આઠ માસ બાદ પણ ભાવનગરના ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણુંકમાં વિલંબ
- શહેર-જિલ્લાના પ્રમુખ બનવા 34 ભાજપ અગ્રણીઓની દાવેદારી છતાં હજુ નિમણુંક નથી થઈ
- શહેર-જિલ્લાના પ્રમુખની નિમણૂંકમાં ભાજપનું આયોજન ખોરવાયું, દાવેદારો પણ નિમણુંકની રાહ જોઈ થાકયા હોવાનો ગણગણાટ
ભાવનગર, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
આશરે આઠ માસ પૂર્વે ભાજપનુ સંગઠન પર્વ ચાલી રહ્યુ હતુ તેથી શહેર અને જિલ્લા પ્રમુખની નિમણુંકની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર પ્રમુખની નિમણુંકમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય ગયા પરંતુ હજુ ભાવનગરના ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા નથી.
પ્રમુખની નિમણુંકનુ કોકડુ ફરી ગુચવાયુ હોવાની ચર્ચા ભાજપ અગ્રણી-કાર્યકરોમાં થઈ રહી છે. ભાજપ શહેર-જિલ્લા પ્રમુખ બનવા માટે ઘણા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે પરંતુ પ્રમુખની નિમણુંક જ લાંબા સમયથી નહી થતા દાવેદારો પણ રાહ જોઈને થાકી ગયા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
રાજકોટ ખાતે ગત તા. ૧૯ નવેમ્બર-ર૦૧૯ પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા ભાવનગર શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણુંક કરવા માટે સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાજપના ભાવનગર શહેર પ્રમુખ, મહામંત્રી તેમજ જિલ્લાના પ્રમુખ સહિતના હોદ્દેદારો રાજકોટ ગયા હતા અને તેઓએ દાવેદારોની યાદી ભાજપ સંગઠનના અગ્રણીઓને આપી હતી. સ્થાનીક હોદ્દેદારો સાથે પ્રદેશ કક્ષાના નેતાઓએ ચર્ચા કરી હતી અને જુદા જુદા દાવેદારો અંગેના અભિપ્રાય પુછયા હતાં. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ર૧ અગ્રણીએ દાવેદારી કરી હતી. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ૧૩ અગ્રણીઓએ દાવેદારી કરી હતી. સેન્સ લેવાયા બાદ થોડા દિવસમાં પ્રમુખની નિમણુંક થઈ જશે તેવી ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ચર્ચા હતી પરંતુ સેન્સ લીધાના આઠ માસ બાદ હજુ સુધી પ્રમુખની નિમણુંકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેથી ભાજપ અગ્રણી-કાર્યકર પ્રમુખની નિમણુંકની રાહ જોઈ થાકી ગયા હોય તેમ જણાય રહ્યુ છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા તેને પણ દસ દિવસ જેવો સમય થઈ ગયો છે. ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા પરંતુ તેના બદલે હવે નવા પ્રદેશ પ્રમુખ પાટીલ આવી ગયા છે તેમ છતાં હજુ શહેર-જિલ્લાના પ્રમુખ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ભાજપમાં મોટાભાગની કામગીરી આયોજન પૂર્વક થતી હોય છે પરંતુ પ્રમુખની નિમણુંકમાં ભાજપનુ આયોજન ખોરવાય ગયુ હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. નિમણુંકમાં શુ કામ વિલંબ થઈ રહ્યો છે ? તે જાણવા માટે ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ચર્ચા છે પરંતુ સાચુ કારણ સ્થાનીક ભાજપ અગ્રણીઓ પણ જાણતા નથી અને મોવડી મંડળ મગનુ નામ મરી પાડતા નથી. આઠ-આઠ માસથી શહેર-જિલ્લાના પ્રમુખના નામ જાહેર થતા નથી ત્યારે અગ્રણી-કાર્યકરો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ ટુક સમયમાં પ્રમુખ, મહામંત્રીના નામની જાહેરાત કરશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખ આવતા હવે સ્થાનીક સમીકરણો પણ બદલાશે તેવી ચર્ચા ભાજપ કાર્યકરોમાં ચાલી રહી છે.
પ્રમુખની નિમણુંક નહી કરતા સંગઠનમાં ઉત્સાહ ઓસરાયો
ભાજપના મોવડી મંડળ દ્વારા સેન્સ લીધાના આઠ માસ બાદ પણ ભાવનગર શહેર અને જિલ્લાના પ્રમુખની નિમણુંક કરવામાં આવી નથી. અન્ય જિલ્લામાં પણ નિમણુંક આપવામાં આવી નથી તેથી ભાજપ સંગઠનના અગ્રણી-કાર્યકરોમાં નીરશ માહોલ જોવા મળી રહ્યો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. પ્રમુખની નિમણુંકમાં વિલંબ થતા સંગઠનમાં ઉત્સાહ હાલ ઓસરાયો છે. નવા પ્રમુખની નિમણુંક બાદ ફરી સંગઠનમાં જોમ આવશે તેમ કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે. હાલ કોરોનાના પગલે રાજકીય મેળાવડા પણ બંધ થઈ ગયા છે પરંતુ પેટા ચૂંટણી જાહેર થશે તો ફરી રાજકારણ ગરમાશે તેમ જણાય રહ્યુ છે.
પ્રદેશ પ્રમુખ બદલાયા તેથી સમીકરણ ફરશે તેવી ચર્ચા
ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખ કોણ બનશે ? તે જાણવા સ્થાનીક અગ્રણી-કાર્યકરોમાં હજુ ઉત્સુકતા યથાવત જોવા મળી રહી છે. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ બદલાયા ગયા છે તેથી સ્થાનીક કક્ષાએ પણ પ્રમુખ સહિતના નામના સમીકરણ ફરશે તેવી ચર્ચા ચાલી રહી છે. અગાઉના પ્રમુખ ભાવનગરના હતા તેથી તેના વિશ્વાસુ વ્યકિત સ્થાનીક કક્ષાએ પ્રમુખ બનશે તેવી ચર્ચા હતી ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખ કોના નામ પર મોહર મારે છે ? તેની રાહ જોવી જ રહી. ભાજપ મોવડી મંડળમાંથી પ્રમુખના નામની જાહેરાત થતી નથી તેથી હાલ સ્થાનીક ભાજપ અગ્રણી-કાર્યકરો જુદા જુદા નામની ચર્ચા કરી સમય પસાર કરી રહ્યા હોવાનુ જાણવા મળેલ છે.