For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કપાસમાં શોષણનો કકળાટ : બોટાદ કોટન યાર્ડમાં હરાજી બંધ, પાંચ જણની અટકાયત

Updated: Nov 16th, 2021

Article Content Image

- આપના આગેવાનોના મુખ્ય પ્રવેશ માર્ગ બહાર ધરણાં-સૂત્રોચ્ચાર, પોલીસ દોડી ગઈ

- હરાજીમાં નક્કી થયેલાથી ખેડૂતોને ઓછી કિંમત ચુકવાતી હોવાની રાવ

બોટાદ : બોટાદ કોટન યાર્ડમાં ખેડૂતોનું શોષણ થતું હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ કપાસની હરાજી બંધ કરાવી દીધી હતી. બનાવને લઈ પોલીસ કાફલાએ દોડી જઈ આગેવાનો સહિત પાંચ જણની અટકાયત કરી લીધી હતી. કપાસમાં શોષણના કકળાટને લઈ આક્ષેપ-પ્રત્યાક્ષેપો પણ થયા હતા.

બોટાદ કોટન યાર્ડ સૌરાષ્ટ્ર નું બીજા નંબર નું કોટન યાર્ડ માનવામાં આવે છે. અહીં કપાસની સિઝનમાં સરેરાશ લાખ મણ કપાસની આવક થાય છે. જેથી સિઝનમાં બોટાદ ઉપરાંત આજુબાજુના જિલ્લાના ખેડૂતો અહીં કપાસ વેંચવા આપવા હોય, તેમની સાથે અન્યાય કરી જીન માલિકો દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની રાવ સાથે આજે મંગળવારે આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ, જિલ્લા આપ પ્રમુખ સહિતનાઓ બોટાદ યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને હરાજી બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ ખેડૂતોને સાથે રાખી મુખ્ય પ્રવેશ માર્ગ પર ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોના શોષણને લઈ વિવાદ ઉભો થતાં બોટાદ ડીવાયએસપી અને પાળિયાદ પોલીસ સહિતનો કાફલો યાર્ડ ખાતે દોડી ગયો હતો. આપના આગેવાનોએ પોલીસ સમક્ષ પણ એવો બળાપો ઠાલવ્યો હતો કે, જીન માલિકો દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ખેડૂતોને ઓછી કિંમત ચુકવવામાં આવી રહી છે. જે શોષણ બંધ થાય તેમજ જીન સુધી કપાસ લઈ જવાનું વાહન ભાડું વેપારીઓએ ચુકવવું તેવી માંગણી કરી હતી. 

વિવાદને લઈ હરાજી બંધ થતાં યાર્ડના ચેરમેન, ડિરેક્ટર વગેરે પણ દોડી ગયા હતા.  આ અંગે ચેરમેને જણાવ્યું હતું કે, ખેડૂત આગેવાનની માંગણી ગેરવ્યાજબી છે. યાર્ડને બાનમાં લેવા અને કાયદો-વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં સ્થળ પર દોડી ગયેલી પોલીસે આપના પાંચ આગેવાનને ડિટેઈન કર્યા હતા. યાર્ડના સત્તાધિશોએ પોલીસને રાથે રાખી હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી.

Gujarat