ધંધુકામાં 28988 અને ધોલેરા તાલુકામાં 18640 હેકટરમાં કપાસનું વાવેતર નોંધાયુ
- કપાસ, ભાલીયા ઘંઉ અને ચણાનું ઉત્પાદન ઘટયુ
- સમયસર વરસાદ નહિ થતા બંને તાલુકામાં વાવેતર નિષ્ફળ જવાની ભીતી સેવાઈ
ધંધુકા, તા.25 જુલાઈ 2020, શનિવાર
ધંધુકા અને ધોલેરા તાલુકામાં ચોમાસાની એક માસની મોસમ પુરી થવા છતા પુરતુ વાવેતર થયુ નથી. આ બંને તાલુકામાં ૫૦ ટકા કરતા પણ ઓછુ વાવેતર ખેતીવાડી શાખામાં નોંધાયુ છે. વરસાદ સમયસર નહિ થતા વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેતીવાડી શાખામાંથી મળેલી આધારભૂત માહિતી અનુસાર ધંધુકા તાલુકાના ૬૪૯૧૯ હેકટર વાવેતર વિસ્તારમાં ૩૩૩૪૨ હેકટર વાવેતર ખેડૂતોએ કર્યુ હોવાનું નોંધાયુ છે. જેમાં ૧૪૬૨૫ હેકટરમાં પીયત કપાસ તથા ૧૪૩૬૩ હેકટરમાં બીન પીયત કપાસનું વાવેતર થયુ છે. તેમજ ૩૫૬૫ હેકટરમાં ખરીફ જુવાર ૭૧૦ હેકટરમાં તલનું વાવેતર નોંધાયુ છે. વાવેતર વિસ્તાર જમીનમાં હજુ સુધી ૩૧૫૭૭ હેકટરમાં વાવેતર થયુ નથી. ચોમાસાના એક માસ પછી પણ વાવેતર ખેડૂતો પુરતુ કરી શકયા નથી. ધોલેરા તાલુકામાં સારો વરસાદ પડે પછી ભાલીયા ઘંઉ અને ચણાનું વાવેતર દિવાળીની આસપાસના દિવસોમાં ખેડુતો કરતા હોય છે. ધોલેરા તાલુકામાં ૫૧૬૦૨ હેકટર વાવેતર વિસ્તારમાં ૨૫૮૨૭ હેકટરમાં વાવેતર થયુ છે. હજુ ૨૫૭૭૫ હેકટરમાં વાવેતર થયુ નથી. ધોલેરા તાલુકામાં બીન પીયત કપાસનું ૧૮૬૪૦ હેકટરમાં વાવેતર થયુ છે. ખરીફ જુવારનું ૭૧૮૭ હેકટરમાં વાવેતર થયુ છે. સરકારી રેકર્ડ મુજબ ધંધુકા અને ધોલેરા તાલુકામાં તા.૨૩ જુલાઈ સુધી ૫૦ ટકા પણ વાવેતર થયુ નથી. વરસાદ સમયસર નહી થતા ખેડૂતોએ કરેલ વાવેતર પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી આઠ દિવસમાં સારો વરસાદ થાય તો હજુ પણ વર્ષ સુધરી જવાની આશા છે.છેલ્લા ત્રણ વર્ષમાં આ બંને તાલુકામાં સમયસર ખેતીલાયક વરસાદ નહિ થતા કપાસ, ભાલીયા ઘંઉ અને ચણાનું ઉત્પાદન ઘટયુ હતુ. જેની ખોટ ખેેડૂતોને ભોગવી પડી હતી.