૂરી
- બોટાદ શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ર૪ર કેસ નોંધાયા, ૯૧ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ૩ દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ
બોટાદ તા. 28 જુલાઈ 2020, મંગળવાર
કોરોના વાયરસના કેસ બોટાદ શહેર અને જિલ્લામાં વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્રએ સંક્રમણ અટકાવવા કડક પગલા લેવા જરૂરી બની રહે છે. આજે મંગળવારે કોરોનાનો વધુ ૮ કેસ નોંધાયા હતા, જયારે ૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાય હતી. કોરોનાના દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં.
બોટાદ શહેર-જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના વધુ ૮ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે, જેમાં બોટાદના મંગળપરામાં રહેતા ૬૦ વર્ષના વૃધ્ધા, ઝવેરનગરમાં રહેતા પ૬ વર્ષના મહિલા, નાગનેશના ભરવાડવાસમાં રહેતા ૩પ વર્ષના મહિલા, ભાવનગર રોડ પર આવેલ કે.કે.નગરમાં રહેતા ૪પ વર્ષના યુવાન, હરણકુઈમાં રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ, તુરખા રોડ પર રહેતા ૪૦ વર્ષના મહિલા, તાજપરમાં રહેતા ૩૧ વર્ષનો યુવાન, બોટાદના પરા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃધ્ધા વગેરે દર્દીનો સમાવેશ થાય છે. દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે મંગળવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી.
દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ રહે છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઇઝ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. બોટાદમાં આજે કોરોનાના ૩ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં કોરોનાના આશરે ર૪ર પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૪૦ દર્દી સાજા થઈ ગયા છે, જયારે આશરે ૯૧ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૬ દર્દીના મોત નિપજયા છે.