Get The App

કોરોના ઈફેકટ, આ વર્ષે સાતમ આઠમના પર્વે મુવીંગ દ્રશ્યોની જમાવટ જોવા નહી મળે !

- દર વર્ષે મુવીંગ દ્રશ્યો જોવા બહોળી સંખ્યામાં લોકો આવતા હતા

- ૧૯૬૪ થી વડવા રૃવાપરી માતાજીના સાનિધ્યમાં મુવીંગ દ્રશ્યનું થઈ રહેલુ ચિત્તાકર્ષક આયોજન

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના ઈફેકટ, આ વર્ષે સાતમ આઠમના પર્વે મુવીંગ દ્રશ્યોની જમાવટ જોવા નહી મળે ! 1 - image


ભાવનગર,સોમવાર

પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમના પર્વે શહેરના વડવા વિસ્તારમાં  ચિત્તાકર્ષક મુવીંગ દ્રશ્યો ખડા કરવામાં આવતા હતા. જે નિહાળવા ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો ઉમટી પડતા હતા. આ વર્ષે કોરોના ઈફેકટના કારણે વડવા સહિતના વિસ્તારોમાં તહેવારોમાં મુવીંગ દ્રશ્યોની જમાવટ જોવા મળશે નહિ.

ઉત્સવોની જનની ગણાતા શહેરના વડવા નાના રૃવાપરી મંદિર, પાળીયાધાર, કુંભાર શેરી, પાનવાડી, સંસ્કાર મંડળ, આંબલી ફળી,જાલમશંગવાળો ખાંચો અને ખીજડાવાળી શેરી સહિતના અનેક વિસ્તારોમાંં પ્રતિ વર્ષે સાતમ-આઠમના અવસરે ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને આવરી લેતા ઈલેકટ્રોનિક મુવીંગ દ્રશ્યના વિશિષ્ઠ આયોજન કરવામાં આવતા હતા.જેમાં ૧૨ બાય ૧૫ ફૂટના સુશોભિત સ્ટેજ ઉપર ઈકો સાઉન્ડ સિસ્ટમના સંગાથે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક દ્રશ્યો આબેહુબ ખડા કરવામાં આવતા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વડવા  રૃવાપરી માતાજીના મંદિરના પ્રાંગણમાં ઈ.સ.૧૯૫૬ થી ૫૭માં વિશાળ નયનરમ્ય રંગોળી દોરવામાં આવતી હતી.જેમાં ભગવાન શંકર અને ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા વગેરે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બનતી હતી. ત્યારબાદ સેવા મંડળ દ્વારા ઈ.સ.૧૯૬૪ થી આજ દિન સુધી  વિવિધ મુવીંગ દ્રશ્યો બનાવવામાં આવતા હતા. આ મુવીંગ દ્રશ્યો નિહાળવા માટે વિસામાધામવાળી રૃવાપરી માતાના મંદિરથી લઈને વડવા ચોરા સુધી લોકો કલાકો સુધી ખડે પગે લાંબી કતારોમાં ઉભા રહેતા હતા. સાતમના પર્વે સવારે નામી અનામી ધર્મસ્થાનકો,આશ્રમોના સંતો,મહંતોના હસ્તે મંગળા આરતી  અને તેમના આશિર્વચન સાથે મુવીંગ દ્રશ્યો ખુલ્લા મુકાતા હતા.  માતાજીના પ્રાંગણમાં રાત્રીના નામાંકિત કલાકારોની સંતવાણીના કાર્યક્રમ યોજાતા હતા. જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓની હાજરી જોવા મળતી હતી. તેમ રૃવાપરી સેવા મંડળના અગ્રણી દિપકભાઈ ખાટસુરીયાએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, આ વર્ષે કોરોનાની મહામારી વધતા સેવામંડળ દ્વારા મુવીંગ દ્રશ્યોનું આયોજન બંધ રાખવામાં આવેલ છે. 

એક એકથી ચડિયાતા મુવીંગ દ્રશ્યો...

અત્રે ૧૯૬૪માં શંકર ભગવાન,૧૯૬૫માં ચારધામ યાત્રા, ૧૯૬૬માં ગોકુળમાં નંદનવન,બાદ અનુક્રમે કાચનું મંદીર, શેષશૈયા, ગંગાઅવતાર,શ્વેતબંધુ રામેશ્વર, લંકાદહન, ઉત્તર  ભારત યાત્રા, ગજેન્દ્ર મોક્ષ, ભકત ધુ્રવ, સીતા અગ્નિ પરીક્ષા, નટખટ કનૈયા, કાળીનાગ નાથિયો, બાળકૃષ્ણ લીલા, કુરુક્ષેત્ર,મીરા કે પ્રભુ ગિરિધર, રાસલીલા, સમુદ્રમાં સોનાની દ્રારકા, ખાંડવ વન દહન, મહાસતિ અનસુયા, ગોકુળ, શ્રીકૃષ્ણ સુદામા, નરસિંહ અવતાર, અહલ્યાનો ઉધ્ધાર, કાનુડો, કાલિયા મર્દન, શ્રીકૃષ્ણ અવતાર, વિરાટ સ્વરૃપ, ભકત દેવતણખી, મથુરાનગરીમાં શ્રીકૃષ્ણ, બાપા સીતારામ, શકુંતલા, ગંગામૈયા, વત્સાસુર રાક્ષસનો ઉધ્ધાર, તાડકા વધ, કુવાલિયાપીઠ હાથીનો ઉધ્ધાર, જશોદાનો નટખટ કનૈયો,૨૦૧૨માં ગોવર્ધન ગિરિધારી, ૨૦૧૩ માં ઓપરેશન સૂર્યરોપ કેદારનાથ, ૨૦૧૪માં નાટયપ્રયોગ પરદુખભંજન મા રૃવાપરી તેમજ ૨૦૧૫માં કુબેર પુત્રોનો ઉધ્ધાર વગેરે મુવીંગ દ્રશ્યો રજુ કરાયા હતા.

Tags :