ફૂલોની સુગંધને કોરોનાનું સંક્રમણ, માલની આવક અને ખરીદી ઓછી
- જિલ્લામાંથી આવક નહીંવત પ્રમાણમાં, બહારગામના મોંઘા ફૂલ લાવવા વેપારીઓ મજબૂર
- મોટાભાગના દેવાલયો બંધ, જ્યાં શરૃ ત્યાં ફૂલના ચડાવા ઉપર પ્રતિબંધથી ફૂલોની ખપત ઘટી
ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર
શ્રાવણ માસના પ્રારંભ સાથે ફૂલોની બજારમાં ઘરાકીની રોનક જામી જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાકાળને કારણે ફૂલોની સુગંધને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેમ ફૂલોની ખપતમાં અડધો અડધ ઘટાડો નોંધાયો છે. જેના કારણે ફૂલના વેપારીઓમાં ઓણ સાલની સિઝન નબળી જવાની ચિંતા પ્રસરી છે.
શ્રાવણ માસ શરૃ થઈ ગયો છે. તેમ છતાં ફૂલોની માર્કેટમાં તેજી આવવાના બદલે મંદીનો માહોલ છવાયો છે. જે ૫૦ ટકા ઘરાકી છે, તે દશા માઁના વ્રતને કારણે હોવાનો ફૂલના વેપારીએ મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે ભાવનગરમાં મોટાભાગના પ્રસિધ્ધ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. જે મંદિરો દર્શન માટે ખુલ્લા છે, તેમાં પણ સરકારના આદેશ મુજબ કોરોના સંક્રમણને અટકાવવા માટે ફૂલ, દૂધ અને અન્ય સામગ્રી ચડાવવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેની સીધી અસર ભાવનગરની ફૂલ બજાર પર પડી રહી છે. એક તરફ કોરોના વાયરસે ફૂલોના વ્યવસાયને મૂરજાવ્યો છે, તો બીજી તરફ આ વર્ષે ભાવનગર જિલ્લામાંથી ગુલાબને બાદ કરતા અન્ય ફૂલોની આવક નહીંવત કહીં શકાય તેટલી હોવાથી વેપારીઓને નાછૂટકે નાસિક, બોમ્બે અને અન્ય જિલ્લાઓમાંથી મોંઘા ભાવના ફૂલ લાવવા પડી રહ્યા છે. હોલસેલ માર્કેટમાં ફૂલના ભાવ આસમાને હોવાના કારણે છુટક બજારમાં ૬૦થી ૭૦ ટકાનો ભાવ ઉંચકાયો છે. જેથી વેપારીઓને નફો ઓછો અને ગ્રાહકોને નુકશાન વધુ જઈ રહ્યું છે. વધુમાં કોવિડ-૧૯ને કારણે ફૂલની બજારમાં આ વર્ષે તેજીની મહેક પ્રસરવાની આશા ઓછી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.