Get The App

કોરોના ઈફેકટ : આજથી પાવનકારી દશામાના વ્રતની થશે સાદગીભેર ઉજવણી

- માઈભકતો દશામાની મૂર્તિનું ભાવભકિતભેર સ્થાપન કરી 10 દિવસ સુધી પુજન અર્ચન કરશે

- વ્રતના અંતિમ દિવસે મૂર્તિનુ નદી,તળાવ કે દરિયામાં વિસર્જન કરાશે, સમુહ કાર્યક્રમો પર રોક રહેશે

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના ઈફેકટ : આજથી પાવનકારી દશામાના વ્રતની થશે સાદગીભેર ઉજવણી 1 - image


ભાવનગર, તા. 19 જુલાઈ 2020, રવિવાર

ભાવનગર સહિત રાજયભરમાં અષાઢ વદ અમાસ તા.૨૦ જુલાઈને સોમવારથી પાવનકારી દશામાના પવિત્ર વ્રતનો ઉલ્લાસભેર પ્રારંભ થઈ રહ્યો છે. જેના કારણે ખાસ કરીને શ્રધ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણીનો પ્રારંભ થઈ જાય છે.  વર્ષોથી દશામાના પવિત્ર વ્રતનો મહીમા વધી રહ્યો છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક,મંદિર પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવિધાનપૂર્વક સ્થાપન કરે છે. દશ દિવસ સુધી દશામાના ખાસ પૂજન,અર્ચન,સત્સંગ, આરતી,કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે. વ્રતધારી મહિલાઓ આ ઉજવણી દરમિયાન ઉપવાસ કરી દશામાનુ ભાવ અને ભકિતભેર પૂજન અર્ચન કરશે. એટલુ જ નહિ પરિવારના સભ્યો તેમજ પાડોશી મહિલાઓ દશામાની વ્રતની વાર્તાનું વાંચન અને શ્રવણ કરાશે. મહિલા મંડળો દ્વારા મોડી સાંજ સુધી ભજન કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવાશેે. આ દિવસોમાં વ્રતધારી પરિવારો યથાશકિત મુજબ બહેનોની ગોરણી, બટુકભોજન, બ્રહ્મભોજન અને માતાજીનો તાવો સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં લાભાર્થી પરિવારોને રોકડ સ્વરૃપે કે ચીજવસ્તુઓ કે, કાપડ સ્વરૃપ ભેટ આપી તેઓનો રાજીપો મેળવશે. 

દશ દિવસ સુધી દરરોજ દશામાના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પણ યોજાય છે. અંતમાં વ્રતધારી પરિવારો વ્યકિતગત રીતે કે સામુહિક રીતે દશામાની મૂર્તિનું નજીકના દરીયામાં કે,તળાવમાં વિસર્જન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. શહેરમાં દશામાના વ્રતના અનુસંધાને મૂર્તિ સહિત વિવિધ ચીજવસ્તુઓની જવાહર મેદાન,ગંગાજળીયા તળાવ તેમજ બજારમાં મહિલાઓ દ્વારા ધુમ ખરીદી થઈ રહી છે.આ વર્ષે કોરોનાની મહામારી વધતા દશામાના વ્રતના મહોત્સવની સાદગીભેર ઉજવણી કરાશે અને સામુહિક કાર્યક્રમો પર રોક રહેશે.

વ્રત સંબંધીત ચીજોની ખરીદી ઘટી 

શ્રાવણ માસના આરંભના આગલા દિવસથી જ દશામાના આ પાવનકારી તહેવારનું આગમન થાય છે.આ દિવસોમાં માતાજીની મૂર્તિઓ, વ્રતની વાર્તાની ચોપડી, દશામાના પરચા, વ્રતનો મહિમા અને દશામાના સ્થાનકના મહત્વ વર્ણવતી ઓડીયો, વિડીયો, સીડી, ભકિતગીતો, અગરબતી, દશામાની ચૂંદડી, શણગાર, કંકુ, પૂજાપો, શ્રીફળ અને અલગ અલગ વેરાયટીવાળો પ્રસાદ,સુકામેવો, મીઠાઈ અને ફરસાણ વગેરેના વેચાણમાં વૃધ્ધિ થાય છે.

Tags :